સંત શ્રી ગુરુ રવિદાસની આજે જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે સંત રવિદાસ મહારાજની જન્મભૂમિ પર રાજકીય દિગ્ગજો પહોંચી રહ્યા છે. પંજાબના સીએમ બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંતના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ રવિદાસ મંદિરે પહોંચ્યાં હતાં. રાહુલ અને પ્રિયંકાએ માથું ટેકવ્યું હતું. રાહુલ ગાંધીએ પ્રસાદ પણ વહેંચ્યો હતો.
CM યોગીએ સંત રવિદાસ મંદિર પહોંચ્યા બાદ સંત શિરોમણિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ બાદ લંગર અર્પણ કર્યું હતું. સીએમ યોગી પહેલાં પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની શિરગોવર્ધનપુર મંદિરે પહોંચ્યા હતા.
સીએમ યોગીએ શુભેચ્છા પાઠવી હતી
દર્શન કર્યાં બાદ મીડિયા સાથે વાત કરતાં મુખ્યમંત્રીએ સૌને રવિદાસ જયંતીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર અહીંનાં વિકાસકાર્યો માટે પ્રતિબદ્ધ છે. આ પહેલાં સીએમ યોગીએ એક પછી એક અનેક ટ્વીટ કર્યાં અને તેમના આગમનની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું છે કે “આજે હું વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે આદરણીય સંત શિરોમણિ ગુરુ રવિદાસ જી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છું. આનિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને આદરણીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભાજપની ડબલ એન્જિન સરકાર તેમના પવિત્ર જન્મસ્થળના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે".
પંજાબના CMએ પણ માથું ટેકવ્યું હતું
બુધવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની સવારે સૌથી પહેલા સંત શિરોમણિ ખાતે પહોંચ્યા હતા. તેમણે સંત રવિદાસ મહારાજના મંદિરે દર્શન કર્યાં હતાં. આ પછી સંત નિરંજન દાસના આશીર્વાદ લઈને તેમણે સદગુરુ મહારાજના અનુયાયીઓ પાસેથી અમૃતવાણી સાંભળી હતી. આ પહેલાં તેઓ શ્રીકાશી વિશ્વનાથના દરબારમાં પણ ગયા હતા. બપોરે રાહુલ-પ્રિયંકા ગાંધી પણ પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત અનેક રાજકીય હસ્તીઓ પણ આજે શિરગોવર્ધનપુર પહોંચશે.
ધ્વજારોહણ સાથે સંત રવિદાસ મહારાજના દીપોત્સવનો પ્રારંભ થયો હતો. સંત નિરંજન દાસ દેશભરમાંથી આવેલા રૈદાસી સમાજના લોકો દિવસભર સત્સંગ સાંભળશે અને લંગરમાં જશે. સંત રવિદાસ મહારાજની જન્મજયંતીમાં હાજરી આપવા માટે રૈદાસી સમાજના લોકો પંજાબથી બે ટ્રેન અને 200થી વધુ ફોર-વ્હીલર દ્વારા શિરગોવર્ધનપુર આવ્યા છે.
ઉત્તરપ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય દિગ્ગજો માટે પણ આ વખતે સંત રવિદાસ મહારાજની જન્મજયંતી મહત્ત્વની બની ગઈ છે. પંજાબના રૈદાસી સમાજના 15 લાખથી વધુ મતદારો છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દેશનાં અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં સંત રવિદાસ મહારાજના અનુયાયીઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.