કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આજે ED દ્વારા પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. તેઓ મંગળવાર સવારે 11 વાગ્યે ED ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તેમની બે રાઉન્ડ સુધી પૂછપરછ કરાઈ. પહેલા રાઉન્ડમાં સોનિયા ગાંધીને બપોરે 1.30 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી. લંચ પછી સોનિયા ગાંધી લગભગ 3.30 વાગ્યે ફરીથી ED ઓફિસે પહોંચ્યા, જ્યાં તેમની લગભગ 7 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી. EDએ સોનિયા ગાંધીને આવતીકાલે પરી હાજર થવાનું કહ્યું છે.
બીજી બાજુ પૂછપરછના વિરોધમાં પાર્ટી સાંસદોની સાથે રાહુલ ગાંધી વિજય ચોકની પાસે ધરણાં પર બેસી ગયા, જે બાદ દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી લીધી. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીમાં પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. પ્રદર્શન દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ કોંગ્રેસ યુથ અધ્યક્ષના વાળ ખેંચ્યા. ઘણી મુશ્કેલી પછી પોલીસે કોંગ્રેસ નેતાને પકડીને પરાણે ગાડીમાં બેસાડી દીધા.
પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાવ્યા હતા. આ બાબતે સચિન પાયલટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ અવાજ દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય એજન્સી દ્વારા નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં જતા રોક્યા, ખડગે-વેણુગોપાલની પણ અટકાયત
રાહુલ ઉપરાંત કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, શક્તિ સિંહ ગોહિલ સહિત અનેક સાંસદોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું છે કે આ સાંસદોને પોલીસ કેટલીક અજાણી જગ્યાએ લઈ જઈ રહી છે. કોંગ્રેસના આ તમામ સાંસદો વિરોધ માર્ચ કરતા સંસદથી રાષ્ટ્રપતિ ભવન તરફ જઈ રહ્યા હતા.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED મંગળવારે બીજી વખત સોનિયા ગાંધીની પૂછપરછ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ પૂછપરછ માટે હાજરી આપવા માટે EDની ઓફિસે પહોંચી ગયા હતા. રાહુલ-પ્રિયંકા પણ તેમની સાથે હતા. આ પહેલા 21 જુલાઈના રોજ EDએ સોનિયાની લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. ED પાસે 50 પ્રશ્નોની યાદી છે, જેમાંથી 25 પ્રશ્નો પૂછાઈ ગયા છે.
આ તરફ સોનિયાની EDની પૂછપરછ વચ્ચે કોંગ્રેસ હેડક્વાર્ટર અને 10 જનપથની બહાર સુરક્ષા દળોના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ અજય માકને આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને રાજઘાટ જવાની પણ મંજૂરી આપી રહી નથી.
સોનિયાની પૂછપરછ અંગેના મોટા અપડેટ્સ...
સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજઘાટ પર જઈને મૌન વિરોધ પ્રદર્શન કરશે. સોમવારે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદર્શનને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે તમામ મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ સાથે આ અંગે રણનીતિ બનાવી હતી.
સોનિયાને 3 કલાકમાં 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા દિવસે સોનિયા ગાંધીને લગભગ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેમાં નેશનલ હેરાલ્ડ સાથે સંકળાયેલ ટ્રસ્ટ, 10 જનપથ ખાતે તેની બેઠક જેવા પ્રશ્નો પણ હતા. જો કે, ત્રણ કલાકની પૂછપરછ બાદ અધિકારીઓએ તેમની તબિયત જોતા તેમને ઘરે જવાનું કહ્યું હતું.
રાહુલની પણ 40 કલાકની પૂછપરછ કરવામાં આવી હતી
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 5 વખત પૂછપરછ કરી છે. લગભગ 40 કલાક માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. હવે સોનિયા ગાંધી હાજર થઈ રહ્યા છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તપાસમાં સામેલ થવા માટે જોડાવું પડી રહ્યું છે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સામ પિત્રોડા અને સુમન દુબેને નુકસાનીમાં ચાલી રહેલ નેશનલ હેરાલ્ડ અખબાર પર છેતરપિંડી અને નાણાંનાં ગેરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આરોપ મુજબ, કોંગ્રેસના આ નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો કબજે કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ, એટલે કે YIL નામની સંસ્થાની રચના કરી હતી અને તેના દ્વારા નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરનાર એસોસિએટેડ જર્નલ લિમિટેડ, એટલે કે AJL ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવ્યું હતું.
સ્વામીએ 2000 કરોડ રુપિયાની કંપનીને માત્ર 50 લાખ રુપિયામાં ખરીદી લેવા બાબતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહીત કેસ સબંધીત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
આ કેસમાં જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ અને અન્ય આરોપીઓ સામે સમન્સ જારી કર્યા હતા. ઓગસ્ટ 2014માં આ કેસમાં EDએ સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટે સોનિયા, રાહુલ સહિત તમામ આરોપીઓને જામીન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.