જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ છે. તે પોતાને પીએમઓનો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.
અન્ય ત્રણ લોકો કાશ્મીર છોડીને ભાગી ગયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતનો ઠગ કિરણ પટેલની આગેવાનીમાં 'ઓફિશિયલ ટીમ' હોવાનું નાટક કરી રહેલા ત્રણ લોકો કાશ્મીર છોડીને ભાગી ગયા છે. જો કે, પોલીસે આ મહિનાની શરૂઆતમાં માસ્ટર માઈન્ડ 'સિનિયર પીએમઓ ઓફિશિયલ'ની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. ઠગ કિરણ પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરમાં બે પ્રવાસ દરમિયાન અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી.
વધુ બે ગુજરાતીઓ સામેલ હોવાનો ઘટસ્ફોટ
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના અમિત હિતેશ પંડ્યા અને જય સીતાપરા અને રાજસ્થાનનો ત્રિલોકસિંહ શ્રીનગરની એક ફાઈવ સ્ટાર હોટલમાં કિરણ પટેલ સાથે રોકાયા હતા. જ્યાં તેમણે પીએમઓની 'ઓફિશિયલ ટીમ' તરીકેની ઓળખ આપી હતી.
કિરણ પટેલની 10 દિવસ પહેલાં કરાઈ હતી ધરપકડ
પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં રણનીતિ અને અભિયાનોના ચાર્જમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપનાર કિરણ પટેલની લગભગ 10 દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમની ધરપકડ ગુપ્ત રાખી હતી. ગુરુવારે મેજિસ્ટ્રેટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ આ મામલો સામે આવ્યો હતો. જો કે, તે સ્પષ્ટ નથી કે તેની ધરપકડના દિવસે એફઆઈઆર નોંધવામાં આવી હતી કે તે નોંધવામાં થોડો વિલંબ થયો હતો.
પીએચડી ડિગ્રી મેળવી છે
ઠગએ પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તેણે પીએચડી કર્યું છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.
ગુપ્તચર એજન્સીના એલર્ટ બાદ ધરપકડ કરવામાં આવી
NDTVના રિપોર્ટ અનુસાર, કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેણે દૂધપથરીને પર્યટન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેવો તે ફરીથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કિરણ પટેલ પર આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Z+ સિક્યોરિટી બાબતના અન્ય સમાચાર પણ વાંચો
1. મુકેશ અંબાણી પરિવાર માટે વિદેશમાં પણ Z+ સુરક્ષા: સુપ્રીમ કોર્ટે કહ્યું- ખર્ચ જાતે જ ચૂકવવો પડશે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભારતની સાથે વિદેશમાં પણ Z+ કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવશે. અત્યાર સુધી આ સુરક્ષાનો ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય આપતું હતું, પરંતુ હવે તેનો ખર્ચ અંબાણી પરિવાર ચૂકવશે. આ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. Z+ કેટેગરીની સુરક્ષા પર વ્યક્તિ દીઠ દર મહિને 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.