લોકડાઉન પહેલાં યોજાયેલી બેઠકોમાં સામેલ રહેલા તત્કાલીન ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, દુનિયાના અનેક દેશોની સાથે જ ભારતમાં પણ કોરોના સંક્રમણની ઝડપ વધી રહી હતી અને અસંખ્ય પડકાર સામે હતા. લોકોને કેવી રીતે જાગ્રત કરી સંક્રમણ પર કાબૂ મેળવવો એના માટે બેઠકો મળતી રહેતી હતી. દેશના દરેક ખૂણા સુધી આ સંદેશો વહેલામાં વહેલી તકે પહોંચાડવાનો પડકાર હતો. આ તમામ મુદ્દા પર આરોગ્ય મંત્રાલય ઉપરાંત કેબિનેટ સેક્રેટરી અને વડાપ્રધાન ઓફિસના સ્તર સુધી બેઠકોના રાઉન્ડ ચાલતા રહ્યા. તમામ મુદ્દા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરાયા. જનતા કર્ફ્યૂ લાગુ કરવાનો આઈડિયા વડાપ્રધાનનો હતો અને આ આઈડિયાની સાથે દેશ અને દેશના લોકોને ઘણો ફાયદો થયો, કેમ કે એ સમયે સમાજના દરેક વર્ગ સુધી એ સંદેશો પહોંચાડવાનો હતો કે સંક્રમણ કેટલું ખતરનાક છે અને એના માટે એક અસરકારક સંવાદની જરૂર હતી. પીએમની વિશ્વસનીયતા અને નેતૃત્વ કુશળતાનો ફાયદો દેશને મળ્યો. તેમણે પોતે જ આ નિર્ણય લીધો કે તેઓ દેશને સંબોધિત કરશે અને જણાવશે કે કોરોનાનું જોખમ કેટલું મોટું અને ખતરનાક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય લીધા પછી એ નક્કી કરાયું કે રાષ્ટ્રના નામે સંબોધનમાં શું બોલવાનું છે. કયા મુદ્દે જનતાને સંદેશો આપવાનો છે, જેથી એનો વધુ ને વધુ ફાયદો સંક્રમણ રોકવામાં થઈ શકે. લોકોને ઘરોમાં કેવી રીતે રોકી રાખવા એ મુદ્દે લાંબી ચર્ચા થઈ. રાષ્ટ્રના નામે સંબોધન પછી આખું ભારત એક તાંતણે બંધાયું. જનતા કર્ફ્યૂ લગાવવાની 15થી 20 દિવસ પહેલાં તૈયારી શરૂ કરાઈ હતી. વડાપ્રધાન સાથે પણ બેઠક યોજાઈ. કેબિનેટ સેક્રેટરી, આરોગ્ય મંત્રાલય, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યોના મુખ્ય સચિવો સાથેની બેઠકોમાં કોરોનાનો ફેલાવો રોકવાના ઉપાયો પર ચર્ચા કરાઈ.
આ અગાઉ અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં જોવા મળ્યું કે કોરોના સંક્રમણ અંગે યોગ્ય સંદેશો દરેક નાગરિક સુધી નિયત સમયમાં પહોંચાડી શકાયો નહીં, જેનું દુષ્પરિણામ ભોગવવું પડ્યું હતું. અમેરિકાના રાજ્ય પોતપોતાની રીતે એનો સામનો કરવાની તૈયારી કરતાં હતાં, પરંતુ ભારતનાં તમામ રાજ્યોએ એકતા દર્શાવી. દેશમાં 8 જાન્યુઆરીથી જ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દેવાયું હતું. 17 જાન્યુઆરીના રોજ પ્રથમ એડવાઈઝરી બહાર પડાઈ અને 18 જાન્યુઆરીથી એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ પણ શરૂ કરાયું હતું. દેશમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ જોવા મળ્યો.
31 જાન્યુઆરીએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિડ-19ને ‘પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન’ જાહેર કર્યું અને 11 માર્ચે બીમારીને મહામારી જાહેર કરાઈ. જોકે દેશમાં તેની તૈયારી પહેલાંથી શરૂ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.