યુપીમાં કોઈ પક્ષ ફરી સત્તામાં નથી આવતો... હું આ રેકોર્ડ તોડી દઈશ. આ શબ્દ છે યોગી આદિત્યનાથના. ચૂંટણી દરમિયાન એક ટીવી ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કહી હતી. એવું થયું પણ ખરું. યુપીમાં ભાજપની પૂર્ણ બહુમતી વાળી સરકાર બની છે. આ 37 વર્ષ પછી થયું છે. આ પહેલાં 1980 અને 1985માં કોંગ્રેસે સતત બે વાર પૂર્ણ બહુમતની સરકાર યુપીમાં બનાવી હતી.
યોગીએ માત્ર આ જ નહીં પરંતુ યુપીમાં ઘણાં દાયકાઓથી ચાલતા ભ્રમને બુલડોઝરથી રગદોળી દીધા છે. તો ચલો અમે આજે તમને જણાવીએ કે, બીજી વાર મુખ્યમંત્રી બનનાર યોગીએ રાજનીતિના અત્યાર સુધીના કયા ભ્રમ તોડ્યા છે...
નોઈડા પણ ગયા અને આગ્રાના સર્કિટહાઉસમાં પણ રોકાયા
યુપીમાં એવું માનવામાં આવે છે કે જે મુખ્યમંત્રી નોઈડાની મુલાકાત લે છે તેઓ કદી ફરી સત્તામાં આવતા નથી. યોગી જ્યારે નોઈડા ગયા ત્યારે તેમને આ વિશે ઘણા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે તેમણે એક જ જવાબ આપ્યો હતો કે તેઓ આવી વાતોમાં વિશ્વાસ નથી રાખતા અને ત્યાર પછી યોગી એકવાર નહીં, વારંવાર નોઈડા ગયા હતા. નોઈડા જવાની સાથે તેમણે આગ્રા સર્કિટ હાઉસમાં રોકાવાની વાતને પણ અપશુકનિયાળ નહોતી માની. નોઈડા તેઓ પહેલીવાર 23 સપ્ટેમ્બર 2017માં બોટનિકલ ગાર્ડન કાલકાજી મેજેન્ટા મેટ્રોલાઈનનું ઉદઘાટન માટે પીએમ મોદીની યાત્રા પહેલાં ગયા હતા. ત્યાર પછી તેઓ ત્યાં ઘણી વાર ગયા હતા.
આગ્રા સર્કિટહાઉસ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા પણ તોડી
2018માં યોગી આગ્રા સર્કિટહાઉસમાં રોકાયા હતા. તેમની પહેલાં 16 વર્ષ સુધી આ સર્કિટહાઉસમાં કોઈ મુખ્યમંત્રી રોકાયા નથી. આ સર્કિટહાઉસને અપશુકનિયાળ ત્યારથી માનવામાં આવે છે જ્યારે રાજનાથ સિંહ આગ્રા સર્કિટહાઉસમાં રોકાયા અને ત્યાર પછી તેમણે સત્તા ગુમાવી હતી. ત્યાર પછીથી આગ્રા સર્કિટહાઉસને લઈને મુખ્યમંત્રીઓમાં એવો ડર ઘૂસી ગયો હતો કે રાજનાથ સિંહ પછી મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવે પણ આ સર્કિટહાઉસમાં રોકાવાની હિંમત નહોતી કરી.
સત્તામાં પરત પણ આવ્યા અને એક્સપ્રેસ-વેનો ડર પણ દૂર થયો
1985થી યુપીના રાજકારણમાં એક મિથ્યા એવું પણ છે કે જે પક્ષ એકવાર સત્તામાં આવે તે બીજીવાર સત્તા પર આવી શકતા નથી. 10 માર્ચે પરિણામ આવ્યા પછી ભાજપ અને સીએમ યોગીએ બંનેએ આ મિથ્યાને તોડી દીધું છે. દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં 1985 પછી એકપણવાર કોઈ સીએમ રિપીટ નથી થયા. એ મિથ્યા પણ આજે તૂટી ગયું.
આવું જ કંઈક એક્સપ્રેસ-વેની શરૂઆત વિશે પણ કહેવામાં આવે છે. એક્સપ્રેસ-વેની શરૂઆત વિશે એવું માનવામાં આવે છે કે જેણે એની શરૂઆત કરી હોય તેઓ કદી સત્તામાં પરત નથી આવ્યા નહિ. 2002માં માયાવતીએ તાજ એક્સપ્રેસ-વેની શરૂઆત કરી અને શિલાન્યાસ પછી તેમની સરકાર જતી રહી. ત્યાર પછી આગ્રા એક્સપ્રેસ-વેની શરૂઆત કરનાર અખિલેશ યાદવ પણ સત્તામાં પરત નથી આવ્યા, પરંતુ ચૂંટણીની પહેલાં જ સીએમ યોગી આદિત્યનાથે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની શરૂઆત કરી હતી અને આજે તેઓ ફરી એકવાર સત્તા પર આવ્યા છે.
હસ્તિનાપુર અને કાસગંજની કહાની પણ યથાવત્
યુપીની હસ્તિનાપુર વિધાનસભા સીટ વિશે ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરનો ઈતિહાસ પણ ખૂબ રસપ્રદ છે. મેરઠ જિલ્લાની હસ્તિનાપુર સીટ વિશે એવું કહેવાય છે કે જે પાર્ટીના નેતા આ સીટ પરથી જીતે છે રાજ્યમાં તેની જ સરકાર બને છે. આ રેકોર્ડ આ વખતે યથાવત્ દેખાય છે. આ સીટ પરથી બીજેપી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ જ રીતે કાસગંજ વિધાનસભા સીટ વિશે પણ કહેવામાં આવે છે કે છેલ્લાં 17 વર્ષથી 14 ચૂંટણીમાં જે પક્ષનો ઉમેદવાર જીતે તેની જ રાજ્યમાં સરકાર બને છે. અત્યારસુધી આ સીટના બીજેપી ઉમેદવાર અન્ય ઉમેદવારો કરતાં આગળ છે.
યુપીમાં BJP 37 વર્ષ જૂનો કોંગ્રેસનો રેકોર્ડ તોડશે
ઉત્તરપ્રદેશમાં બીજેપીની સરકાર બની રહી છે. ઉત્તરપ્રદેશમાં બીજેપીએ 37 વર્ષ જૂનો કોંગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસં 1980માં અને 1985માં વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી, પરંતુ ત્યાર પછી રાજ્યમાં કદી કોંગ્રેસની સરકાર બની નથી.
ઈમર્જન્સી પછી 1977માં યુપીમાં જ્યારે વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. તેને માત્ર 47 સીટ મળી હતી. જનતા પાર્ટીને 425માંથી 352 સીટ મળી હતી. એ સમયે યુપીમાં 425 વિધાનસભા સીટો હતી. જોકે જનતા પાર્ટીની સરકારમાં અસ્થિરતા વધારે હતી. પરિણામે, 1980માં યુપીની વિધાનસભા ભંગ કરવામાં આવી અને રાષ્ટ્રપતિશાસન લગાવાયું.
1980માં વિધાનસભા ચૂંટણી થઈ અને કોંગ્રેસે 425માંથી 309 સીટ પર શાનદાર જીત મેળવી. વિપક્ષ સવાસો સીટ પણ ના જીતી શકી. આ જ ટ્રેન્ડ 1985માં પણ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ 269 સીટો જીતીને ફરી સત્તામાં આવી હતી.
1985 પછી કોઈ સરકાર રિપીટ નથી થઈ
1985 પછી એવું કદી નથી થયું કે અહીં સરકાર રિપીટ થઈ હોય. 1989માં જ્યારે યુપીમાં ચૂંટણી થઈ ત્યારે જનતા દળની સરકાર બની અને મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા હતા. કોંગ્રેસના જતા જ રાજ્યમાં અસ્થિરતા શરૂ થઈ હતી. સ્થિતિ એવી રહી કે 1989થી 2002 સુધી 8 મુખ્યમંત્રી બદલાઈ ગયા અને બેવાર રાષ્ટ્રપતિશાસન લગાવાયું હતું.
2002ની ચૂંટણી પછી રાજ્યમાં ફરી અસ્થિરતા પરત આવી. 2002ની ચૂંટણીમાં જૂની વાતો ભૂલી માયાવતી અને મુલાયમ સિંય યાદવ સાથે આવ્યા અને સપા-બસપા ગઠબંધનની સરકાર બનાવી. ત્યાર પછી 2007માં બીએસપી અને 2021માં સમાજવાદી પાર્ટીએ બહુમતીની સરકાર બનાવી હતી.
યુપીમાં 60 વર્ષમાં કોઈ મુખ્યમંત્રી રિપીટ નથી થયા
રાજ્યના રાજકારણનો ઈતિહાસ જોઈએ તો ખ્યાલ આવશે કે છેલ્લા છ દાયકામાં કોઈપણ મુખ્યમંત્રી અહીં તેમની ખુરશી બચાવી શક્યા નથી, એટલે કે ચૂંટણી પછી કોઈ મુખ્યમંત્રી સતત બીજી વખત સત્તામાં આવ્યા નથી, પરંતુ યોગી આદિત્યનાથ આ રેકોર્ડ પણ તોડ્યો છે. યુપીમાં ફરી બીજેપીની સરકાર બની છે. બીજેપીએ જોકે ચૂંટણી પહેલાં અહીં કોઈ મુખ્યમંત્રી ઉમેદવારની જાહેરાત કરી નહોતી, પરંતુ અહીં બીજેપી માટે યોગી સિવાય કોઈ અન્ય વિકલ્પ પણ હતો નથી. પરિણામે, યુપીમાં બીજેપીની સરકાર બન્યા પછી યોગી આદિત્યનાથને જ અહીં ફરી વખત મુખ્યમંત્રી બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.