• Gujarati News
  • National
  • Congress Will Gather At Ramlila Maidan Under The Leadership Of Rahul Gandhi, Will Put Pressure On The Government

રાહુલે કહ્યું- અમારી યાત્રા સત્ય જણાવવા માટે:કહ્યું- આજે બે હિન્દુસ્તાન, એક ગરીબોનું અને બીજું ઉદ્યોગપતિઓનું; આજે આ બંને દેશો વચ્ચેની લડાઈ છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નહીં, પણ ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં આવ્યું.
  • નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓ માટે 24 કલાક કામ કરે છે.
  • લોકોની વચ્ચે જઈને દેશની સાચી વાત જનતાને જણાવવી છે.

દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલી યોજી હતી. આમાં રાહુલે કહ્યું કે દેશમાં મીડિયા, પ્રેસ અને સંસ્થાઓ સરકારના દબાણ હેઠળ છે. એવામાં અમારી પાસે જનતાની વચ્ચે જઈને સત્ય જણાવવા સિવાય કોઈ રસ્તો નથી. રાહુલે કહ્યું કે દેશના 10-15 અમીર લોકો જે ઈચ્છે તે સપના જોઈ શકે છે. આ રીતે ગરીબો સપના જોઈ શકતા નથી, આ દેશ ઉદ્યોગપતિઓનો નહીં, ગરીબોનો છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીમાં મંચ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ.
દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીમાં મંચ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ.

હવે મુદ્દાસર ક્રમમાં જાણો રાહુલે દિલ્હીની રેલીમાં શું કહ્યું...

મોંઘવારી અને બેરોજગારીના ડરથી દેશમાં નફરત વધી રહી છે
રેલીમાં રાહુલે કહ્યું- નફરત ભયનું એક સ્વરૂપ છે. જેને ભય લાગે છે તેના હૃદયમાં નફરત જન્મે છે. ભારતમાં ભય વધી રહ્યો છે. ભવિષ્યનો ભય, મોંઘવારીનો ભય, બેરોજગારીનો ભય..આ ભય વધી રહ્યો છે.જેના કારણે ભારતમાં નફરત વધી રહી છે. તેમણે કહ્યું કે નફરત લોકોના ભાગલા પાડે છે, દેશને વિભાજિત કરે છે અને નબળો બનાવે છે. ભાજપ અને સંઘના નેતાઓ દેશના ભાગલા પાડે છે, ભય પેદા કરે છે લોકોને ડરાવે અને નફરત પેદા કરે છે. કોના માટે અને શા માટે કરે છે તેવા સવાલ ઉભા થાય છે. આ નફરતનો લાભ કોને મળી રહ્યો છે? ભારતના બે ઉદ્યોગપતિઓ આનો ભરપૂર લાભ લઈ રહ્યા છે.

હું EDથી ડરતો નથી
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ED દ્વારા 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી, હું તમારા EDથી ડરતો નથી. તમે મને 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરતા રહો, તેનાથી કોઈ ફરક પડશે નહીં.

મોદી ઉદ્યોગપતિઓ માટે 24 કલાક કામ કરે છે
દેશમાં બેરોજગારી, દેશમાં મોંઘવારી અને દેશની સમગ્ર સંપત્તિ બે ઉદ્યોગપતિઓના હાથમાં છે. આ બંને ઉદ્યોગપતિ નરેન્દ્ર મોદી માટે 24 કલાક કામ કરે છે અમે કરીશું. નરેન્દ્ર મોદી પણ આ બંને ઉદ્યોગપતિઓ માટે 24 કલાક કામ કરે છે. નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન છે પણ તે બે ઉદ્યોગપતિઓ વિના નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન રહી શકે નહીં.

જનતાને સત્ય જણાવવા માટે ભારત જોડો યાત્રાની શરૂઆત
રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર જ દેશને બચાવી શકે છે. કોંગ્રેસની વિચારધારા દેશને પ્રગતિના પંથે લાવી શકે છે. સરકારે અમારા માટે રસ્તો બંધ કરી દીધો છે. સંસદનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. સંસદમાં વિપક્ષનું માઈક બંધ કરી દેવામાં આવે છે, અમને બોલવા દેવામાં આવતા નથી. ચૂંટણી પંચ, ન્યાયતંત્ર પર દબાણ છે. તેથી જ લોકોની વચ્ચે જઈને દેશની સાચી વાત જનતાને જણાવવી છે. આથી કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે.

નોટબંધીએ ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું
મોદીજીએ નોટબંધી કરી. શું તેનાથી ગરીબોને ફાયદો થયો? તેમણે ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા. ગરીબોને કહ્યું કાળા નાણા સામેની લડાઈ છે. થોડા મહિના પછી તમે જોયું કે તમારા ખિસ્સામાંથી લાખો કરોડો રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. દેશના મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં આવ્યું. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નહીં. ખેડૂતો સામે કાળા કાયદા લાવ્યા. કહેશે કે આ કાયદાઓ તેમના ફાયદા માટે છે. જો તે ખેડૂતના હિત માટે હોય તો ભારતમાં ખેડૂતો તેની સામે કેમ વિરોધ કરે છે?

સરકાર ED, CBI,ઈન્કમટેક્સથી વિરોધીઓને ડરાવે છે
રેલીમાં રાહુલે કહ્યું- હમણાં જ કોઈએ કહ્યું કે મોદીજી વડાપ્રધાન છે. પરંતુ, તે બે ઉદ્યોગપતિઓ વિના, મીડિયાના સમર્થન વીના મોદીજી વડાપ્રધાન બની શકે નહીં. મીડિયા હોય, પ્રેસ હોય, સંસ્થાઓ હોય, સરકાર દરેક પર દબાણ લાવી રહી છે. અમારી યાત્રાની શું જરૂર છે, અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમારે જનતાની વચ્ચે જવું પડશે. અને તેમને દેશનું સત્ય જણાવીશું. જે પણ મોદીજી વિરુદ્ધ કામ કરવા માંગે છે, પછી તે વિપક્ષ હોય, કાર્યકર્તા હોય, એનજીઓ હોય... તેના પર ED, CBI, ઈન્કમટેક્સ બધાના દરોડા પાડવામાં આવે છે.

આ દેશ બે ઉદ્યોગપતિઓનો નથી, પરંતુ મજૂરો અને ગરીબોનો છે
રાહુલે કહ્યું- આ દેશ બે ઉદ્યોગપતિઓનો નથી, ગરીબોનો છે. આજે બે હિન્દુસ્તાન છે. એક કામદારો, ગરીબો, ખેડૂતો અને બેરોજગારોનો છે. જ્યાં કોઈ સ્વપ્ન જોઈ શકતું નથી. તે દેશમાં પરસેવો પાડ્યા પછી પણ તમને કોઈ લાભ નહીં મળે. બીજો દેશ છે, જે 10-15 ઉદ્યોગપતિઓ, અબજોપતિઓનો છે. તેમાં જે સુપનું જોવું હોય તે સપનું જોઈ શકો છો. એ ભારતમાં તમને જે જોઈએ તે મળશે. આ બે દેશો વચ્ચેની લડાઈ છે.

70 વર્ષમાં કોંગ્રેસે આટલી મોંઘવારી વધારી નહોતી
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા બાબતે કહ્યું કે આ ત્રણ કાયદા ઉદ્યોગપતિઓ માટે લાવવામાં આવ્યા છે. ખેડૂતોની તાકાતે સરકારને આ કાયદાઓને પાછા ખેંચવા પર મજબુર કરી દીધા. ભારતમાં સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં છે. જીએસટીએ નાના વેપારીઓને ખતમ કરી નાંખ્યા છે અને તેમનાથી જ રોજગારી મળે છે. તમે પુછો છો કે કોંગ્રેસે શું કર્યું તો હું કહું છું કે 70 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આટલી મોંઘવારી વધારી નહોતી.

અમે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા
અમે યુપીએ સરકારમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. અમે અન્નનો અધિકાર, NREGA, લોન માફીની યોજનાઓ દ્વારા આ કર્યું હતુ. પરંતુ હવે મોદી સરકારે 23 કરોડ લોકોને ફરી ગરીબીમાં ધકેલી દીધા છે. જે કામ અમે 10 વર્ષમાં કર્યું તેમણે 8 વર્ષમાં ખતમ કરી નાંખ્યું છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની મોંઘવારીની વિરુદ્ધ હલ્લા બોલ રેલી હતી. આ રેલીમાં જોડાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા કોંગ્રેસની આ રેલીને જોતા પોલીસ તમામ પ્રકારની વ્યવસ્થા કરી હતી. મોંઘવારીની વિરુદ્ધની હલ્લા-બોલ રેલીમાં મોદી સરકારની મોંઘવારી, ભષ્ટ્રાચાર અને જનવિરોધી નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ દિલ્હી પહોંચી ગયા હતા. દેખાવો પહેલા રાહુલે ટ્વિટ કરીને પીએમ મોદી પર હુમલો કર્યો હતો. તેમણે લખ્યું- રાજા મિત્રોની કમાણીમાં વ્યસ્ત, પ્રજા મોંધવારીથી ત્રસ્ત.

અધીર રંજને કહ્યું- કોંગ્રેસમાં આવવું-જવું સરળ, ટકી રહેવું મુશ્કેલ
લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજને કહ્યું કે, આજે મોંઘવારીની સ્થિતિ એવી છે કે જો તમે બજારમાં ખરીદી કરવા જાઓ છો તો ખીસ્સામાંથી બધા રૂપિયા પુરા થઈ જશે, પણ થેલી ખાલી જ રહેશે. તેમણે હાલમાં જ પાર્ટીથી અલગ થયેલા ગુલામ નબી આઝાદ બાબતે પણ ટોણો મારતા કહ્યું કે કોંગ્રેસમાં આવવું બહુ સરળ છે, છોડીને જવું તેનાથી પણ સરળ છે. પરંતુ તેમાં ટકી રહેવું તે ખૂબ જ મુશ્કેલ છે. લોકો બે ડગલાં સાથે ચાલે છે, પછી રસ્તા બદલી નાંખે છે.

કમર તોડ મોંઘવારીની વિરુદ્ધ આંદોલન
કોંગ્રેસ જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ સતત વધી રહેલી મોંઘવારીની વિરુદ્ધ આંદોલન કરી રહી છે અને તેની જ આગળની કડીમાં આજે વિશાળ રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સાથે દિલ્હી તથા આસપાસના રાજ્યોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે સામાન્ય લોકોને રાહત આપવા માટે મોંઘવારી રોકવા માટે તત્કાલિક પગલા લેવાની માંગ કરી છે.

વેણુગોપાલે કહ્યું- સરકારે દેશની અર્થવ્યવસ્થા વેરવિખેર કરી નાંખી છે. તેની નીતિઓએ લોકોને મોંઘવારીની આગમાં ધકેલી દીધા છે. મોંઘવારીને લઈને મોદી સરકાર અસંવેદનશીલ છે. આ અંગે સંસદમાં ચર્ચા થાય છે, વિપક્ષ હોબાળો કરે છે, સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યાં છે, જોકે સરકાર ચૂપ બેઠી છે. સરકારે આમ લોકોની ચિંતા કરવી જોઈએ.

રામલીલા મેદાનમાં કોંગ્રેસે બેનર્સ અને પોસ્ટર્સની સાથે બલૂન પણ લગાવ્યા છે.
રામલીલા મેદાનમાં કોંગ્રેસે બેનર્સ અને પોસ્ટર્સની સાથે બલૂન પણ લગાવ્યા છે.

આ રેલી સરકારને અમારો સંદેશ- જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આજે હલ્લા બોલ રેલી યોજાઈ છે, તેને રાજ્યોની ચૂંટણીઓ કે 2024ની લોકસભાની ચૂંટણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. આ માત્ર અસંવેદનશીલ સરકાર માટે અમારો સંદેશ છે કે લોકો મોંઘવારી અને બેરોજગારીથી હેરાન છે.

5 ઓગસ્ટે કોંગ્રેસના નેતાઓએ કાળા કપડા પહેરીને દેખાવો કર્યા હતા.
5 ઓગસ્ટે કોંગ્રેસના નેતાઓએ કાળા કપડા પહેરીને દેખાવો કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...