દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થશે. પહેલા તબક્કામાં 1 કરોડ હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને મફત વેક્સિન અપાશે. બાદમાં 50 વર્ષથી વધુ ઉંમરના 26 કરોડ અને 50 વર્ષથી નીચેની ઉંમરના એવા એક કરોડ લોકોને વેક્સિન અપાશે, જે ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. આગામી એક-બે દિવસમાં વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે કરાર થઈ જશે.
હાલ સરકારે સ્પષ્ટ નથી કર્યું કે, આ બે કંપનીઓ કઈ કિંમતે સરકારને વેક્સિન આપશે. સીરમે એક ડૉઝની કિંમત રૂ. 200 રાખી છે. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 12 જાન્યુઆરી સુધી રાજ્યોના કોલ્ડચેઈન સેન્ટર સુધી વેક્સિન પહોંચાડી દેવાશે. જેથી રાજ્ય સરકારો વિવિધ જિલ્લા અને વેક્સિનેશન સેન્ટરો સુધી આગામી બે-ત્રણ દિવસમાં વેક્સિન પહોંચાડી શકે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે કે, ‘ભારત એક નહીં, બે ‘મેડ ઈન ઈન્ડિયા’ કોરોના વેક્સિન સાથે માનવતાની સુરક્ષા માટે તૈયાર છે.’
વેક્સિનના બે ડોઝ હશે. જેને 28 દિવસના અંતરે આપવામાં આવશે. તમામને બે ડોઝ લગાડવા પડશે, ત્યારે જ વેક્સિન શેડ્યૂલ પૂર્ણ થશે. બીજો ડોઝ આપવાને બે સપ્તાહ પછી શરીરમાં કોરોનાથી બચાવનારી એન્ટીબોડી બની જશે. એન્ટીબોડી એટલે કે શરીરમાં જરૂરી તે પ્રોટીન, જે વાયરસ, બેક્ટેરિયા, ફુગ અને પેરાસાઈટ્સના હુમલાને બિનઅસરકારક કરી દે છે.
મોદીએ તૈયારીઓની માહિતી મેળવવા માટે મીટિંગ કરી
દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હાઈલેવલ મીટિંગ કરી. તેમણે વેક્સિનેશન માટે રાજ્યોની તૈયારીઓની સમીક્ષા પણ કરી. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા સિનિયર અધિકારીઓ પણ સામેલ થયા હતા.
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર દેશને અભિનંદન આપ્યું અને લખ્યું, "ભારત કોવિડ-19 સામેની લડાઈમાં 16 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારવા જઈ રહ્યું છે. આ દિવસથી નેશનલ લેવલ પર વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ થશે. જેમાં આપણાં હોશિયાર ડોકટર્સ, હેલ્થ વર્કર્સ, સફાઈ કર્મચારીઓ સહિત તમામ ફ્રંટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે."
દેશમાં 2 વેક્સિનને મંજૂરી મળી છે
દેશમાં ઈમર્જન્સી યુઝ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. બંને વેક્સિનને દેશના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવા માટે સરકારે ટ્રાન્સપોર્ટેશનની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.
કોવિશીલ્ડની શું છે ખાસિયત?
વેક્સિન ડિલીવરી માટે 41 એરપોર્ટ્સની ઓળખ
હાલ દેશભરમાં 41 ડેસ્ટિનેશન (એરપોર્ટ્સ)ની ઓળખ થઈ ગઈ છે, જ્યાં વેક્સિનની ડિલીવરી થશે. ઉત્તર ભારતમાં દિલ્હી અન કરનાલને મિની હબ બનાવવામાં આવ્યું છે. પૂર્વી ક્ષેત્રમાં કોલકાતા અને ગૌહાટીને મિની હબ બનાવવામાં આવશે. ગૌહાટીને સમગ્ર નોર્થ-ઇસ્ટ માટે નોડલ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે. ચેન્નાઈ અને હૈદરાબાદ દક્ષિણ ભારત માટે નક્કી કરેલા પોઈન્ટ્સ હશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.