તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corona Virus India Lockdown 4.0 PM Aatm Nirbhar Bharat Part 5 Special Series In Divyabhaskar

આત્મનિર્ભર ભારત પ્રકરણ 5:સરહદ ઓળંગ્યા વગર કોઈ દેશ પર રાજ ચલાવવાનો આધુનિક કિમિયો છે વેપાર, આપણાં કમનસીબે ચીન એમાં માહેર છે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
  • ગણતરીની ચીજવસ્તુ માટે પરદેશી ઉત્પાદનોની સરખામણીએ પ્રથમ પસંદગી સ્વદેશીને આપવાનો પ્રયાસ કમ સે કમ એક વર્ષ માટે તો કરી જોઈએ

જોસેફ ચેમ્બરલિન, જ્હોન હોબસન, નોર્મન એન્જેલ જેવા રાજકીય ચિંતકો સામ્રાજ્યવાદ (Imperialism) અને સંસ્થાનવાદ (Colonialism)ને અલગ અલગ ગણાવે છે, પરંતુ આપણે તેમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. કારણ કે ભારત જેવા દેશો માટે તો એ બંને શબ્દોનો એક જ અર્થ થયો છેઃ શોષણ.સામ્રાજ્યવાદ કે સંસ્થાનવાદનો ભોગ ભારત કેમ બન્યું તે જો ધ્યાનથી સમજીએ તો બીજી વાર એવી ભૂલ કરવાથી કદાચ બચી શકીએ એટલે થોડોક ફ્લેશબેક.યુરોપના મોટાભાગના દેશો પરસ્પર લોહીના સંબંધોથી જોડાયેલા છે. ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ, જર્મની (પ્રુશિયા), પોર્ટુગલ, સ્પેન સહિતના દેશોના રાજવંશો એકમેકના પિતરાઈ, મોસાળિયા કે વેવાઈ છે. દરેક દેશ બહુ જ મર્યાદિત જમીન વિસ્તાર ધરાવે છે અને દરેક દેશ દરિયા સાથે જોડાયેલા છે. મર્યાદિત ખેતઉપજની અવેજીમાં આ દરેક દેશો ઔદ્યોગિકીકરણ તરફ વળ્યા અને એ માટે તેમને નવા બજારોની આવશ્યકતા ઊભી થઈ. કોણ નવા બજારો શોધીને ત્યાં પહેલું પહોંચે તેની હોડમાં આ દરેક દેશો વચ્ચેની સ્પર્ધા વધુ કડવાશભરી બની. એ ઉપક્રમમાં ભારત સહિત એશિયા અને આફ્રિકાના દેશો યુરોપિય દેશોની ગુલામી હેઠળ આવીને પારાવાર શોષણનો ભોગ બન્યાં.

ભારતનું શોષણ વધુ તીવ્રતાથી શક્ય બન્યું કારણ કે આટલો વિશાળ દેશ કોઈ એક મજબૂત શાસન હેઠળ ન હોવાથી વેરવિખેર હતો. મુઘલ સલ્તનત અસ્તાચળે હતી. મરાઠાઓ પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઘોર પરાજય પછી હતોત્સાહ હતા. અંગ્રેજોના આગમનનો આ સમય સુવર્ણ તક સમાન હતો. એ પછી બ્રિટિશરોની નાગચૂડ ભારત ફરતી કઈ રીતે વીંટળાતી ગઈ એ જાણીતી બાબત છે અને અગાઉના પ્રકરણોમાં આપણે તેનો ખપ પૂરતો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ.

હવે આઝાદીના સાત દાયકા પછી ભારત એક શાંતિપ્રિય, લોકશાહી દેશ તરીકે દુનિયાભરમાં સાખ જમાવી ચૂક્યો છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ મોનીટરી ફન્ડ, વર્લ્ડ બેન્ક જેવી સંસ્થાઓનો અગ્રણી સભ્ય ગણાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સ્થાન મેળવવા માટેના ભારતના પ્રયત્નો પણ જારી છે. એ સંજોગોમાં પાયાનો સવાલ એ થાય કે સ્વદેશીનો આગ્રહ જરૂરી હોવા છતાં વર્તમાન સંજોગોમાં તેનો અમલ શક્ય છે ખરો?

અત્યારે મધ્યયુગ જેવી સ્થિતિ નથી, જેમાં મારે તેની તલવારનો બર્બર કાયદો ચાલતો હતો. હવે કોઈ દેશ પર જરા સરખું અતિક્રમણ કરવું ય મુશ્કેલ છે. એ સંજોગોમાં સરહદ ઓળંગ્યા વગર કોઈ દેશ પર રાજ ચલાવવાનો નવો કિમિયો છે વેપાર, અને ભારતના કમનસીબે ચીન એમાં માહેર છે.

પાડોશી પાકિસ્તાનનું જ ઉદાહરણ લો. ગ્વાદર બંદર સહિત પાકિસ્તાનની જમીનનો લાંબો તોસ્તાન પટ્ટો ચીને લાંબા ભાડાપટ્ટે મેળવી લીધો છે અને ત્યાંથી તેને ઈકોનોમિક કોરિડોર કાઢવો છે. એક જમાનામાં ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી, જે સૈન્ય રક્ષણ આપવાના બદલામાં રજવાડાઓના મહેસુલી હક મેળવતી હતી. હવેની ઈસ્ટ ઈન્ડિયા કંપનીઓ આર્થિક સહાયના બદલામાં બંદર લીઝ પર લે છે, ઈકોનોમિક કોરિડોર બનાવે છે, એ દેશના બજારોમાં પોતાના માલસામાનનું ડમ્પિંગ કરે છે.

સરકારના હાથ વિશ્વ વ્યાપારની સમજુતીથી બંધાયેલા છે. એટલે સરકાર કે પ્રશાસન સ્વદેશી ચીજ વસ્તુ ફરજિયાત કરે એ શક્ય નથી. સરકાર સ્વદેશી ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળે એવી નીતિ ઘડી શકે. સ્વદેશી ઉત્પાદનોને હરીફાઈ આપતા વિદેશી ઉત્પાદનો પર કરવેરા વધારી શકે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાંખી શકે.

તો શું એટલાં માત્રથી દેશ સ્વદેશી થઈ જશે? સાંભળવો ન ગમે એવો, પણ સ્પષ્ટ જવાબ છે ના.

છેલ્લાં પાંચ વર્ષના ભારતના આયાત-નિકાસના કેટલાંક આંકડા ચકાસો. એ મુજબ, ભારત સરેરાશ દર વર્ષે આશરે રૂ. 20 લાખ કરોડના માલસામાનની નિકાસ કરે છે અને તેની સામે ભારત રૂ. 29 લાખ કરોડનો માલસામાન વિદેશમાંથી આયાત કરે છે. મતલબ કે, ટ્રેડ બેલેન્સ માઈનસ 9 લાખ કરોડ જેટલું છે. આ વૈશ્વિક બજારના આંકડા છે. હવે ફક્ત ચીન સાથેના વેપારના આંકડા જોઈએ.

વર્ષ 2018-19ના આંકડા મુજબ, ચીનમાં ભારતની નિકાસ સરેરાશ 80,000 કરોડ રૂપિયા જેટલી છે, તેની સામે ચીનથી થતી આયાત 4.5 લાખ કરોડ જેટલી છે. મતલબ કે, દર વર્ષે સરેરાશ રૂ. 3.70 લાખ કરોડ જેટલી વિદેશ વેપાર ખાધ ભારતે ભોગવવી પડે છે.

ચાલો, એ પણ માન્યું કે વિદેશી ઉત્પાદનો અનિવાર્ય હોય તો ખરીદવા ય પડે. ભારતીય કંપનીઓ એ ક્ષેત્રમાં હોય જ નહિ અથવા નગણ્ય હોય અથવા ભારતીય ઉત્પાદનોમાં કોઈ દમ જ ન હોય અથવા મોંઘાદાટ હોય તો વધુ સારી ગુણવત્તાના અને કિફાયતી ચીની ઉત્પાદનો ખરીદવામાં ખોટું શું છે?

પરંતુ ખરેખર એવું છે ખરું?

ના, એવું બિલકુલ નથી એ સમજવા માટે ચીનથી આપણે શું શું અને કેટલી રકમમાં આયાત કરીએ છીએ તેના આંકડા જોઈએ.

વર્ષ 2018-19માં ભારતે ચીનથી આયાત કરેલ ચીજવસ્તુમાં સૌથી મોટો હિસ્સો ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સનો હતો, જેની રકમ થાય છે રુ. 1.44 લાખ કરોડ. પછીના ક્રમે ન્યુક્લિયર રિએક્ટર્સ, હેવી મશીનરી, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક ગુડ્સ, વ્હિકલ પાર્ટ્સ એન્ડ એસેસરિઝ વ. છે. આ પૈકી ન્યુક્લિયર રિએક્ટર્સ કે હેવી મશીનરી કે કેમિકલ્સ છોડો, પરંતુ બાકીની ચીજો માટે સ્વદેશી ન બની શકીએ?

ટમટમિયાની સિરિઝથી માંડીને મોટરસાઈકલની તકલાદી પિસ્ટન રિંગ અને ટોર્ચથી માંડીને પ્લાસ્ટિક ટોય્ઝ જેવી ચીજવસ્તુઓમાં આપણે સ્વદેશીને બદલે ચાઈનીઝ ફક્ત અને ફક્ત એટલાં માટે લઈએ છીએ કારણ કે એ સસ્તા છે. (ટકાઉ કેટલાં છે એ વળી જુદો પ્રશ્ન છે).

બસ, અહીંથી નાગરિક તરીકે આપણી ભૂમિકા શરૂ થાય છે.

ચીન સાવ મફતના ભાવે ટમટમિયાની રંગબેરંગી સિરિઝ વેચવા આવે ત્યારે તેની રોશની અને સસ્તા ભાવથી અંજાવાને બદલે ઘરઆંગણાના કારીગરોનો ખ્યાલ રાખીએ અને એમણે બનાવેલા કોડિયા ખરીદીએ તો કદાચ વધુ અર્થસભર દીવાળી ઉજવાશે. માત્ર ચીન જ શા માટે, કોઈપણ દેશના ઉત્પાદનોની સરખામણીએ પ્રથમ પસંદગી સ્વદેશીને આપવાનો પ્રયાસ કમ સે કમ એક વર્ષ માટે તો કરી જોઈએ. શ્રાવણ મહિનાના એકટાણાંનું વ્રત આ વર્ષે રહેવા દઈએ. આ એક વર્ષ આપણી જરૂરિયાત પૈકી ફક્ત 25 ટકા ચીજવસ્તુ સ્વદેશી ખરીદવાનું વ્રત લઈએ. બોલો, એ તો શક્ય છે ને?

એ માટે સસ્તાં-મોંઘાંની ગણતરીને બદલે આત્મગૌરવનું પલડું નમાવવું પડશે. સાચો રાષ્ટ્રવાદ એ છે. થિયેટરમાં રાષ્ટ્રગીત આવે ત્યારે ટટ્ટાર ઊભા રહી જવું અને કોઈ ઊભું ન થાય તો તેને ફટકારવો એ તો રાષ્ટ્રવાદ બતાવવાનો બહુ સહેલો રસ્તો છે. ફક્ત એટલું કરવાથી આપણો રાષ્ટ્રવાદ સાબિત નથી થઈ જતો. ફેસબુક પર તિરંગાના પોસ્ટર ફરકાવવા બહુ આસાન છે, પણ એ રાષ્ટ્રવાદ નહિ, રાષ્ટ્રવાદનો ઠાલો દેખાડો છે. રાષ્ટ્રવાદ એ છે, જે સ્વાભિમાનની ઝંખના પ્રેરે છે. રાષ્ટ્રવાદ કદી ભુતકાળના ગૌરવમાં નથી હોતો. રાષ્ટ્રવાદ એ ભવિષ્યના ઉજાસ તરફની ગતિ છે.

સ્વદેશી કે આત્મનિર્ભરતા એ સરકારનું કામ છે જ નહિ, એ પ્રજા તરીકેની આપણી જવાબદારી છે. આપણી ફરજ છે. માતાને પ્રેમ કરો, પિતાનો આદર કરો એવું કોઈ વડાપ્રધાને આપણને કહેવું પડે છે? જો નહિ, તો પછી માતૃભૂમિને અને પિતૃ સંસ્કારિતાનો આદર કરવાનું કોઈએ આપણને શા માટે કહેવું પડે?

સ્વદેશીને, આત્મનિર્ભરતાને આપણી પ્રકૃતિ બનાવીએ.

એ માટે આપણે હિન્દુ, મુસ્લિમ મટી જવું પડશે. સવર્ણ-દલિત ભૂલી જવું પડશે. સંપ્રદાયોના ચોકઠા અને ફિરકાઓના વાડા તોડવા પડશે અને સો ટચના ભારતીય બનવું પડશે.

અલગ અલગ દિશાએ ધક્કામૂક્કી કરતાં વેરવિખેર નાગરિકોનું ટોળું મટીને જાપાનની માફક એકજૂટ બનવું પડશે. India.inc બનવું પડશે. બોલો, છો તૈયાર?

(સંપૂર્ણ)

સંદર્ભઃ
1. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ડેટા બેન્ક, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ, ગવર્ન્મેન્ટ ઓફ ઈન્ડિયા

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો