વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાનાયક કોમોડોર કાસરગોડ પટનાશેટ્ટી ગોપાલ રાવનું રવિવારે ચેન્નઈમાં અવસાન થયું છે. 94 વર્ષના કોમોડોર રાવે પાકિસ્તાનના કબ્જા હેઠળના પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્રતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે આજે બાંગ્લાદેશના નામથી ઓળખવામાં આવે છે.
રાવે નૌકાદળના પશ્ચિમી કાફલાના એક નાના સમૂહનું નેતૃત્વ કર્યું હતું. તેમણે વર્ષ 1971ની લડાઈમાં કરાચી પોર્ટ પર હુમલો કર્યો હતો. રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાવ વધારે ઉંમરને લગતી બિમારીથી પીડિત હતા. તેમના પરિવારમાં 88 વર્ષિય પત્ની રાધા, બે દિકરી તારા અને સવિતા તથા એક દિકરો વિનય છે. રાવને દેશના બીજુ સૌથી મોટું સન્માન મહાવીર ચક્ર અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના સમુદ્રી ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા રાવ
કોમોડોર ગોપાલ રાવ હવાઈ, જમીન અને સબમરીનથી હુમલાના જોખમ વચ્ચે 4 ડિસેમ્બર,1971ની રાત્રે તેમની ટૂકડી સાથે પાકિસ્તાનના સમુદ્રી ક્ષેત્રમાં ઘુસી ગયા હતા. ત્યારબાદ તેમણે પોતાના સાથીઓ સાથે મળી દુશ્મન દેશના 2 ડેસ્ટ્રોયર યુદ્ધજહાજ અને એક માઈનસ્વીપરને ડૂબાડી દીધી હતી. ત્યારબાદ કમાન્ડર રાવની ટૂકડીએ કરાચી પોર્ટ પર ઓઈલના ટેન્કરો પર મોટાપાયે બોમ્બમારો કરી દુશ્મનો વચ્ચે ભારે ખુવારી સર્જી હતી.
4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે નેવી ડે
13 નવેમ્બર,1926ના રોજ મેંગ્લોરમાં જન્મેલા કોમોડોર રાવ 21 એપ્રિલ 1950ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ થયા હતા. રાવ પૂર્વી નૌકાદળની કમાનમાં INS કિલ્ટનના કમાન્ડિંગ ઓફિસર હતા.જોકે, પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ થયું તે સાથે જ તે સમયના નૌકાદળના વડા એડમિરલ એસએમ નંદાએ રાવને વ્યક્તિગત રીતે પાકિસ્તાન સામે ઓપરેશન ટ્રાઈડેન્ટના નૈતૃત્વ માટે પશ્ચિમી નૌકાદળની કમાનમાં સામેલ કરવા નિયુક્ત કર્યાં હતા.
યુદ્ધ સમયે રાવ બે અર્નાલા-શ્રેણીની સબમરીન રોધી દલ INS કિલ્ટન અને INS કચ્છલના કમાન્ડર હતા, જેમણે 4 ડિસેમ્બર,1971ના રોજ ઓપરેશન ટ્રાઈડેન્ટ સમયે કરાચી હાર્બર પર હુમલો કરવામાં આવ્યો હતો. તે દિવસને હવે નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરના રોજ જ રાવના પિતાનું અવસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.