વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસને કારણે 47 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જોકે સરકારે WHOના આંકડાઓનો વિરોધ કર્યો છે. એ ઉપરાંત કહ્યું છે કે WHOએ જે પ્રમાણે ડેટા ભેગા કર્યો છે એ શંકાસ્પદ છે. જ્યારે હવે વિપક્ષ દ્વારા WHO દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. એ સાથે જ મૃતકોનાં પરિવારજનોને વળતર આપવાની માગ કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે કોવિડ મહામારીને કારણે 4.8 લાખ નહીં, 47 લાખ ભારતીયોના જીવ ગયા છે. મોદી કહે છે એવું, વિજ્ઞાન કદી ખોટું ના બોલે. તે પરિવારોનું સન્માન કરવું જોઈએ, જમણે આ મહામારીમાં તેમનાં પરિવારજનો ગુમાવ્યા છે. તેમને 4 લાખ રૂપિયાનું વળતર આપીને મદદ કરવી જોઈએ. WHOએ ગુરુવારે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાઇરસ અથવા એની સાઈડ ઈફેક્ટને કારણે જીવ ગુમાવ્યો છે. WHOનો અંદાજ છે કે ભારતમાં કોરોના વાઇરસને કારણે 47 લાખ લોકોનાં મોત થયાં છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયિયસે આ આંકડાને ગંભીર ગણાવ્યા છે.
ભારતે WHO વિશે શું કહ્યું?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત WHO દ્વારા આ સર્વે જે મોડલના આધારે કર્યો છે એનો વિરોધ કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મોડલની પ્રક્રિયા, કાર્યપ્રણાલી અને પરિણામનો ભારત વિરોધ કરે છે.
કેન્દ્ર સરકારના એક અધિકારીએ કહ્યું હતું કે આ ડેટા 17 રાજ્યના આંકડાના આધારે છે. આ રાજ્યોને કયા આધારે પસંદ કરાયા, ડેટા ક્યારે લેવાયો એની માહિતી પણ ભારત સરકારને નથી અપાઈ. સરકારે આ મુદ્દે અત્યારસુધી દસ પત્રો પણ લખ્યા છે, જેનો ડબ્લ્યુએચઓએ જવાબ પણ નથી આપ્યો.
સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાથી 5.24 લાખ લોકોનાં મોત થયાં છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે અનેક દેશોએ કોરોનાથી થયેલાં મૃત્યુ ઓછાં દર્શાવ્યા છે, તેથી દુનિયામાં કોરોનાથી ફક્ત 62 લાખ લોકોનાં મોત થયાંનું નોંધાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.