વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સનો જુસ્સો વધારવા દેશવાસીઓને બે વખત અપીલ કરી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચે સાંજે 5 વાગ્યે તાળીઓ પાડી, થાળી, ઘંટ, શંખ વગાડ્યાં. પછી 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે ઘરની લાઇટો બંધ કરી મીણબત્તી-દીવા પ્રગટાવ્યા, ટોર્ચ, ફ્લેશલાઇટ ઓન કરી. હવે એવા સમાચાર આવ્યા છે કે જેનાથી કોરોના સામેની લડાઇમાં વડાપ્રધાન મોદીનો અને તેમની સરકારનો જુસ્સો વધશે, જનતાના ભરોસારૂપે. તાજેતરમાં એક સરવેનાં તારણો મુજબ 93.5% ભારતીયોને ખાતરી છે કે મોદી સરકાર કોરોનારૂપી સંકટ સામે બહુ અસરકારક રીતે લડી રહી છે. આઇએએનએસ-સી વોટર કોવિડ-19 ટ્રેકર મુજબ, લૉકડાઉનના પ્રથમ દિવસે 76.8% લોકોને મોદી સરકાર પર ભરોસો હતો. 21 એપ્રિલ સુધીમાં 93.5% દેશવાસીઓ મોદી સરકારની કામગીરીથી ખુશ છે.
વૈશ્વિક સ્તરે પણ પીએમ મોદીની પ્રશંસા
આ અગાઉ મંગળવારે અમેરિકી સરવે કંપની મોર્નિંગ કન્સલ્ટે વડાપ્રધાન મોદીને વૈશ્વિક સ્તરે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ જાહેર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટિ્વટ કરીને તેની માહિતી આપતાં લખ્યું, ‘સત્ય બધાની સામે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે કોવિડ-19 વૈશ્વિક રોગચાળા સામે લડી રહ્યા છે, ભારતવાસીઓનું ધ્યાન રાખી રહ્યા છે અને આવા પડકારરૂપ સમયમાં વૈશ્વિક સમુદાયની મદદ કરી રહ્યા છે તેની સમગ્ર દુનિયા પ્રશંસા કરી રહી છે. દરેક ભારતીય પોતાને સલામત અનુભવી રહ્યો છે’
સરવેમાં શું જણાવાયું છે?
આઇએએનએસ-સી વોટરે 16 માર્ચથી 21 એપ્રિલ દરમિયાન કરેલા સરવેમાં એક વાક્ય લોકો સમક્ષ રખાયું. વાક્ય હતું, ‘મને લાગે છે કે સરકાર કોરોના કટોકટી સામે સારી રીતે લડી રહી છે.’ 16 માર્ચે 75.8% લોકોએ કહ્યું કે તેમને સરકાર પર ભરોસો છે. દેશમાં લૉકડાઉન જાહેર થયા પછી આવું માનતા લોકોની સંખ્યા વધી ગઇ.
1 દિવસમાં 10.5% લોકોનો ભરોસો વધ્યો
મોટી વાત એ છે કે 1 એપ્રિલ સુધીમાં મોદી સરકાર પર ભરોસો કરતા લોકોની ટકાવારી વધીને 89.9 થઇ ગઇ જ્યારે તેના 1 દિવસ અગાઉ 31 માર્ચે 79.4% લોકોને જ સરકારની કામગીરી પર ભરોસો હતો. એટલે કે મોદી સરકાર પર ભરોસો કરતા લોકો એક જ દિવસમાં 10.5% વધ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.