કોરોના ઇન્ડિયા LIVE:24 કલાકમાં 92,788 સંક્રમિત મળ્યા, જ્યારે 93 હજારથી વધારે દર્દીને સારું થયું; 1,288 લોકોએ જીવ ગુમાવ્યો; દેશમાં કુલ 53.05 લાખ કેસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
કોલકાતામાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું ગંગા નદીમાં વિસર્જન કરતી વખતે સેલ્ફી લઈ રહેલી મહિલાઓ - Divya Bhaskar
કોલકાતામાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું ગંગા નદીમાં વિસર્જન કરતી વખતે સેલ્ફી લઈ રહેલી મહિલાઓ
  • દેશમાં અત્યારે 10.18 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. 8 હજારથી વધારે લોકોની સ્થિતિ ગંભીર
  • અત્યાર સુધીમાં કુલ 85,625 લોકોએ જીવ ગુમાવ્યો; કર્ણાટકમાં દર્દીની સંખ્યા પાંચ લાખને પાર થઈ

દેશમાં શુક્રવારે જેટલી સંખ્યામાં સંક્રમિત મળ્યા એટલી જ સંખ્યામાં લોકો રિકવર થયા. છેલ્લા 24 કલાકમાં 92,788 કેસ સામે આવ્યા જ્યારે 93,299 દર્દીને સારું થયું છે. કોરોના દર્દીનો આંકડો 53 લાખ 5 હજાર 475 થઈ ગયો છે. આ પૈકી 42 લાખ 3 હજાર 127 દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ 10 લાખ 15 હજાર 981 દર્દીનો હજુ ઈલાજ ચાલી રહ્યો છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં 85 હજાર 625 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે. તે મુજબ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને તેમના પરીવારજનો મળી શકશે. જો કે તે માટે પરીવારના સભ્યોએ PPE કિટ, ગ્લવ્ઝ, ફેસ માસ્ક પહેરવું જરૂરી છે. શુક્રવારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ અંગે આદેશ પણ બહાર પાડી દીધો છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું- શાળા ગરીબ બાળકોને ઓનલાઈન ક્લાસ માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્શન આપે
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોરોના સંકટ દરમિયાન ઓનલાઈન અભ્યાસ અંગે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે પ્રાઈવેટ અને સરકારી શાળાઓને આદેશ આપ્યો છે કે તે તેમના ત્યાં ભણતા બાળકોને ઓનલાઈન ભણાવવા માટે ગેજેટ્સ અને ઈન્ટરનેટ કનેક્શન આપે. પ્રાઈવેટ શાળા આના માટે રાજ્ય સરકાર પાસેથી પૈસા લઈ શકશે. કોર્ટ કહ્યું કે, કોરોના દરમિયાન બાળકોનો અભ્યાસ ન અટકે તેના માટે તમામે મળીને પ્રયાસ કરવા પડશે. જે બાળકો પાસે ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા નથી તેમને શાળા અને સરકાર મળીને આ સુવિધા ઉપલબ્ધ કરાવે.

દરમિયાન દિલ્હીમાં 5 ઓક્ટોબર સુધી તમામ શાળા બંધ રહેશે. સરકારે દિલ્હીમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે, જોકે આ સમય ગાળા દરમિયાન ઓનલાઈન ક્લાસિસ ચાલતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેદિલ્હીમાં ગુરુવારે કોરોના વાઈરસના 4,432 કેસ આવ્યા હતા.

તો આ તરફ વેન્ટિલેટર અથવા ICUમાં દાખલ દર્દીઓના કેસમાં ભારત દુનિયામાં બીજા નંબરે છે. સૌથી વધુ એવા દર્દી અમેરિકામાં છે. ત્રીજા નંબરે બ્રાઝિલ છે. જોકે રશિયામાં ભારતની તુલનામાં ચોથા ભાગના દર્દી જ છે. દુનિયાભરમાં 61 હજાર 275 ગંભીર દર્દી છે. રાહતની વાત તો એ છે કે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 10 લાખ 17 હજાર 717 છે. આ પ્રકારે ગંભીર દર્દીઓની ટકાવારી લગભગ 0.87ટકા છે.

કોરોનાં અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જમ્મુમાં કોરોનાના વધતા કેસ અંગે એક ઉચ્ચ સ્તરીય કમિટિને જમ્મુ મોકલવાનો નિર્ણય લીધો છે. આ ટીમ જમ્મુમાં કોરોનાને અટકાવવા માટે કામ કરશે. કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરીને ટેસ્ટિંગ વધારવામાં આવશે અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરશે. જેથી સમય જતા વધુમાં વધુ લોકોને સંક્રમણથી બચાવી શકાય.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે ગુરુવારે 10 લાખ 6 હજાર 615 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, સાથે જ અત્યારસુધીમાં 6 કરોડ 15 લાખ 72 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા, જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 96 હજાર 424 દર્દી વધ્યા અને 1,174 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 52 લાખ 14 હજાર 678 થઈ ગઈ છે. સાથે જ એક્ટિવ કેસ 10 લાખ 17 હજાર 754 છે અને 41 લાખ 12 હજાર 552 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં મૃતકોનો આંકડો 84 હજાર 372એ પહોંચી ગયો છે.

રાજ્યોની સ્થિતિ
1.મધ્યપ્રદેશ

રાજ્યમાં કોરોનાથી થઈ રહેલાં મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભોપાલમાં ગુરુવારે એક દિવસમાં 23 લોકોનાં મોત થયાં હતાં. ગત 24 માર્ચથી અત્યારસુધીમાં આવું પહેલી વખત બન્યું છે, જ્યારે કોઈ એક દિવસમાં કોરોનાના દર્દીઓનાં રાજધાનીમાં મોત થયાં હોય, જેમાં રાજગઢ-રાયસેનના 3-3, પન્ના, શુલાજપુર, હોશંગાબાદ, ગુના, નરસિંહપુર, સિહોર, દમોહ, ઉજ્જૈન અને ઈટારસીના એક-એક દર્દી સામેલ છે. આ ઉપરાંત ભોપાલના 8 લોકો પણ સામેલ છે.

રાજ્યમાં ત્રણ દિવસમાં 7 હજારથી વધુ કેસ વધી ગયા છે. કુલ સંક્રમિતોનો આંકડો શુક્રવારે એક લાખને પાર જઈ શકે છે. જોકે કેસ વધવા છતાં રાજ્યનો રિકવરી રેટ 75% પર છે. ભોપાલમાં ગુરુવારે 265 તો રાજ્યમાં કુલ 2391 કેસ નોંધાયા.

2.રાજસ્થાન
રાજ્યમાં ગુરુવારે કોરોનાના અત્યારસુધીના રેકોર્ડ 1,793 દર્દી નોંધાયા હતા. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે. સાથે જ અત્યારસુધીમાં કુલ 90 હજાર 685 સંક્રમિત સાજા થયા છે. ગુરુવારે જોધપુરમાં બે, ઉદેયપુર સીકર, પાલી, નાગૌર, કોટા ઝૂંઝૂનુ, જયપુર, શ્રીગંગાનગર, ચૂરુ, ચિત્તોડ-બિકાનેર અને અજમેરમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. જયપુરમાં રિકવર થતાં દર્દીઓની સંખ્યા 10 હજાર 159 થઈ ગઈ છે. આ રીતે અહીં એક્ટિવ દર્દીઓ 17 હજાર 495 છે.

3. બિહાર
રાજ્યમાં ગુરુવારે 1.1 લાખ ટેસ્ટ કરાયા હતા. આ રીતે અત્યારસુધીમાં 53 લાખથી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. ગત દિવસોમાં દર્દીઓની સંખ્યા ઘટવાથી પોઝિટિવિટી રેટ પણ 3.1% પર પહોંચી ગયો છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 24 હજાર 619 કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 11 લાખ 45 હજાર 840 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 8 લાખ 12 હજાર 354 લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલ 3 લાખ 1 હજાર 752 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 31 હજાર 351 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 468 સંક્રમિતે દમ તોડ્યો છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 6,029 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3 લાખ 36 હજાર 294 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 4,715 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. આ રીતે અત્યારસુધીમાં 2 લાખ 62 હજાર 288 લોકો સાજા થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...