કેન્દ્ર સરકારે કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને વળતર આપવા માટે લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું ફંડ નક્કી કર્યું છે. એનડીએમએએ ગૃહમંત્રાલયને એક રિપોર્ટ આપ્યો છે જેમાં જણાવાયું છે કે આગામી 5 વર્ષ માટે તેની પાસે કેટલું ભંડોળ રહેશે. આ સાથે વળતરની રકમ નક્કી કરવાના દસ્તાવેજ પણ સોંપ્યા છે.
હકીકતમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે કોરોનાથી થતાં મૃત્યુ અંગે વળતર આપવામાં આવે. કેટલી રકમ અને કેવી રીતે અપાશે તેની માહિતી કોર્ટને 6 સપ્તાહમાં જણાવવામાં આવે. આ આદેશ પછી કેન્દ્રએ વળતરનું પેકેજ તૈયાર કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 4.30 લાખ લોકોના મોત નોંધાયા છે. સરકારે 5 લાખ મોતના હિસાબે ફંડની જોગવાઈ કરી છે.
દરેક મૃતકને ઓછામાં ઓછું 4 લાખનું વળતર આપવાની શક્યતા છે. કારણ કે આ રકમ 2014માં નક્કી થઈ હતી. એ રીતે ગણતરી કરતા 5 લાખ મોત માટે 20 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. જો કે આ રકમમાં ફેરફાર થઈ શકે છે.
એનડીએમએએ તેની નોંધમાં કહ્યું છે કે વળતરની રકમ એક સમાન હોવી જોઈએ. જે લોકોએ 5 લાખ કે તેથી વધુનો વીમો કરાવ્યો હતો તેમને વળતર મળી રહ્યું છે આથી તેમને નવા વળતરમાંથી બહાર રાખવામાં આવે તેવી શક્યતા છે. વળતર અંગેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.