મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના કોટમાથી કોંગ્રેસના ધારાસભ્ય સુનીલ શરાફે તેમના જન્મદિવસના કાર્યક્રમમાં રિવોલ્વરથી ફાયરિંગ કરીને વિવાદમાં ઘેરાયા છે. ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે. ત્યાર પછી તેમના વિરુદ્ધ કોટમા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
મને જેટલાં કારતૂસ ઈશ્યુ થયાં છે, તમામનો રેકોર્ડ મારી પાસે છે
સુનીલ શરાફે પોતાના બચાવમાં કહ્યું છે કે, રમકડાની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ દરેક વસ્તુમાં ઉતાવળ કરે છે. હું તપાસ માટે તૈયાર છું. મને જેટલાં કારતૂસ ઈશ્યુ થયાં છે, તમામના રેકોર્ડ મારી પાસે છે.
ઘરે જ થઈ રહ્યો હતો કાર્યક્રમ
વીડિયો 1 જાન્યુઆરીનો છે. ધારાસભ્યએ પોતાના જન્મદિવસે ઘરે કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં ઘણા નેતાઓ સામેલ હતા. ફિલ્મી ગીત પર ડાન્સ થઈ રહ્યો હતો. જેમ કે 'મૈં હૂં ડોન' ગીત વાગી રહ્યું હતું. ધારાસભ્ય સુનીલ નાચતાં-નાચતાં સ્ટેજ પર પહોંચ્યા હતા અને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર નિકાળી ઉત્સાહમાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
ગયા વર્ષે રિવોલ્વરનું લાઈસન્સ મળ્યું હતું
વીડિયો સામે આવ્યા પછી ભાજપ નેતા દિલીપ જયસ્વાલ અને અન્ય નેતાઓએ પોલીસ ફરિયાદ કરી. જ્યારે ધારાસભ્યએ ફાયરિંગ કર્યું, તે સમયે સ્ટેજ પર કોંગ્રેસના બ્લોક અધ્યક્ષ મનોજ સોની અને પાલિકા ઉપાધ્યક્ષના પતિ બદ્રી તામ્રકર પણ હાજર હતા. ધારાસભ્ય સરાફ જે રિવોલ્વરથી ફાયરિંગ કરતા જોવા મળે છે તે લાઇસન્સવાળી છે. તેમને રિવોલ્વરનું લાઇસન્સ એક વર્ષ પહેલાં જ મળ્યું હતું.
ગૃહમંત્રીએ કહ્યું-પિસ્તોલ લહેરાવી ડાન્સ કરવો ખોટો છે
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યનું આ રીતે પિસ્તોલ લહેરાવીને નાચવું ખોટું છે. તેમણે અનુપપુરના SP જિતેન્દ્રસિંહ પવારને કાર્યવાહી કરવા સૂચના આપી છે. SPએ કહ્યું કે સ્થાનિક લોકોની ફરિયાદના આધારે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં ફાયરિંગ જોવા મળી રહ્યું છે. આ અંગે કોટમા પોલીસ સ્ટેશનમાં કલમ 336 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પવારે કહ્યું કે કોટમા TI અજય બૈગાને વીડિયોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
2018માં પહેલી વખત ધારાસભ્ય બન્યા સુનીલ શરાફ
કોટમા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ ધારાસભ્ય સુનીલ શરાફે પોલિટેક્નિક કોલેજથી ડિપ્લોમા કર્યું. ત્યાર પછી તેમણે શહડોલથી ગ્રેજ્યુએશન કર્યું. 2018માં કોટમા વિધાનસભાથી દિલીપ જયસ્વાલને હરાવી પહેલી વખત ધારાસભ્ય બન્યા. આ પહેલાં તે કોંગ્રેસના કિસાન મોર્ચાના જિલ્લા અધ્યક્ષ રહ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.