RBIની ચેતવણી:સહકારી મંડળીઓ પોતાના નામમાં ‘બેન્ક’ શબ્દનો ઉપયોગ કરી શકે નહીં

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને ડિપોઝિટ જમા કરાવતા પહેલાં સતર્ક રહેવા કહ્યું
  • મંડળીઓ પાસે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ લાઈસન્સ હોવું જરૂરી: RBI

દેશમાં અનેક સહકારી મંડળીઓ પોતાના નામમાં ‘બેન્ક’ શબ્દનો ઉપયોગ કરે છે તે મુદ્દે આરબીઆઈએ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે સહકારી મંડળીઓ તેમના નામમાં ‘બેન્ક’ શબ્દનો ઉપયોગ ના કરી શકે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949નું વિસ્તરણ કરાયા પછી કોઈ પણ સહકારી મંડળી તેના નામમાં બેન્ક, બેન્કર કે બેન્કિંગ જેવા શબ્દોનો ઉપયોગ ના કરી શકે.

જોકે, જે મંડળીઓએ આરબીઆઈની પૂર્વ મંજૂરી લીધી હશે તેમને બીઆર એક્ટ, 1949 હેઠળ આ પ્રકારની છૂટ રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરાયેલા ફેરફાર 29 સપ્ટેમ્બર, 2020થી લાગુ થઈ ચૂક્યા છે. આરબીઆઈએ કહ્યું છે કે અમને સહકારી મંડળીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો મળી છે, જેમાં કહેવાયું છે કે તેઓ પોતાના નામમાં ‘બેન્ક’ શબ્દનો ઉપયોગ કરે છે.

તે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ-7નું ઉલ્લંઘન છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક મંડળીઓ નોન-મેમ્બર, નોમિનલ મેમ્બર અને એસોસિયેટ મેમ્બર પાસેથી પણ ડિપોઝિટ સ્વીકારીને બેન્કિંગ બિઝનેસ કરી રહી છે, જે બીઆર એક્ટ 1949નું ઉલ્લંઘન છે.

આ મુદ્દે આરબીઆઈએ લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે આવી અનેક સહકારી મંડળીઓ પાસે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળનું લાઈસન્સ કે બેન્કિંગ બિઝનેસ કરવાની પણ સત્તા નથી હોતી. આ ઉપરાંત આવી મંડળીઓમાં જમા કરાતી ડિપોઝિટ પર પણ તેમની પાસે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોઓપરેશન (ડીઆઈસીજીસી)નું વીમાકવચ નથી હોતું.

ડીઆઈસીજીસી આરબીઆઈ હેઠળ કામ કરતી સંસ્થા છે, જે થાપણદારોને રૂ. પાંચ લાખ સુધીનું વીમાકવચ આપે છે. જો તે વીમો ના હોય, તો જે તે સંસ્થા પાસેથી ગ્રાહકોને થાપણ પરત મળવાની પણ શક્યતા ખૂબ ઓછી હોય છે.

અન્ય સમાચારો પણ છે...