કોરોના દેશમાં:હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું- લોકો જો માસ્ક નથી પહેરતા તો ડ્રોનથી દેખરેખ રાખો; પંજાબમાં 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ

નવી દિલ્હી2 વર્ષ પહેલા
તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની છે. અહીં સંગમ કિનારે બુધવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જેમા લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. - Divya Bhaskar
તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની છે. અહીં સંગમ કિનારે બુધવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જેમા લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા.

અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગ અને ફેસ માસ્કના નિયમોનું કડકાઈથી અમલ કરાવે. જો લોકો માસ્ક વગર નિકળી રહ્યા છે તો ડ્રોનથી દેખરેખ રાખો.

પંજાબમાં 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ
દેશમાં કોરોનાના આંકડાઓએ મંગળવારે ફરી ચિંતામાં વધારો કરી દીધો છે. 44 હજાર 245 નવા દર્દી નોંધાયા અને માત્ર 37 હજાર 765 સાજા થયા. સાજા થનારા દર્દીઓનો આંકડો 31 જુલાઈ પછી સૌથી ઓછી છે. ત્યારે 36 હજાર 554 દર્દી સાજા થયા હતા. ત્યારથી એક વખત પણ 40 હજારથી દર્દી સાજા નહોતા થયા.તો આ તરફ કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રાજ્યના તમામ શહેરોમા 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે બુધવારે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ કર્ફ્યૂ રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલા નિયમ તોડવા માટેનો દંડ પણ ડબલ કરી દેવાયો છે. હવે નિયમ તોડીને 1000 રૂપિયા દંડ ફટકારાશે.તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને વેડિંગ વેન્યૂ રાતે સાડા 9 વાગ્યા સુધી બંધ કરવા પડશે.

રાજ્ય સરકાર 15 ડિસેમ્બરે આ નિર્ણયોની સમીક્ષા કરશે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાના 1,47,665 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં 6,834 એક્ટિવ કેસ છે. વાઈરસથી અત્યાર સુધી 4,653 મોત થયા છે. લુધિયાનામાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલા મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન સરકારે પોતાના શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી હતી.

મંગળવારે દેશમાં મહામારીથી 489 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 24 કલાકમાં 5 હજાર 983 વધી ગઈ. જે 27 સપ્ટેમ્બર પછી સૌથી વધુ છે. ત્યારે 7 હજાર 29 એક્ટિવ કેસ વધ્યા હતા. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 92.21 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. 86.41 લાખ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. 1.34 લાખ સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે અને 4.43 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ તમામ આંકડા covid19india.org માંથી લેવાયા છે.

કોરોના અપડેટ્સ

 • મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આજથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. રાજ્યમાં દિલ્હી,NCR, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવતા લોકોને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ નહીં હોય તો એન્ટ્રી નહીં મળે
 • કોંગ્રેસના સીનિયર લીડર અહેમદ પટેલનું બુધવારે સવારે દિલ્હીમાં નિધન થઈ ગયું. તેમના આંતરિક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે 1લી ઓક્ટોબરે કોરોના પોઝિટીવ થઈ ગયા હતા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.
 • દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ કહ્યું કે, જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી દિલ્હીમાં શાળા ખુલવી મુશ્કેલ છે. સિસોદીયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, દિલ્હીમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને તે સૌથી ઘાતકી છે. આ દરમિયાન સંક્રમિત લોકોની સંખ્યા વધુ છે. આવા સમયમાં કોઈ પણ માતા પિતા તેમના બાળકોને શાળા મોકલવાનું જોખમ નહીં ખેડે. શાળા ખોલવનો અર્થ છે બાળકોને કોરોનાના કહેરમાં ધકેલવા.
 • મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે કહ્યું કે, રાજ્યમાં હાલ ફરીથી લોકડાઉન લગાવવા વિશે કોઈ વિચાર નથી. સંક્રમણને અટકાવવા માટે કોવિડ નિયમોનું કડક પાલન કરાવવા માટે ઠોસ પગલા જરૂર લઈશું. જેના માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી શકે છે.
 • સુપ્રીમ કોર્ટે કોરોના વાઈરસની તપાસ માટે RT-PCR ટેસ્ટની ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને નોટિસ આપી છે. કોર્ટમાં આના માટે એક અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં RT-PCR ટેસ્ટની કિંમત 400 રૂપિયા નક્કી કરવામાં આવે. આનાથી લોકોને ફાયદો મળશે અને તપાસ પણ થઈ શકશે.

વેક્સિનની આડ અસર સામે પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તૈયાર રહેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોનાના વધતા કેસ વચ્ચે સારા સમાચાર મળ્યા છે. આગામી બેથી ત્રણ મહિનામાં દેશને અસરકારક વેક્સિન મળી શકે છે. કેન્દ્ર સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા પર ભાર આપવાનું શરૂ કર્યું છે.સરકારે મંગળવારે તમામ રાજ્યોને આના માટે પત્ર મોકલ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ ડો. મનોહર અગનાનીએ રાજ્યોને કહ્યું કે, વેક્સિનેશનની અમુક આડ અસર થઈ શકે છે. જેની સામે પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકાર તૈયારી કરી લે. મંત્રાલયે આડ અસરથી બચવા માટે ઘણી મહત્વની માહિતી પણ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એડવર્સ ઈવેન્ટ્સ ફોલોવિંગ ઈમ્યૂનાઈઝેશન (AEFI) સર્વેલાન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગે કામ કરવામાં આવે જેથી વેક્સિનેશન સમયસર થઈ શકે.

તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોએ શું કરવાનું રહેશે?

 • મેડિકલ સ્પેશ્યાલિસ્ટ અને પીડિયાટ્રિશિયનને જિલ્લા સ્તરના AEFI કમિટિમાં સામેલ કરો.
 • AEFI કમિટિમાં ન્યૂરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, શ્વાસની તકલીફના એક્સપર્ટને સામેલ કરો.
 • વેક્સિન સૌથી પહેલા એવા વૃદ્ધોને આપવામાં આવશે જેમને સ્ટ્રોક, હાર્ટ અટેક અને શ્વાસની બિમારી છે.
 • તમામ રાજ્યને તેમના ત્યાં અલગ અલગ મેડિકલ કોલેજની રચના કરવાની રહેશે, જેના ટેક્નિકલ સપોર્ટથી વેક્સિનેશન કામ થશે.
 • સ્વાસ્થ્યકર્મીઓને ટ્રેનિંગ આપવા માટે AEFI કમિટિને તૈયાર કરવાની રહેશે.
 • દેશભરમાં 300 મેડિકલ કોલેજ અને ટેરિટરી કેર હોસ્પિટલ છે, જ્યાં વેક્સિનના ડ્રગ રિએક્શન મોનિટરિંગ સિસ્ટમ છે. આ સેન્ટર્સ સાથે સંપર્ક કરવાનો રહેશે.

પાંચ રાજ્યોની સ્થિતિ

1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 6224 લોકો સંક્રમિત થયા, 4943 લોકો રિકવર થયા અને 109 લોકોના મોત થયા. રાજ્યમાં અત્યાર સુધી 5 લાખ 40 હજાર 541 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 4 લાખ 93 હજાર 419 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 38 હજાર 501 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 8621 થઈ ગઈ છે.

2.મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 1766 લોકો સંક્રમિત થયા હતા. 1112 લોકો ડિસ્ચાર્જ થયા અને 11 લોકોના મોત થયા હતા. સંક્રમિતોની સંખ્યા હવે 1 લાખ 96 હજાર 511 થઈ ગઈ છે. જેમાંથી 1 લાખ 80 હજાર 349 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 12 હજાર 979 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3183 થઈ ગઈ છે.

3. ગુજરાત
રાજ્યમાં મંગળવારે દર્દીઓનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 1510 લોકો સંક્રમિત થયા હતા. 1286 લોકો રિકવર થયા અને 16 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 409 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 13 હજાર 944 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 82 હજાર 573 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3892 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારે 5439 લોકો કોરોના સંક્રમિત થયા. 4086 લોકો રિકવર થયા અને 30 લોકોના મોત થયા. અત્યાર સુધી 17 લાખ 89 હજાર 800 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે.જેમાં 83 હજાર 221 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 16 લાખ 58 હજાર 879 લોકો અત્યાર સુધી સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 683 થઈ ગયા છે.

5. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 3314 નવા દર્દી નોંધાયા. 2214 લોકો રિકવર થયા અને 19 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 2 લાખ 50 હજાર 482 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 25 હજાર 197 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 23 હજાર 85 લોકો સાજા થઈ ચુક્યાં છે. કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2200 થઈ ગઈ છે.