કોરોના ઇન્ડિયા LIVE:ગૃહ મંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા અપાઈ, ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ગાસ્તીનું કોરોનાને લીધે મૃત્યુ, દેશમાં કુલ 51.18 લાખ કેસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા 40.24 લાખને પાર,તે એક્ટિવ કેસ કરતા ચાર ગણી
  • દેશમાં બુધવારે 1140 દર્દીનાં મોત થયાં, અત્યારસુધીમાં 83,230 દર્દીનાં મોત
  • મહારાષ્ટ્રમાં બુધવારે સૌથી વધુ 23,365 દર્દી નોંધાયા અને 17,559 લોકો સાજા પણ થયા

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 51 લાખને પાર કરી ગયો છે. અત્યારસુધીમાં 51 લાખ 18 હજાર 605 લોકો સંક્રમિત થયા છે. 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 856 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરે 97 હજાર 856 કેસ વધ્યા હતા. દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 40 લાખ 24 હજાર 689 થઈ ગઈ છે. જે એક્ટિવ કેસથી ચાર ગણી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હી એઈમ્સમાંથી રજા અપાઈ છે. 30 ઓગસ્ટના રોજ કોરોનાથી સાજા થયા પછી ગૃહ મંત્રીને 13 સપ્ટેમ્બરના રોજ ફરી ચેકઅપ માટે દાખલ કરાયા હતા.

સંસદ સભ્યનું કોરોનાને લીધે મૃત્યુ
રાજ્યસભાના સાંસદ અને કર્ણાટક BJPના નેતા અશોક ગાસ્તીનું ગુરુવારે બેંગ્લુરુમાં કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 2 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટક પછાત વર્ગ પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર ભાજપ નેતા અશોક ગાસ્તીએ 22 જુલાઈના રોજ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા હતા. અગાઉ ગઈકાલે એટલે કે બુધવારે આંધ્ર પ્રદેશમાં તિરુપતિના લોકસભા સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનું ચેન્નાઈની હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. તેઓ કોરોના વાયરસથી પીડિત હતા.

તો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આખા દેશમાં અત્યારસુધીમાં 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે, જેમાંથી 27થી 85 વર્ષની ઉંમરના ડોક્ટર પણ સામેલ છે. IMAએ કેન્દ્ર સરકારના એ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે તેમની પાસે કોરોનાના કારણે જીવ ગુમાવનાર અથવા આ વાઇરસથી સંક્રમિત થતા ડોક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો ડેટા નથી. પ્રેસ રિલીઝમાં IMAએ કહ્યું હતું કે આ કોરોના વોરિયર્સને સરકાર શહીદનો દરજ્જો આપે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે, બુધવારે 97 હજાર 894 કેસ નોંધાયા છે અને 1,132 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 51 લાખ 18 હજાર 254 થઈ ગઈ છે. સાથે જ 10 લાખ 9 હજાર એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી 40 લાખ 25 હજાર 80 લોકો સાજા થઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 83 હજાર 198 દર્દીઓ મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, બુધવારે 11 લાખ 36 હજાર 613 ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 6 કરોડ 5 લાખ 65 હજાર 728 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
  • રાજ્યસભામાં ગુરુવારે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, અમારી પર આરોપ લાગી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે સારુ કામ નથી કર્યું. તો પછી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં અમે કોરોનાની લડાઈ કેવી રીતે જીતી. હું પુછવા માંગીશ કે ઘણા બધા લોકો સાજા કેવી રીતે થયા, શું ભાભીજીના પાપડ ખાઈને સાજા થયા? આ રાજકીય લડાઈ નથી, પણ લોકોના જીવ બચાવવા માટેની લડાઈ છે.
  • દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે, રાજધાનીમાં અમે ટેસ્ટિંગ ચાર ગણું વધારી દીધું છે. જેથી વધુમાં વધુ સંક્રમિતોને શોધી શકાય. બુધવારે 62 હજાર 553 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પોઝિટીવિટી રેટ 7.15% રહ્યો હતો. છેલ્લા 10 દિવસોથી મૃત્યુદર 0.7% છે.અમારી પાસે 14 હજાર 521 બેડ છે. જેમાંથી 50% ભરાયેલા છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે, આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોના વેક્સિન આવવાની આશા છે. આપણો દેશ પણ અન્ય દેશો જેમ પ્રયાસ કરી રહ્યો છે.

દુનિયામાં કોરોનાના 3 કરોડથી વધુ કેસ
દુનિયામાં સંક્રમિતોનો આંકડો 3 કરોડથી વધુ થઈ ગયો છે. ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી 3 કરોડ 33 હજાર 674 કેસ નોંધાયા છે. જોકે આ સમયમાં સારા સમાચાર એ છે કે સાજા થનારાની સંખ્યા પણ હવે 2 કરોડ 17 લાખથી વધુ થઈ ગઈ છે. મહામારીથી મરનારની સંખ્યા 9 લાખ 44 હજારથી વધુ થઈ ગઈ છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ સૌથી વધુ થઈ ગઈ છે. બુધવારે 15 હજાર 286 સેમ્પલની તપાસ કરવામાં આવી, જે સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં ઓછા છે, જેમાંથી 2462 સેમ્પલ પોઝિટિવ મળ્યાં છે. આ કોઈ એક દિવસનો અત્યારસુધીનો બીજો સૌથી મોટો આંકડો છે. આ હિસાબથી સંક્રમણની ટકાવારી 16.1% થઈ ગઈ છે. જે એક દિવસ પહેલાં 11.1% હતી, એટલે કે એક દિવસમાં 5% સંક્રમણ વધી ગયું હતું.

બીજી બાજુ, પૂર્વ નાણામંત્રી તરુણ ભનોતની સ્થિતિ બગડી ગઈ છે. તેઓ બે દિવસ પહેલાં કોરોના મુક્ત થઈને જબલપુરની જિલ્લા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. બુધવારે તેમના બ્લડમાં ઈન્ફેક્શન થવાથી તેમની હાલત વધુ લથડી હતી.

2. રાજસ્થાન
રાજ્યમાં બુધવારે કોરોનાના રેકોર્ડ 1782 કેસ નોંધાયા હતા. તો આ તરફ બિકાનેરમાં 3, જયપુર, જોધપુર, પાલી અને અજમેરમાં 2-2, બાડમેર, કોટા સવાઈ માધોપુર અને ઉદેયપુરમાં એક-એક દર્દીનાં મોત થયાં હતાં. આ પ્રકારે સપ્ટેમ્બરના 16 દિવસોમાં 25 હજાર 987 કેસ નોંધાયા છે અને 223 દર્દીઓનાં મોત થયાં છે.

આટલા દર્દીઓ શરૂઆતના 135 દિવસમાં મળ્યા હતા. 15 જુલાઈ સુધી રાજ્યમાં કુલ 26 હજાર 437 સંક્રમિત મળ્યા હતા. સપ્ટેમ્બરમાં દર્દી મળવાની ટકાવારી બમણી થઈને 6.12% થઈ ગઈ છે. દર 100 ટેસ્ટમાં 6થી વધુ લોકો પોઝિટિવ મળી રહ્યા છે. જુલાઈમાં આ જ ટકાવારી 2.75%, ઓગસ્ટમાં 3.53% હતી. જોકે રાહતના સમાચાર એ છે કે હવે મૃત્યુદર 1.29%થી ઘટીને 1.20% રહી ગયો છે. જુલાઈમાં આ ટકાવારી 1.61% હતી.

3. બિહાર
રાજ્યમાં જેટલા દર્દી મળી રહ્યા છે તેના કરતાં વધુ સાજા થઈ રહ્યા છે. બુધવારનો જ આંકડો લઈએ તો 1724 લોકો સાજા થઈને ઘરે આવી ગયા છે, જ્યારે 1531 નવા દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધુ 185 પટનાથી છે. રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ 91.16% થઈ ગયો છે જે રાષ્ટ્રીય સરેરાશથી 13% વધુ છે.

કોરાના દર્દીઓના સાજા થવાની સંખ્યામાં 17 ઓગસ્ટ પછી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં સંક્રમણના સંકજામાં આવેલા 1 લાખ 48 હજાર 257 લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 07 હજાર 970 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં 52 લાખ 2 હજાર 209 લોકોની તપાસ થઈ ચૂકી છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં બુધવારે 23 હજાર 365 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 11 લાખ 21 હજાર 221 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 7 લાખ 92 હજાર 832 લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલ 2 લાખ 97 હજાર 125 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 30 હજાર 883 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 474 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં બુધવારે સંક્રમણના 6,337 કેસ નોંધાયા છે. આ સાથે જ ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3 લાખ 30 હજાર 265 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,476 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. આ રીતે અત્યારસુધીમાં 2 લાખ 58 હજાર 573 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 78.29 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...