શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબની નવી ગર્લફ્રેન્ડ સામે આવી છે. તેણે દાવો કર્યો છે કે, તેને શ્રદ્ધાના મર્ડર અથવા તેના ટૂકડાં સાથે તોઈ લેવા દેવા નથી. છોકરીએ જણાવ્યું છે કે, જ્યારે તે આફતાબને મળવા તેના ઘરે જતી હતી ત્યારે તેને અંદાજ નહતો કે તેણે તે જ ઘરમાં શ્રદ્ધાના ટૂકડાં રાખ્યા છે.
મે મહિનામાં શ્રદ્ધાના મર્ડર પછી આફતાબે તે નવી છોકરીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની મુલાકાત બમ્બલ એપ પર થઈ હતી. તે એપ દ્વારા જ શ્રદ્ધા અને આફતાબ મળ્યા હતા. આ નવી ગર્લફ્રેન્ડ ઓકટોબરમાં બે વાર આફતાબના ઘરે આવી હતી. તેણે પોલીસને એવું પણ કહ્યું કે, આફતાબે 12 ઓક્ટોબરે તેને એક આર્ટીફિશિયલ રિંગ પણ આપી હતી. પોલીસે તેની પાસેથી આ રિંગ લઈ લીધી છે અને નિવેદન રેકોર્ડ કરી લીધું છે.
વ્યવસાયે સાઈકેટ્રિસ્ટ છે આફતાબની નવી પાર્ટનર
રિપોર્ટ્સ પ્રમાણે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાના મર્ડરના 12 દિવસ પછી 30 મેના રોજ બંને કોન્ટેક્ટમાં આવ્યા હતા. આફતાબની નવી પાર્ટનર સાઈકેટ્રિસ્ટ છે. તેણે પોલીસને જણાવ્યું કે, ઓક્ટોબરને તે બે વાર આફતાબના ઘરે ગઈ હતી. પરંતુ તેને એવું ના લાગ્યું કે, આ ઘરમાં કોઈનું મર્ડર થયું છે, ત્યાં કોઈ માનવ શરીરના ટૂકડા પડ્યાં છે.
તેણે એવું પણ કહ્યું કે, આફતાબને ક્યારેય ડરેલો નથી જોયો. આફતાબ ઘણી વાર તેના મુંબઈવાળા ઘરની વાત કરતો હતો.
આફતાબ પર હુમલામાં તેને કોઈ નુકસાન ના થયું
શ્રદ્ધા હત્યાકેસના આરોપી આફતાબને બચાવનાર પોલીસકર્મીઓને ઈનામ મળ્યું છે. દિલ્હી પોલીસ કમિશનરે વખાણ કરતા 10-10 હજાર રૂપિયા આપ્યા છે. આફતાબ પર હુમલા દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું તેને લઈ ખુશી વ્યક્ત કરી.
સોમવારે 4-5 લોકોએ રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની બહાર આફતાબને લઈ જતી પોલીસ વાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓના હાથમાં તલવારો હતી. પોલીસે આ હુમલાખોરોથી આફતાબને બચાવી લીધો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. 4ની શોધખોળ ચાલુ છે.
28 વર્ષીય આફતાબ શ્રદ્ધા હત્યાકેસમાં દોષિત છે. તેણે 18 મેના રોજ 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. બંને લિવ-ઈનમાં રહેતાં હતાં. તેણે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા.
શ્રદ્ધા હત્યાકેસમાં આજના અપડેટ્સ
આફતાબને ડર હતો કે શ્રદ્ધા તેને છોડી દેશે, તેથી તેની હત્યા કરી નાખી
દિલ્હી પોલીસનાં સૂત્રોએ મંગળવારે ભાસ્કરને જણાવ્યું હતું કે આફતાબની મારઝૂડથી શ્રદ્ધા પરેશાન હતી. તે તેને છોડવા માગતી હતી. 3-4 મેના રોજ શ્રદ્ધાએ અલગ રહેવાનો નિર્ણય લીધો હતો. આફતાબને આ વાત ગમી ન હતી. તેને લાગ્યું કે શ્રદ્ધા કોઈ બીજા સાથે ઈન્વોલ્વ થઈ જશે. આ પછી આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના ટુકડા કરી નાખ્યા.
શ્રદ્ધા હત્યાકેસમાં 5 પોઈન્ટમાં નવી માહિતી...
1. આફતાબે મે મહિનાથી ઓછું ખાવાનું ઓર્ડર કરવાનું શરૂ કર્યું હતું
પોલીસે આફતાબની ઇન્ટરનેટ હિસ્ટ્રી કાઢવા માટે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, ગૂગલ પે, પેટીએમ સહિતની ઘણી એપનો ડેટા માગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઝોમેટોએ માહિતી આપી છે કે આફતાબ પહેલાં બે લોકો માટે ફૂડ ઓર્ડર કરતો હતો, પરંતુ થોડા દિવસો પછી તેણે માત્ર એક જ વ્યક્તિ માટે ફૂડ ઓર્ડર કરવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ મુંબઈથી દિલ્હી શિફ્ટ થયાં હતાં. આફતાબે 10 દિવસ પછી એટલે કે 18મી મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી.
2. પેટીએમ અને ગૂગલ પેથી આફતાબના પેમેન્ટ્સની જાણકારી માગી
દિલ્હી પોલીસે ગૂગલ પે, પેટીએમથી આફતાબના પેમેન્ટની વિગતો માગી છે. અગાઉ, બમ્બલ ડેટિંગ એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતનાં અનેક પ્લેટફોર્મ પર લેટર લખીને આફતાબના એકાઉન્ટ્સની વિગતો માગી હતી. કેટલીક એપ્સે વિગતો પણ આપી છે. પોલીસને ગૂગલ બ્રાઉઝિંગની કેટલીક શંકાસ્પદ લિંક્સ મળી છે, જેને આફતાબ દ્વારા સર્ચ કરવામાં આવી હતી.
3. પૂછપરછ દરમિયાન આફતાબ ખૂબ જ કોન્ફિડેન્ટ છે
પોલીસ સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે આફતાબ પૂરછપરછ દરમિયાન ખૂબ જ કોન્ફિડેન્ટ છે. જ્યારે તેને પ્રશ્ન કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ ઝડપી અને રિલેક્સ થઈને જવાબ આપે છે. આનાથી એવું લાગે છે કે તે પહેલાંથી વિચારીને જવાબ આપે છે. પોલીસને એવી પણ શંકા છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મુંબઈ પોલીસ દ્વારા આફતાબને પૂરછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે શ્રદ્ધાના શરીરના કેટલાક ભાગો તેના દિલ્હીના ફ્લેટમાં હતા.
4. અત્યાર સુધીમાં 13 હાડકાં મળ્યાં, લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા
પોલીસે આફતાબની પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં 13 હાડકાં કબજે કર્યાં છે. શ્રદ્ધાના જડબા વિશે પણ માહિતી મળી છે. ગુરુગ્રામમાંથી કેટલાક બોડીપાર્ટ મળવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. આ સિવાય આફતાબના ઘરના બાથરૂમ, કિચન અને બેડરૂમમાંથી લોહીના ડાઘાનાં સેમ્પલ મળ્યાં છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
દિલ્હી પોલીસે જંગલ અને આફતાબના ફ્લેટમાંથી કેટલાંક હથિયારો પણ જપ્ત કર્યાં છે. જો કે, શ્રદ્ધાના શરીરને કયા હથિયારથી કાપવામાં આવ્યું હતું તે CFSL રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. આ કેસમાં આફતાબ અને શ્રદ્ધાને ફ્લેટ અપાવનાર બદ્રીની કોઈ શંકાસ્પદ ભૂમિકા હજુ સુધી જોવા મળી નથી. તેણે માત્ર ઘર બતાવ્યું હતું.
5. આફતાબ પર હુમલો, હુમલાખોરોએ કહ્યું- 70 ટુકડા કરવા આવ્યા છે
આફતાબની વેન પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. એક હુમલાખોરે કહ્યું કે 15 લોકો ગુરુગ્રામથી આવ્યા હતા અને સવારે 11 વાગ્યાથી FSL બહાર રાહ જોઈને બેઠા હતા. આ લોકો કારમાં ઘણી તલવારો અને હથોડા લઈને આવ્યા હતા. તેણે કહ્યું કે અમે અમારી બહેન અને દીકરીના 35 ટુકડા કરનાર આફતાબના 70 ટુકડા કરવા આવ્યા છીએ.
3 નવા દાવા પણ સામે આવ્યા...
1. મિત્રોને સંભળાવી બ્રેકઅપની કહાનીઃ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ મુંબઈમાં તેના મિત્રોને મળ્યો અને તેમને બ્રેકઅપની વાત કહી.
2. હત્યામાં અન્ય વ્યક્તિનું સમર્થનઃ શ્રદ્ધાની હત્યામાં આફતાબને એક વ્યક્તિએ ટેકો આપ્યો હતો. દિલ્હી પોલીસને શંકા છે કે આ વ્યક્તિએ પુરાવાનો નાશ કરવામાં પણ આફતાબની મદદ કરી હતી. હાલ પોલીસ આ અંગે માહિતી એકઠી કરી રહી છે. જોકે, તેણે આ થિયરી કયા આધારે બનાવી તે જાણી શકાયું નથી.
3. ડ્રગ પેડલર આફતાબને ડ્રગ્સ આપતો હતો: ગુજરાત પોલીસે ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. તેણે દાવો કર્યો છે કે તે આફતાબને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આફતાબે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો કે નહીં, આને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.