રાહુલ ફરી બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ:આવનારા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાશે, રાહુલ બોલ્યા- પદ સંભાળવા મુુદ્દે વિચાર કરીશ

3 મહિનો પહેલા

દિલ્હીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવાની માગ ઉઠી છે. આ માગ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના સીનિયર નેતા અંબિકા સોની દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન ખબર આવી છે કે આવનારા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે યોજવામાં આવશે.

અંબિકા સોનીએ બેઠકમાં કહ્યું હતું કે, દરેક લોકો ઇચ્છે છે કે રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. જોકે, તેઓ શું નિર્ણય કરે છે તે નક્કી કરવાનું તેમના પર છે. આ અગાઉ બેઠકમાં હાજર રહેલા અશોક ગેહલોતે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલે કોંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ અને બેઠકમાં હાજર દરેક લોકો આનું સમર્થન કરે છે. બંને નેતાઓની વાત સાંભળ્યા બાદ રાહુલે કહ્યું હતું કે તેઓ ફરી પાર્ટી અધ્યક્ષ બનવા પર વિચાર કરશે.

સોનિયા ગાંધીએ કહ્યું- હું ફુલટાઈમ પ્રેસિડન્ટ
બેઠકમાં સોનિયા ગાંધીએ પાર્ટીના G-23 નેતાઓને સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે, તેઓ જ પાર્ટીના ફૂલ ટાઈમ પ્રેસિડન્ટ છે. સોનિયા ગાંધીએ કોઈનું પણ નામ લીધા વગર પાર્ટી નેતાઓને એવી સલાહ પણ આપી હતી કે તેઓ સાફગોઈના સમર્થક છે, પરંતુ તેમની સાથે મીડિયા દ્વારા વાત કરવામાં ના આવે.

બેઠકમાં એક બાજુ જ્યાં પાર્ટીની રણનીતિ અને સંગઠન વિશે ચર્ચા થવાની હતી તે પહેલાં ઓપનિંગ ભાષણમાં જ સોનિયા ગાંધીએ અત્યાર સુધી થતી નિંદાઓનો જવાબ આપ્યો હતો. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ તરફથી સતત ઉભા થતાં સવાલોના જવાબ આપતા સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં કહ્યું કે, તેઓ ફૂલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ તરીકે જ કામ કરી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અમે ક્યારેય જાહેર મહત્વના અને ચિંતાના મુદ્દાઓને સમજ્યા વિચાર્યા વગર જવા નથી. તેથી મારી સાથે મીડિયાના માધ્યમ દ્વારા વાત કરવાની જરૂર નથી.

સોનિયાએ એવું પણ કહ્યું કે, સંગઠન ચૂંટણીનું શિડ્યુલ તૈયાર છે અને વેણુગોપાલજી તે વિશે સંપૂર્ણ માહિતી આપશે. સોનિયાએ કહ્યું કે, આખુ સંગઠન ઈચ્છે છે કે, કોંગ્રેસ ફરી ઉભી થઈ રહી છે. પરંતુ તે માટે એકતા અને પાર્ટી હિતોને સૌથી ઉપર રાખવા જરૂરી છે.

નોંધનીય છે કે, કોંગ્રેસના G-23એ ગયા વર્ષે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને પાર્ટીમાં મોટા ફેરફાર અને પ્રભાવી નેતૃત્વની જરૂર ગણાવી હતી. તેમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ અને ગુલામનબી આઝાદ પણ સામેલ હતા. G-23ના ઘણાં નેતાઓએ સોનિયાને યાદ પણ અપાવ્યું છે કે, પાયાના લેવલ પર હાલ કોઈ ફેરફાર થયા નથી અને કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. પાર્ટીને પંજાબથી લઈને છત્તીસગઢ સુધી સંકટનો સામનો કરવો પડે છે.

રાજ્યોની ચૂંટણી વિશે પણ ચર્ચા થશે
આજે શરૂ થયેલી કોંગ્રેસ કમિટીની મીટિંગમાં અનુશાસન મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા છે. તે ઉપરાંત રાજ્યોમાં આગામી વર્ષે થનારી ચૂંટણી વિશે પણ રણનીતિ બનાવવામાં આવે તેવી શક્યતા છે. તે ઉપરાંત લખીમપુરખીરીની ઘટના વિશે આગામી સમયમાં સરકારને ઘેરવાની સ્ટ્રેટેજી વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. કારણે 2022માં યુપી અને ગુજરાત બંને રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે.

આંતરિક વિવાદોનો ઉકેલ લાવવો મોટો પડકાર
કોંગ્રેસના ઘણાં રાજ્યોમાં આતંરિક વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે જ છેલ્લા એક વર્ષમાં ઘણાં મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. રાહુલ ગાંધીના ખાસ માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ગયા વર્ષે બીજેપીમાં જોડાઈ ગયા છે, તો આ વર્ષે જીતેન પ્રસાદ પણ બીજેપીમાં સામેલ થયા છે.
બીજી બાજુ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહલોત અને પૂર્વ ડેપ્યૂટી મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે પણ ખેંચતાણ ચાલી રહી છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી બદલાયા પછી પણ સતત વિવાદ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસની સામે આંતરિક વિવાદનો ઉકેલ લાવવો જ એક મોટો પડકાર છે.

અન્ય સમાચારો પણ છે...