ઓમિક્રોન પણ ઘાતક બની શકે!:WHOની ચેતવણી -ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ નવા ખતરનાક વેરિયન્ટ આવશે અને એ જીવલેણ બની શકે છે

6 મહિનો પહેલા

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતવણી જાહેર કરી છે કે ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ ઝડપથી નવા વેરિયન્ટ આવવાની સંભાવના છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. નવા વેરિયન્ટ જીવલેણ પણ બની શકે છે.

અગાઉ મળેલા કોવિડ વેરિયન્ટ્સની તુલનામાં ઓમિક્રોન ઓછો ઘાતક છે. એવામાં મહામારી સમાપ્ત થવા અને જન-જીવન ફરી સામાન્ય થાય એવી આશા ઊભી થઈ છે. જોકે WHOના સિનિયર ઈમર્જન્સી ઓફિસર કેથરીન સ્મોલવુડનું કહેવું છે કે ઓમિક્રોનનું ઝડપી સંક્રમણ ગંભીર પરિણામો આપી શકે છે.

ઓમિક્રોન ઘાતક છે, સંક્રમણથી મોતની આશંકા
કેથરીને કહ્યું હતું કે ઓમિક્રોન આ સમયે પણ ઘાતક છે, એનાથી મોત પણ થઇ શકે છે. મોતનો દર ડેલ્ટાથી થોડો ઓછો હોઈ શકે છે, પરંતુ કોને ખબર આગળનો વેરિયન્ટ કેટલો ઘાતક આવશે. ભવિષ્યમાં નવા ખતરનાક વેરિયન્ટ આવી શકે છે.

યુરોપમાં કોવિડ ઈન્ફેક્શનનો વધતો ગ્રાફ
યુરોપમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિતોના 100 કરોડથી વધુ કેસ નોંધાયા છે. 2021ના ​​છેલ્લા સપ્તાહમાં અહીં 50 લાખથી વધુ કેસ મળ્યા છે. કોવિડ સંક્રમણનો વધતો ગ્રાફ ચિંતાજનક છે.

સંક્રમિતોની સંખ્યાને લઈને સ્થિતિ ચિંતાજનક
WHOના અધિકારીએ કહ્યું હતું કે આપણે ખૂબ જ ખતરનાક તબક્કામાં છીએ. પશ્ચિમ યુરોપમાં સંક્રમણનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. એ કેટલું ઘાતક હશે એ વિશે કંઈ કહી શકાય નહીં. જોકે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો છે. તેમ છતાં સંક્રમિતોની સંખ્યાને લઈને સ્થિતિ ચિંતાજનક છે.

ભારતમાં 2 હજારથી વધુ ઓમિક્રોન દર્દી
મંગળવારે ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 2,000ને પાર કરી ગઈ છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 2,220 ઓમિક્રોન સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. એ જ સમયે છેલ્લા 24 કલાકમાં 272 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું સંક્રમણ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત દેશનાં 24 રાજ્યમાં ફેલાયું છે.

મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટના સૌથી વધુ 653 કેસ
મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટના સૌથી વધુ 653 કેસ નોંધાયા છે. દિલ્હી 382 સંક્રમિત સાથે બીજા સ્થાને છે. એ સિવાય કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં ઓમિક્રોનના મહત્તમ કેસ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...