તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cloud Bursts In Ganderbal, Kashmir; Yellow Alert In 14 Districts Of Bihar, MP Warns Of Heavy Rains From July 17

વરસાદનો કહેર:કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભારે વરસાદ; બિહારના 14 જિલ્લામાં યલો અલર્ટ, MPમાં 17 જુલાઈથી ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • જમ્મુ-કાશ્મીરમાં પણ વાદળ ફાટવાથી લોકોનાં ઘરોમાં પાણી ફરી વળ્યાં
  • રવિવારે વીજળી પડવાને કારણે ત્રણ રાજ્યમાં 68 લોકોનાં મોત નીપજ્યાં

લગભગ એક મહિના સુધી શાંત રહેલું ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં એક કે બે દિવસથી અટકી-અટકીને વરસાદ ચાલુ છે, તો મધ્યપ્રદેશમાં 17 જુલાઇથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે મધ્ય કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં. ઘણી દુકાનો અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના પછી J&K વહીવટી તંત્રે રાત્રે જ રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. વહીવટીતંત્રનું કહેવું છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે કહેર વરસાવ્યો છે. ધર્મશાલા અને રાજધાની શિમલા સહિ‌ત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. શિમલામાં ભારે વરસાદ બાદ ઝાકરી અને રામપુરથી પસાર થતો નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો. બિહારના 14 જિલ્લામાં ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 7.5થી 15 મીમી સુધી વરસાદ પડી શકે છે.

રવિવારે વીજળી પડવાને કારણે ત્રણ રાજ્યમાં 68 લોકોનાં મોત નીપજ્યાં હતાં. UPમાં 37 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 22 લોકો સળગી ગયા હતા, રાજસ્થાનમાં 20 લોકોનાં મોત નીપજ્યાં અને 35 લોકો સળગી ગયા હતા. જ્યારે, મધ્યપ્રદેશમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 13 લોકો સળગી ગયા હતા. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ધર્મશાલામાં વરસાદે મચાવી તબાહી
હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં સોમવારે મુશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. ભાગસૂનાગમાં પૂર આવવાને કારણે પાણીનું ભારે વહેણ રસ્તા પર ફરી વળ્યું હતું, જેમાં પાર્ક કરેલાં અનેક વાહનો તણાઇ ગયાં હતાં. આ ઘટનાને કારણે લોકો ભારે ભયભીત થયા હતા. કુલુ જિલ્લામાં પણ ચોમાસાનો પ્રથમ મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું.

ધર્મશાલામાં ભારે વરસાદને કારણે પૂરે તબાહી મચાવી હતી, અનેક વાહનો પાણીમાં તણાયાં હતાં.
ધર્મશાલામાં ભારે વરસાદને કારણે પૂરે તબાહી મચાવી હતી, અનેક વાહનો પાણીમાં તણાયાં હતાં.

હિમાચલમાં ઘણાં સ્થળોએ થયો ટ્રાફિકજામ
હિમાચલના પર્યટન સ્થળ ભાગસૂનાગમાં અનેક વાહનો તણાયાં હતાં. મંડી-પઠાણકોટ હાઇવે પર રાજોલમાં ગજ ખડ્ડ પરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે, તેથી અહીં ટ્રાફિકજામ થઈ ગયો છે. રામપુર નજીક ઝાકરીમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે મોડી રાત્રે બંધ કરાયો હતો. એ સોમવારે સવારે ખોલવામાં આવ્યો હતો.

શિમલામાં વરસાદને કારણે તૂટી ગયેલા રસ્તા પરથી કાટમાળ હટાવતા સરકારી કર્મચારી.
શિમલામાં વરસાદને કારણે તૂટી ગયેલા રસ્તા પરથી કાટમાળ હટાવતા સરકારી કર્મચારી.

બિહાર: ઘણા જિલ્લામાં વીજળી પડવાનું અલર્ટ
હવામાન વિભાગે પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બિહારના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વીજળી પડવાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, 24થી 48 કલાકની અંદર, બિહારના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ જિલ્લાઓમાં 17 મિમી, પૂર્વ-પશ્ચિમ ચંપારણમાં 65 મિમી, પટના, ગયા, નાલંદા, બેગુસરાય સહિતના 14 જિલ્લામાં 3થી 12 મિમી સુધી ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજસ્થાન: જયપુરમાં એક કલાકની અંદર 2 ઇંચ વરસાદ
રાજસ્થાનમાં ચોમાસું ફરીથી સક્રિય હોવાની સાથે રવિવારે જયપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. સાંજે એક જ કલાકમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળી હતી. જયપુરમાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજળીના તાર તૂટ્યા હતા, જે કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘણા કલાકો સુધી અંધારપટ રહ્યો હતો.

જયપુરના SMS સ્ટેડિયમ ખાતે લગાવાયેલી અર્જુનની પ્રતિમા, ફોટો જોઈને એવું લાગી રહ્યું છે જાણે કે અર્જુને તીર ચલાવવા માટે ધનુષ ઉઠાવ્યું, સમગ્ર આકાશ વીજળીના કડાકાથી ચમકી ઊઠ્યું.
જયપુરના SMS સ્ટેડિયમ ખાતે લગાવાયેલી અર્જુનની પ્રતિમા, ફોટો જોઈને એવું લાગી રહ્યું છે જાણે કે અર્જુને તીર ચલાવવા માટે ધનુષ ઉઠાવ્યું, સમગ્ર આકાશ વીજળીના કડાકાથી ચમકી ઊઠ્યું.
જયપુરના મોટા ચોપડ વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું.
જયપુરના મોટા ચોપડ વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું.

મધ્યપ્રદેશ: ચોમાસું જૂનના બીજા અઠવાડિયામાં સક્રિય થઈ ગયું
MPમાં ચોમાસું શનિવારે ફરીથી સક્રિય મોન્સૂન ભોપાલ પહોંચ્યું હતું અને બપોરે 3.30 વાગ્યાથી વરસાદ પડ્યો હતો. આ વખતે ચોમાસાએ જૂનના બીજા અઠવાડિયામાં જ મધ્યપ્રદેશમાં આગમન કર્યું હતું. પહેલા કેટલાક દિવસોમાં ચોમાસાએ આખા રાજ્યને આવરી લીધું હતું, પરંતુ એ પછી વરસાદ વરસ્યો ન હતો.

પંજાબ: વરસાદ બાદ તપમાનમાં ઘટાડો
પંજાબમાં અમૃતસર સહિત અનેક જિલ્લાઓમાં રવિવારે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમૃતસરમાં પારો 6.3 ડીગ્રી ગગડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહે પણ આવું જ વાતાવરણ રહેશે. શુક્રવાર સુધીમાં દરરોજ વરસાદ પડતો રહેશે, વાદળછાયું વાતાવરણ બની રહેશે.

પંજાબમાં અમૃતસરમાં વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું.
પંજાબમાં અમૃતસરમાં વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું.

હરિયાણા: હિસારમાં વરસાદ પડ્યો, અંબાલામાં ત્રીજી વખત આગાહી નિષ્ફળ
હિસારમાં રવિવારે મોડી રાત્રે વરસાદ પડ્યા બાદ લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, જ્યારે અંબાલામાં 6 દિવસની અંદર ત્રીજી વખત હવામાન વિભાગની આગાહી નિષ્ફળ જણાઈ છે. હિસારમાં રવિવારે મહત્તમ તાપમાન 40 અને લઘુતમ તાપમાન 30 ડીગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે અંબાલામાં મહત્તમ તાપમાન 37.6 ડીગ્રી નોંધાયું હતું.