કોરોના દેશમાં:મુંબઈ એરપોર્ટ પર બન્યું સ્પેશિયલ ઝોન; દિલ્હી, ગોવા, ગુજરાત, રાજસ્થાનથી આવનારા મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ

નવી દિલ્હી/મુંબઈ2 વર્ષ પહેલા
  • દિલ્હીમાં વેન્ટિલેટરવાળા માત્ર 250 બેડ જ ખાલી, 60 હોસ્પિટલમાં જગ્યા જ નથી

દેશના અનેક રાજ્યોમાં કોરોનાનો કહેર જોઈને મુંબઈ એરપોર્ટ પર સ્પેશિયલ ઝોન બનાવાયો છે. સમર્પિત ઝોનમાં દિલ્હી, ગોવા, ગુજરાત અને રાજસ્થાનથી આવનારા પેસેન્જરને એટેન્ડ કરવામાં આવશે. તમામ પેસેન્જરને એરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

દિલ્હીમાં કોરોનાની સામે સારવારની સુવિધા વામણી સાબિત થઈ રહી છે. દિલ્હીમાં વેન્ટિલેટરવાળા માત્ર 250 ICU જ ખાલી છે. તો 60 હોસ્પિટલમાં દર્દીઓ માટે કોઈ જગ્યા જ નથી વધી. દિલ્હી સરકારના ઓનલાઈન કોરોના ડેશબોર્ડથી આ જાણકારી મળી છે. દિલ્હીમાં બુધવારે સંક્રમણના 5 હજાર 246 કેસ સામે આવ્યા હતા. જાણકારોએ વધતી શરદી અને ખરાબ થઈ રહેલી એર ક્વોલિટીના કારણે કેસ વધ્યાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી મુજબ, દિલ્હીની જે હોસ્પિટલમાં જગ્યા નથી તેમાં કેન્ટની બેઝ હોસ્પિટલ, ઉત્તરી રેલવે હોસ્પિટલ, સર ગંગારામ હોસ્પિટલ, બત્રા હોસ્પિટલ, VIMHANS અને ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ સામેલ છે. દિલ્હીમાં એક મહિનાથી પણ ઓછા સમયથી કોરોનાથી 2 હજાર 300 લોકોએ જીવ ગુમાવ્યા છે.

તો દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાવ રાય કોરોનાથી સંક્રમિત થયા બાદ મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ઓફિસમાંથી મળેલી જાણકારી મુજબ, તેમની સ્થિતિ હાલ સુધારા પર છે.

ગોપાલ રાયે ટ્વીટ કરી પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની માહિતી આપી. તેઓ કોરોના સંક્રમિત થનારા દિલ્હીના ત્રીજા મંત્રી છે. તેમની પહેલાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ સંક્રમિત થયા હતા. જો કે હવે તે બંને નેતા સ્વસ્થ થઈ ગયા છે.

તો રાજધાની દિલ્હીમાં હાલ સ્કૂલ બંધ જ રહેશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ ગુરૂવારે કહ્યું કે જ્યાં સુધી સ્કૂલમાં સ્ટૂડન્ટ્સની સુરક્ષાને લઈને ચિંતાઓનું સમાધાન નથી મળતું, ત્યાં સુધી સ્કૂલ ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે.

શનિવારે PM મોદી પુણે જશે
કોરોના વેક્સીનને લઈને દેશમાં પ્રગતિ જોવા મળી રહી છે. ત્યારે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ પણ કોવિશીલ્ડ વેક્સીનના ઉત્પાદનમાં ઝડપ કરી રહ્યું છે. કંપનીની આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદી 28 નવેમ્બર એટલે કે શનિવારે પુણેની મુલાકાતે જશે.

સતત ઘટી રહ્યો છે રિક્વરી રેટ
દેશમાં ફરી એક વખત નવા કેસ વધુ જોવા મળ્યા જેની તુલનાએ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી. છેલ્લાં 24 કલાકમાં 44 હજાર 699 નવા કેસ આવ્યા, 36 હજાર 582 દર્દીઓ સ્વસ્થ થયા અને 518ના મોત નિપજ્યા છે. આ રીતે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા, એટલે કે એક્ટિવ કેસમાં 7586નો વધારો થયો છે. આ 19 ઓગસ્ટ પછી સૌથી વધુ કેસ છે. ત્યારે 8847 દર્દીઓ વધ્યા હતા.

કુલ એક્ટિવ કેસનો આકંડો પણ નવ દિવસમાં વધીને સાડા ચાર લાખને પાર પહોંચી ગયો છે. આ પહેલાં 16 નવેમ્બરે 4.53 લાખ એક્ટિવ કેસ હતા. જે ઘટનીને 23 નવેમ્બર સૌથી ઓછા 4.37 હજાર થઈ ગયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 92.66 લાખ કેસ આવી ગયા છે. જેમાં 86.77 લાખ દર્દીઓ ઠીક થઈ ગયા છે અને 1.35 લાખના મોત નિપજી ગયા છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

20 રાજ્યમાં કોરોનાની બીજી લહેરની આશંકા
દેશમાં હવે 20 રાજ્ય એવાં છે જ્યાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ફરી વધવા લાગી છે. તેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ પણ સામેલ છે. આ રાજ્યોમાં રોજના સાજા થતા દર્દીઓ કરતાં નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે અહીં કોરોનાની બીજી લહેરનો પ્રવેશ થઈ ગયો છે. જો આ જ સ્થિતિ રહેશે તો આગામી 3-4 દિવસમાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ જશે.

કોરોનાં અપડેટ્સ

  • નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આગામી વર્ષે થનારી JEEની પરીક્ષા માટે ટૂંક સમયમાં જ નોટિફિકેશન જાહેર કરશે જે માટે અલગથી સિલેબસ પણ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક દૈનિક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આ માહિતી આપી છે. આ પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને તે વાતને લઈને દુવિધા હતી કે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન હજુ સુધી શરૂ થયા નથી.
  • દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધાર્યો હતો.
  • અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે રાજ્ય સરકારને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ માસ્કના નિયમોનું સખતાઈથી પાલન કરાવવા, સાથે જ તેમની પર ડ્રોનથી નજર રાખવાનો આદેશ આપ્યો છે.
  • પંજાબનાં તમામ શહેરોમાં 1લી ડિસેમ્બરથી નાઈટ કર્ફ્યૂ રહેશે. આ કર્ફ્યૂ રાતે 10 વાગ્યાથી સવરે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલા નિયમ તોડવા માટે 1000 રૂપિયાનો દંડ ફટકારાશે. હોટલ, રેસ્ટોરાં, અને વેડિંગ વેન્યુ રાત સાડાનવ સુધી બંધ કરી દેવાનાં રહેશે.
  • લખનઉમાં 1 ડિસેમ્બર સુધી કલમ-144 લાગુ કરી દેવાઈ છે.આ દરમિયાન એકસાથે 4 લોકોથી વધુ એક સ્થળ પર એકઠા નહીં થઈ શકે. તંત્રએ સૂચના આપી છે કે નિયમ તોડનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
  • કેન્દ્રએ બુધવારે કોરોના અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેમાં રાજ્યોને સખતાઈ અને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યોની સ્થિતિ પ્રમાણે પ્રતિબંધ લાગુ કરવાની છૂટ આપવામાં આવી છે. તે કન્ટેન્મેન્ટ ઝોનમાં નાઈટ કર્ફ્યૂ પણ લગાવી શકે છે. જોકે કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવા માટે કેન્દ્રએ મંજૂરી લેવી પડશે. આ ગાઈડલાઈન્સ 1લી ડિસેમ્બરથી લાગુ થશે.
  • મધ્યપ્રદેશના સાગરમાં તહેનાત કોવિડ-19 મેડિકલ ઓફિસર શુભમ ઉપાધ્યાયનું બુધવારે કોરોનાથી મોત થયું છે. તેઓ 26 વર્ષના હતા. તેમણે ભોપાલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સાગરના સરકારી બુંદેલખંડ મેડિકલ કોલેજમાં પોસ્ટેડ હતા.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

રાજધાની દિલ્હીમાં બુધવારે 99 દર્દીનાં મોત થયા હતા. અત્યારસુધીમાં 8720 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકની અંદર 5246 લોકો સંક્રમિત થયા છે. 5361 લોકો રિકવર થયા. અત્યારસુધીમાં 5 લાખ 45 હજાર 787 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 38 હજાર 287 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 98 હજાર 780 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 8720 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં બુધવારે 1773 નવા દર્દી નોંધાયા. 996 લોકો રિકવર થયા અને 14 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 98 હજાર 284 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 13 હજાર 742 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 81 હજાર 345 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3197 થઈ ગઈ છે.

3. ગુજરાત
રાજ્યમાં બુધવારે 1540 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1283 દર્દીને સાજા થયા પછી ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે 14 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં રાજ્યમાં 2 લાખ 1 હજાર 949 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 14 હજાર 187 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 83 હજાર 856 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી મરનારની સંખ્યા હવે 3906 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં બુધવારે 6159 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દર્દીઓનો આંકડો વધીને હવે 17 લાખ 95 હજાર 959 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 4844 લોકો સાજા થયા અને 65 લોકોનાં મોત થઈ ગયાં છે. અત્યારસુધીમાં 16 લાખ 63 હજાર 723 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 46 હજાર 748 થઈ ગઈ છે.

5. રાજસ્થાન
બુધવારે રાજ્યમાં 3258 નવા દર્દી નોંધાયા. 2144 લોકો સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 53 હજાર 767 થઈ ગઈ છે, જેમાં 26 હજાર 320 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 25 હજાર 229 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 2218 થઈ ગઈ છે.