મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં રવિવારે રસ્તામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. શરૂઆતની તપાસમાં માહિતી મળી છે કે બળદગાડીની રેસને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને લડાઈ પણ થઈ હતી. ત્યાર પછી 15-20 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. તેમાં કોઈ ઘાયલ થયાની માહિતી નથી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ક્લિપમાં દેખાઈ રહેલું છે કે કેટલાક લોકો ગાડીની આજુબાજુ ઊભેલા છે, ત્યારે સામેની તરફથી અચાનક ગોળીબારી કરવામાં આવે છે. આ દરમિયાન રસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. જેમ જેમ ગોળીબાર ચાલુ રહ્યો એમ કેટલાક લોકો કવર માટે વાહનોની પાછળ દોડે છે, જ્યારે અન્ય લોકો પાર્ક કરેલી કારની પાછળ સંતાવાનો પ્રયાસ કરે છે.
પહેલા બોલચાલ, પછી ગોળીબાર
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના થાણે જિલ્લાના અંબરનાથમાં બળદગાડાની રેસ દરમિયાન થઈ, જ્યારે બે વ્યક્તિ પનવેલનો પંઢરીશેઠ ફડકે અને કલ્યાણના રાહુલ પાટીલ વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યાર પછી બંને જૂથ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન એક જૂથે બીજા જૂથ પર ફાયરિંગ શરૂ કર્યું. રાહુલ પાટીલનો આરોપ છે કે ફડકેના સમર્થકોએ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી હતી.
આરોપીઓની શોધખોળ શરૂ
ઘટનાની સૂચના મળતાં જ શિવાજીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં સુધી લોકો ત્યાંથી નીકળી ચૂક્યા હતા. થોડા સમય પછી રાહુલ પાટીલના સમર્થકો ઘટનાસ્થળે જમા થઈ ગયા, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસના આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને શોધવા માટે 8થી 10 ટીમ મોકલવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.