ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનો કેર જારી છે. જોકે, જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ અટકતા સોમવારથી આકાશ સ્વચ્છ થઈ ગયું હતું. આ કારણસર ત્રણ દિવસથી બંધ રેલવે અને હવાઈસેવા શરૂ થઈ ગઈ છે. 28 ફ્લાઈટ્સના એરપોર્ટ પર ફસાયેલા પ્રવાસીઓને રાહત મળી છે.
કાશ્મીરના મોટા ભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન શૂન્ય નીચે જતું રહ્યું છે, જ્યારે ગુલમર્ગમાં પારો માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. આ ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને પગલે પહાડી વિસ્તારોના માર્ગ બંધ કરાયા છે. બીજી તરફ, ઉત્તર ભારતની હિમવર્ષાને પગલે ગુજરાત સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે.
પૂર્વ ભારતમાં 13 દિવસ સુધી ભારે વરસાદની સાથે ધુમ્મસ છવાશે
હવામાન વિભાગે કહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ત્રણથી ચાર દિવસ શીતલહેરની શક્યતા છે. 13 જાન્યુઆરી સુધી પૂર્વીય ક્ષેત્રોમાં વરસાદ અને ધુમ્મસ છવાયેલું રહેશે. બિહાર, ઝારખંડ અને બંગાળમાં તો કરા પણ પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.