કોરોના દેશમાં:અત્યાર સુધી 25 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ, દિલ્હી-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં 21%થી ઓછું વેક્સિનેશન

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર રાજસ્થાનના બીકાનેરની છે. વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ હેલ્થકેર વર્કરને કોરોના વેક્સિન કોવીશીલ્ડનો ડોઝ આપી રહેલ સ્વાસ્થ્યકર્મી - Divya Bhaskar
આ તસવીર રાજસ્થાનના બીકાનેરની છે. વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ હેલ્થકેર વર્કરને કોરોના વેક્સિન કોવીશીલ્ડનો ડોઝ આપી રહેલ સ્વાસ્થ્યકર્મી

કોરોના વિરુદ્ધ વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધી 25 લાખથી વધુ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધી 25 લાખ 7 હજાર 556 લોકોને વેક્સિન લગાવાઈ હતી.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર- દિલ્હી સહિત 6 રાજ્યોમાં અત્યાર સુધી 21%થી પણ ઓછું વેક્સિનેશન થયું છે. મહારાષ્ટ્ર- દિલ્હી ઉપરાંત તમિલનાડુ, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આ જ સ્થિતિ છે. સરકારનું કહેવું છે કે આ આંકડામાં સુધારાની જરૂર છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને પશ્વિમબંગાળમાં જ 400થી વધુ કેસ નોંધાયા છે. બાકી તમામ રાજ્યોમાં આ આંકડો આનાથી ઓછો રહ્યો છે. બુધવારે દેશમાં કુલ 11,556 નવા સંક્રમિત નોંધાયા, 14,261 સાજા થયા અને 123 લોકોએ જીવ ગુમાવ્યા. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા નવા સંક્રમિતોથી વધુ રહી.

દેશમાં અત્યાર સુધી 1.07 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાંથી 1.03 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 1.53 લાખે આ મહામારીથી જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.70 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

ભારત શ્રીલંકાને 5 લાખ ડોઝ ગિફ્ટ કરશે
ભારતે કોરોના સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વેક્સિનની મદદ મોકલવાનું શરૂ કરી દીધું છે. નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન જેવા દેશો પછી ભારત હવે શ્રીલંકાને કોરોના વેક્સિન કોવીશીલ્ડના 5 લાખ ડોઝ ગિફ્ટ કરશે. જે ગુરુવારે કોલમ્બો પહોંચી જશે. ભારત પોતાના અભિયાન ‘વેક્સિન મૈત્રી’હેઠળ વેક્સિન મોકલી રહ્યો છે.

વિદેશ મંત્રી એસ જયશંકર 5-7 જાન્યુઆરી વચ્ચે શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન શ્રીલંકાએ તેમને કોરોના વેક્સિનની તાત્કાલિક ડિલેવરી કરવા માટે કહ્યું હતું. તેમની માંગ પર ભારતે આ નિર્ણય કર્યો છે.

કોરોના અપડેટ્સ

  • ગુજરાત સરકારે 1લી ફેબ્રુઆરીથી 9-12માં ધોરણની શાળા ખોલવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે એજ્યુકેશન મિનિસ્ટર ભૂપેન્દ્ર સિંહે આની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શાળામાં કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સ્ટડી પ્રમાણે, ભારત બાયોટેકની કોવેક્સિન UKમાં મળી રહેલા કોરોનાના નવા પ્રકાર પર અસરકારક છે. આ સંક્રમણને ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ છે.
  • હિમાચાલ પ્રદેશમાં કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે બુધવારથી તમામ સરકારી શાળા ખુલી ગઈ. જો કે, આજે માત્ર શિક્ષક જ શાળામાં આવ્યા, જ્યારે બાળકો 1લી ફેબ્રુઆરીથી શાળામાં આવશે.
  • છત્તીસગઢમાં કોરોનાના હજારો દર્દી સરકારી ફાઈલોની નોંધણીમાંથી બાકાત રહી ગયા છે. માર્ચમાં આવેલા સંક્રમણના પહેલા કેસથી માંડી જાન્યુઆરી સુધી 10 મહિનામાં 6 હજાર કોરોના સંક્રમિત ફાઈલોમાંથી ગુમ છે. સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવના આદેશ પર હવે જઈને તેમની તપાસ થઈ શકી છે.ટીએસ સિંહદેવે કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગ હવે આંકડા સુધારશે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

અહીં બુધવારે 96 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. આ આંકડો છેલ્લા 9 મહિનામાં સૌથી ઓછો છે. આ પહેલા 30 એપ્રિલ 2020ના રોજ 76 લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 212 લોકો રિકવર થયા અને 9 લોકોના મોત થઈ ગયા. અત્યાર સુધી 6 લાખ 34 હજાર 325 લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાં 6 લાખ 21 હજાર 995 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 829 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હાલ 1501 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં બુધવારે 185 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 345 લોકો રિકવર થયા અને 6 લોકોના મોત થઈ ગયા. અત્યાર સુધી અહીં 2 લાખ 54 હજાર 270 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2 લાખ 47 હજાર 418 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3799 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 3053 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં બુધવારે 353 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 462 લોકો રિકવર થયા અને એકનું મોત થઈ ગયું. અત્યાર સુધી 2 લાખ 60 હજાર 220 લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યાં છે.જેમાં 2 લાખ 51 હજાર 962 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4382 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 3876 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
બુધવારે રાજ્યમાં 134 કોરોના દર્દી નોંધાયા. 305 લોકો સાજા થયા અને એકનું મોત થયું. અત્યાર સુધી અહીં 3 લાખ 17 હજાર 104 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 3 લાખ 11 હજાર 679 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2,761 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હાલ 2664 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં બુધવારે 2,171 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 2556 લોકો રિકવર થયા અને 32 લોકોના મોત થયા. અત્યાર સુધી 20 લાખ 15 હજાર 524 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 19 લાખ 20 હજાર 6 લોકો સાજા થઈ ચૂક્યાં છે. 50 હજાર 894 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 43 હજાર 393 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.