મંગળવારે દેશમાં કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 56%ના વધારા સાથે 58 હજાર 97 કેસ સામે આવ્યા છે, જ્યારે 534 લોકોનાં મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 14 હજાર થઈ છે. દેશમાં અત્યારસુધી 3.43 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે 4.82 લાખ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી કુલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝ અપાયા છે. દેશમાં સાડાપાંચ મહિના પહેલાં, એટલે કે 19 જુલાઈ 2021ના રોજ 58 હજાર 588 નોંધાયા હતા.
રાજ્ય મુજબ વાત કરીએ તો ગુજરાતમાં 2,265 કેસ, મહારાષ્ટ્રમાં 18,466 કેસ, દિલ્હીમાં 5,481 કેસ, બંગાળમાં 9,073 કેસ, કર્ણાટકમાં 2,479 કેસ, કેરળમાં 3,640, તામિલનાડુમાં 2,731 કેસ, રાજસ્થાનમાં 1,137 કેસ, તેલંગાણામાં 1,052, પંજાબમાં 1,027, બિહાર 893, ઓડિશા 680, ગોવા 592, આંધ્રપ્રદેશ 334, હિમાચલમાં 260 કેસ નોધાયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિબંધો વધુ કડક કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જરૂરી સેવાઓને છોડીને દરેક ઓફિસ બંધ રહેશે. આ દરમિયાન કર્મચારી ઘરેથી જ કામ કરશે.
ગુજરાત
ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલાં 29 મેના રોજ એટલા કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગનો અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે.
દિલ્હી
દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 5481 નવા કેસો નોંધાયા છે. છેલ્લા એક દિવસમાં કોરોનાની ઝપેટમાં આવતા દર્દીઓની સંખ્યામાં 34 ટકાનો વધારો થયો છે. એ જ સમયે, સંક્રમણ દર પણ લગભગ બે ટકા વધારે છે. એટલું જ નહીં, ગયા વર્ષે 18 ઓગસ્ટ પછી પહેલીવાર રાજધાનીમાં કોરોના સંક્રમણને કારણે એક દિવસમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ સિવાય સક્રિય દર્દીઓની સંખ્યા 15 હજારની નજીક પહોંચી ગઈ છે. એ જ સમયે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ 111નો વધારો નોંધાયો છે.
મંગળવારે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા એક દિવસમાં 65,487 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 8.37 ટકા સેમ્પલ કોરોના સંક્રમિત જણાયાં હતાં. ગયા સોમવારની સરખામણીમાં સંક્રમણનો દર 6.46 ટકાથી વધીને 8.37 ટકા થયો છે. આ દરમિયાન 5481 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન, 1575 દર્દીને રજા આપવામાં આવી છે, પરંતુ વિવિધ હોસ્પિટલમાં ત્રણ દર્દીનાં મૃત્યુ થયાં છે.
મહારાષ્ટ્ર
કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્રમાં દરેક લહેરમાં ગંભીર સંક્રમણ જોવા મળ્યું હતું. આ વખતે પણ અહીં ઓમિક્રોનવાળી ત્રીજી લહેરનું સંકટ મંડરાઈ રહ્યું છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજારથી વધુ નવા કેસોએ હડકંપ મચાવ્યો છે. મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે મંગળવારે કહ્યું હતું કે જો અહીં દિવસના 20,000 કેસોનો આંકડો પાર થશે તો કેન્દ્ર સરકારના નિયમો અનુસાર શહેરમાં લોકડાઉન લાગુ કરાશે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં કોરોનાના નવા 9,073 કેસ સામે આવ્યા છે, જ્યારે 3768 સાજા થયા છે અને 16 લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ બંગાળમાં હાલ એક્ટિવ કેસ 25,475 છે. બંગાળમાં સ્વિમિંગ પૂલ, સ્પા, બ્યૂટિપાર્લર, સિનેમા હોલ, ટૂરિસ્ટ સ્પોટ બંધ કરવામાં આવ્યા છે અને શોપિંગ મોલ્સમાં 50% લોકોને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પંજાબ
પંજાબ સરકારે પણ કોવિડના કેસોમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યૂ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય થિયેટરોને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ અંગે જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ અને કોચિંગ સેન્ટરો બંધ રહેશે.
તમામ વર્ગો ઓનલાઈન મોડ દ્વારા લેવામાં આવશે. જોકે મેડિકલ અને નર્સિંગ કોલેજોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત બાર, સિનેમા, મલ્ટિપ્લેક્સ, મોલ, રેસ્ટોરન્ટ, સ્પા, મ્યુઝિયમ અને પ્રાણી સંગ્રહાલય 50 ટકા ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. આ તમામ સ્થળોએ તમામ કર્મચારીઓને સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ. આદેશ મુજબ રાજ્યમાં 50 ટકા ક્ષમતા સાથે એસી બસો દોડાવવામાં આવશે.
ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે કહ્યું હતું કે સોમવારે કોરોનાના એક લાખ 66,353 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 992 નવા કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 3,173 થઈ ગઈ છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના 18 નવા કેસ મળી આવ્યા છે. અગાઉ આ સંખ્યા રાજ્યમાં આઠ હતી, જે હવે વધીને 26 થઈ ગઈ છે.
કર્ણાટક
રાજ્યના આરોગ્યમંત્રી ડૉ. કે સુધાકરે જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોરોના સંક્રમણનો દર વધીને 2.59% થઈ ગયો છે. રાજ્યમાં આજે 2,479 નવા કેસ નોંધાયા છે, 4 મૃત્યુ નોંધાયા છે. કુલ 77 ઓમિક્રોન કેસ સક્રિય છે, હાલ કોઈ નવા ઓમિક્રોન કેસ નોંધાયા નથી. આજે કુલ 95,391 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે બેંગલુરુમાં 2,053 નવા કેસ નોંધાયા છે.
લોકડાઉનમાં કયા-કયા પ્રતિબંધો લાગી શકે છે?
જો કોરોનાની પ્રથમ અને બીજી લહેરની જેમ લોકડાઉન લાગુ થાય છે, તો શાળાઓ, કોલેજો, કોચિંગથી લઈને શોપિંગ મોલ, થિયેટર મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે બંધ થઈ શકે છે. મંદિર-મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ખુલ્લા રહેશે, પરંતુ દર્શનાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ હોઈ શકે છે. એ જ સમયે ફક્ત મર્યાદિત લોકો જ લગ્નમાં હાજરી આપી શકશે. તેમજ કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ પણ હોઈ શકે છે. આ ઉપરાંત રાજ્યોની સરહદો પર લોકોની તપાસ કરવામાં આવશે તેમજ લોકોને કોઈપણ જગ્યાએ એકઠા થવા દેવામાં આવશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.