કોવિશીલ્ડ વેક્સિન બનાવતી પૂણેની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટના એક્ઝિમ ડિરેક્ટર પી. સી. નામ્બિયારે કહ્યું હતું કે ઓક્ટોબર સુધી બાળકોની કોરોના વેક્સિન પણ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એનો પહેલો ડૉઝ બાળકોને જન્મ પહેલાં જ આપી શકાશે.
કેરળના કોચીમાં આયોજિત એક કાર્યક્રમમાં નામ્બિયારે કહ્યું હતું કે બાળકોની વેક્સિનને બાદમાં દવા તરીકે પણ વિકસાવી શકાશે. બાળકો કોરોના પોઝિટિવ આવશે ત્યારે એ સારવારમાં કારગત સાબિત થશે. અમારી કંપની હજુ ચાર વેક્સિન વિકસાવી રહી છે, જે આ વર્ષના અંત સુધી ઉપયોગમાં લઈ શકાશે. જૂન સુધી નોવાવૈક્સ ઉપલબ્ધ થઈ જશે, જેના ટ્રાયલનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. કોડાજેનિક્સ સાથે મળીને વિકસાવી રહેલી કોવિવૈકના બીજા તબક્કાના ટ્રાયલ પણ પૂરા થઈ ગયા છે. કેન્દ્રની માંગ પૂરી કરવા કોવિશીલ્ડનું ઉત્પાદન એપ્રિલ સુધી બમણું થઈ જશે. અત્યારે અમે દર મહિને દસ કરોડ ડૉઝ બનાવી રહ્યા છીએ, જે એપ્રિલથી 20 કરોડ થઈ જશે.
વેક્સિન લઈ લીધા પછી પણ માસ્ક પહેરવું પડશે
કોવિશીલ્ડ કોરોનાના કોઈ પણ સ્ટ્રેન સામે અસરકારક છે એવું કહેતા નામ્બિયારે કહ્યું હતું કે, વેક્સિનના બંને ડૉઝ લઈ લીધા પછી પણ લોકોએ માસ્ક પહેરવું પડશે. સેનિટેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવું પડશે. પહેલો ડૉઝ લીધા પછી બીજો 28 દિવસ બાદ લેવાનો છે. બંને ડૉઝ લીધા પછી જ એન્ટિબોડી બનવાની પ્રક્રિયા પૂરી થશે. ત્યાં સુધી કોઈ પણ વેક્સિન કોરોના સંક્રમણથી બચાવવા કાફી નથી. બે ડૉઝ લેનારાને સુરક્ષા જરૂર મળશે, પરંતુ તેઓ કોરોના વાઈરસના કેરિયર બની શકે છે. કોરોના વાઈરસમાંથી સાજા થયેલા લોકોએ પણ વેક્સિન લેવી પડશે કારણ કે, તેમનામાં ઉત્પન્ન થયેલી ઈમ્યુનિટી થોડો સમય જ સક્રિય રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.