• Gujarati News
 • National
 • Coronavirus: Government Doctors In Kolkata Say The Situation In The City Is Now Getting Out Of Control

કોરોના કાળમાં દેશનો આંખો દેખ્યો અહેવાલ:કોલકાતાના સરકારી ડૉક્ટરો કહે છે કે શહેરમાં સ્થિતિ હવે અનિયંત્રિત થઈ રહી છે 

કોલકાતા2 વર્ષ પહેલાલેખક: શશિ ભૂષણ
 • કૉપી લિંક
કોલકાતામાં રોડ હોય કે સિટી બસ, દરેક જગ્યાએ ક્ષમતાથી વધુ લોકો દેખાઈ રહ્યા છે. માસ્ક કોઈએ નથી પહેર્યો. - Divya Bhaskar
કોલકાતામાં રોડ હોય કે સિટી બસ, દરેક જગ્યાએ ક્ષમતાથી વધુ લોકો દેખાઈ રહ્યા છે. માસ્ક કોઈએ નથી પહેર્યો.
 • ફક્ત 15 ટકા કેસ ઝૂંપડપટ્ટીના, એપાર્ટમેન્ટમાં વધુ દર્દી મળી રહ્યા છે, 48 કલાકમાં પણ કોરોના ટેસ્ટનો રિપોર્ટ મળતો નથી
 • સરકારનું ફોકસ હોમ ક્વૉરન્ટાઈન પર, 7 દિવસમાં જ 18 નવા કન્ટેઈન્મેન્ટ ઝોન બની ગયા
 • રાજધાની સહિત હાવડા, હુગલી, 24 પરગણામાં જ સર્વાધિક 83 ટકા કોરોનાના કેસ, 93 ટકા મૃત્યુ પણ અહીં જ

પશ્ચિમ બંગાળની રાજધાનીમાં કોરોનાનો ચેપ અનિયંત્રિત થઈ રહ્યો છે. દેશના બીજાં રાજ્યોની તુલનાએ અહીં સ્લમથી વધારે દર્દી એપાર્ટમેન્ટમાં મળી રહ્યા છે. ગત 14 દિવસોમાં કોલકાતામાં નવા 2600 ચેપગ્રસ્ત મળ્યા છે જ્યારે 100 લોકો મૃત્યુ પામ્યા છે. દરરોજ 250થી 300 નવા કેસ મળી રહ્યા છે. આઈસીએમઆર અનુસાર કોલકાતામાં ચેપ વધવાનો દર હાલ 26 જૂનના 14.39 ટકાથી વધુ છે. 

આશરે 6,500 સરકારી ડૉક્ટરોના સંગઠન એસોસિયેશન ઓફ હેલ્થ સર્વિસ ડૉક્ટર્સના મહાસચિવ ડૉ. માનસ ગુમટા કહે છે કે કોલકાતા કોરોના ચેપનો જ્વાળામુખી બની ચૂક્યું છે. એસિમ્પટોમેટિક દર્દી વધી રહ્યા છે. કોરોનાનો સામનો કરવાની તૈયારીઓ નબળી સાબિત થઇ, એટલા માટે સ્થિતિ કાબૂ બહાર થતી જઇ રહી છે. જે ઝડપે દર્દી વધી રહ્યા છે એ હિસાબે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મોટી મુશ્કેલી એ છે કે અહીં લૉકડાઉનના નિયમોનું યોગ્ય રીતે પાલન થઇ રહ્યું નથી. શહેરનાં એક-એક ઘરમાં 5-6 લોકો રહે છે, એવામાં હોમ ક્વૉરન્ટાઈન કારગત નહીં નીવડે. જોકે રાજ્ય સરકારનું ફોકસ હોમ ક્વૉરન્ટાઈન પર જ છે. રાજધાનીની 7 મોટી સરકારી કોવિડ હોસ્પિટલોમાં 2085 બેડ છે, તેમાં 80 ટકા ફૂલ છે. 

કોલકાતાના ઉત્તર વિસ્તારમાં બેલગછિયા, ખિદિરપુર, કાશીપુર, ઘોષ બગાન, સોદાગરપટ્ટી જેવા મોટા ભાગના સ્લમ વિસ્તાર છે. બેલગછિયાની શેરીઓ એટલી સાંકડી છે કે બપોરે પણ સૂર્યનો પ્રકાશ રસ્તા પર પડતો નથી. આ શહેરની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે, જ્યાં 50 હજારથી વધુ લોકો રહે છે. આ જ શહેરનું પ્રથમ હોટસ્પોટ હતું. નવો ટ્રેન્ડ એ છે કે ગત 7 દિવસમાં કોલકાતામાં નવા 18 કન્ટેઈન્મેન્ટ ઝોન બની ગયા છે. તેમાં 1,872 આઈસોલેશન યુનિટ(ઘર) છે. જોકે દક્ષિણ કોલકાતામાં મોટા ભાગના કેસ બહુમાળી ઈમારતોથી આવી રહ્યા છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન(કેએમસી)નો રિપોર્ટ જણાવે છે કે અહીં ફક્ત 15 ટકા દર્દી જ સ્લમના છે બાકી એપાર્ટમેન્ટના છે. અા ટ્રેન્ડ અગાઉ કરતાં એકદમ વિપરીત છે કેમ કે ત્યારે કોરોનાના સર્વાધિક કેસ ઝૂંપડપટ્ટીમાંથી આવી રહ્યા હતા. કોલકાતા ઉપરાંત હાવડા, હુગલી, 24 પરગના જિલ્લામાં સર્વાધિક 83 ટકા કોરોનાના કેસ છે અને અહીં 93 ટકા મોત પણ થયાં છે. કોલકાતામાં અત્યાર સુધી 7,108 ચેપગ્રસ્ત મળ્યા છે. બીજા ક્રમે 24 પરગના જિલ્લો છે, જ્યાં 3,760 કેસ નોંધાયા છે. દેશમાં બંગાળ 22,126 કેસ સાથે 8મું રાજ્ય છે. રાજ્યમાં અત્યાર સુધી 757 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 

26 જૂને ICMRએ કહ્યું હતું – 14.39 ટકાના દરે કોલકાતામાં ચેપ વધી રહ્યો છે 
કોરોનાના ચેપ મામલે કોલકાતા કઈ રીતે કમ્યુનિટી સ્પ્રેડ તરફ વધી રહ્યું છે તે 26 જૂને જ સ્પષ્ટ થઇ ગયું હતું. રાજ્યના કોઈ હિસ્સામાં કોરોના ફેલાવાનો દર કેટલો છે એ જાણવા આઈસીએમઆરે અલીપુરદુઆર, બાંકુડા, ઝાડગ્રામ, સાઉથ 24 પરગના, પૂર્વ મેદિનીપુર અને કોલકાતામાં 2,396 સેમ્પલ ટેસ્ટ કર્યાં હતાં તેમાં સર્વાધિક 14.39 ટકા ચેપનો દર કોલકાતામાં મળી આવ્યો હતો. બીજા ક્રમે સાઉથ 24 પરગના હતું. કોલકાતા સહિત હાવડા, હુગલી, ઉત્તર-દક્ષિણ 24 પરગનામાં સર્વાધિક 83 ટકા કોરોનાના કેસ છે. આઈસીએમઆરના નિર્દેશક બલરામ ભાર્ગવે રિપોર્ટમાં કહ્યું હતું કે કોલકાતામાં જે ઝડપે ચેપ વધી રહ્યો છે તે હિસાબે 1.5 કરોડની વસતીમાં 21 લાખ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે. તેના પછી સાવચેતીરૂપે સરકારે લૉકડાઉન 31 જુલાઈ સુધી વધાર્યુ હતું. સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, પાર્ક, થિયેટર, બાર, મેટ્રો બંધ છે, બાકી બધું ખુલ્લું છે અને લોકો લાપરવાહ.

પરિજનો ફ્રીઝરમાં શબ રાખવા મજબૂર બન્યા કેમ કે મડદાંઘરમાં પણ જગ્યા નથી 
સ્થિતિને સમજવા માટે 1થી 3 જુલાઈ વચ્ચેની 3 ઘટનાઓ પૂરતી છે.  ઉત્તર કોલકાતાના એક પરિવારે તેના 71 વર્ષીય વૃદ્ધનું શબ રાખવા માટે ફ્રીઝર ખરીદવું પડ્યું કે જેથી કરીને બોડી ડી-કમ્પોઝ ન થઇ જાય. તેમનું મોત ઠીક એ દિવસે જ થયું હતું જે દિવસે સેમ્પલ લેવાયું. પણ 48 કલાક સુધી રિપોર્ટ ન આવતા પરિવારને મૃત્યુ પ્રમાણપત્ર ન મળી શક્યું. રિપોર્ટ વગર શબને રાખવા માટે કોઈ મડદાંઘર તૈયાર નહોતું.  બીજા કિસ્સામાં 2 જુલાઈએ ઉલ્ટાડાંગા વિસ્તારમાં એક 55 વર્ષીય મીઠાઈની દુકાનના મેનેજરનું મોત નીપજ્યું. તેમનો મૃતદેહ પણ મીઠાઈના ફ્રીઝરમાં રાખવો પડ્યો. મૃત્યુના 18 કલાક પછી અંતિમ સંસ્કાર કરાયા. આ ઘટનાઓ જણાવે છે કે શહેરમાં મહામારી અને તેની સારવારની શું સ્થિતિ છે? કોલકાતા નગર નિગમના પ્રશાસક ફિરહાદ હકીમનો આરોપ છે કે ખાનગી લેબમાં ટેસ્ટની સૂચના સરકાર સુધી યોગ્ય સમયે નથી પહોંચી રહી, આ કારણે જ સમસ્યાઓ વધી રહી છે. એક ડૉક્ટરે જણાવ્યું કે જેમના મોત કોરોનાના લીધે થઇ રહ્યાં છે, કેએમસી તેમને ધાપામાં બાળી રહ્યું છે, જ્યાં લાવારિસ લાશોને બાળવાની વ્યવસ્થા છે. 

કોરોનાને નિયંત્રણમાં લેવા અત્યાર સુધીની સરકારી કાર્યવાહી

 • આંતરરાષ્ટ્રીય ઉડાન અને મુંબઈ, ગુજરાત, ચેન્નઈ, દિલ્હી, પૂણેથી આવતી ડોમેસ્ટિક ફ્લાઈટ પર રોક.
 • હોસ્પિટલોનું ભારણ ઘટાડવા 1 જુલાઈથી શરદી, ખાંસી અને તાવ થતાં ટેલી-મેડિસિન સેવા શરૂ.
 • સામાન્ય લોકોને વહેંચવા માટે સરકાર 3 કરોડ માસ્ક ખરીદવાની તૈયારીમાં. 
 • કોરોનાથી ઠીક થયેલા લોકોની કોવિડ વૉરિયર ક્લબની રચના. તે દર્દીઓની દેખરેખમાં મદદ કરશે. શરૂઆત બહેરામપુરથી થઇ છે. વાૅરિયર્સને મુર્શીદાબાદ, માલદા અને કોલકાતા મેડિકલ કોલેજમાં લગાવાશે. આ લોકો કોવિડ દર્દીઓને ભોજન આપશે અને તેમનો જુસ્સો વધારશે. આ સહયોગ માટે બંગાળ સરકાર તેમને ચુકવણી કરશે. 
 • સરકારે કોરોના વાઈરસ અને કોવિડ-19ને આગામી સત્રથી સ્કૂલ અભ્યાસક્રમમાં સામેલ કર્યો છે. 
 • મમતા સરકાર તરફથી ખાનગી હોસ્પિટલોને નિર્દેશ અપાયો છે કે તે કોરોનાના દર્દીઓને એડમિટ કરવાની ના ન પાડી શકે. બે દિવસ પહેલાં રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં વપરાતી પીપીઈ કિટ, ટેસ્ટ અને કન્સલ્ટન્સી પર કેપ લગાવી હતી. 
અન્ય સમાચારો પણ છે...