CJI ડીવાય ચંદ્રચૂડે શુક્રવારે ફૂલ કોર્ટ મીટિંગમાં લેવાયેલા મુખ્ય નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે સુપ્રીમ કોર્ટની દરેક બેન્ચ દરરોજ 10 જામીન અરજી અને 10 ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરશે. CJI ચંદ્રચૂડે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર પિટિશનના 13 હજાર કેસ પેન્ડિંગ છે.
CJI ડીવાય ચંદ્રચૂડ માસ્ટર ઓફ રોસ્ટર
ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, જે કોર્ટમાં સુનાવણી માટે આવતા કેસોની લિસ્ટિંગ કરે છે, તેથી જ તેમને માસ્ટર ઓફ રોસ્ટર કહેવામાં આવે છે. જસ્ટિસ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના 50મા CJI છે. તેમણે ભૂતપૂર્વ CJI યુયુ લલિતની નિવૃત્તિ પછી 9 નવેમ્બરથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે.
વિન્ટર વેકેશન પહેલાં તમામ ટ્રાન્સફર પિટિશનનો અંત લાવવાની સ્ટ્રેટેજી
CJIએ કહ્યું હતું કે "ફૂલ કોર્ટની બેઠક પછી અમે નિર્ણય લીધો છે કે અમે દરરોજ 10 ટ્રાન્સફર પિટિશન પર સુનાવણી કરીશું. હાલમાં અમારી પાસે 13 બેન્ચ કામગીરી કરી રહી છે. એનો અર્થ એ કે દરરોજ 130 કેસ અને દર અઠવાડિયે લગભગ 650 કેસનો નિકાલ થઈ શકે છે. આ રીતે તમામ ટ્રાન્સફર પિટિશન શિયાળાના વેકેશન પહેલાં એટલે કે 5 અઠવાડિયાં પછી સમાપ્ત થઈ જશે.
દરરોજ 10 જામીનના કેસનો પણ નિકાલ કરાશે
માસ્ટર ઓફ રોસ્ટર CJIએ કહ્યું હતું કે "મેં એ પણ નિર્દેશ આપ્યો છે કે અમે જામીનની બાબતોને પણ પ્રાથમિકતા આપીશું. તેથી દરરોજ 10 ટ્રાન્સફર પિટિશન પછી 10 જામીન અરજી પર પણ સુનાવણી થશે, કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. પછી અમે નિયમિત રીતે કામ કરીશું."
સપ્લિમેન્ટરી બોર્ડનું ભારણ ઓછો કરવાનો પ્રયાસ
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે બેઠકમાં હાજર ન્યાયાધીશોએ તેમને સપ્લિમેન્ટરી બોર્ડ એટલે એક્સ્ટ્રા વર્ક લોડ નહીં આપવાની અપીલ કરી છે, કારણે કે ન્યાયાધીશ સવારથી 12 વાગ્યા સુધી લિસ્ટેડ કેસની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યાર બાદ તેમની પાસે વધુ 10 કેસ મોકલવામાં આવે છે, તેથી તેઓ સપ્લિમેન્ટરી બોર્ડ પર ભાર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
74 દિવસમાં પૂર્વ CJI યુયુ લલિતે 10 હજાર કેસનો નિકાલ કર્યો
જસ્ટિસ ચંદ્રચૂડની પહેલા પૂર્વ જસ્ટિસ યુયુ લલિતે તેમના કાર્યકાળના અંતિમ દિવસે કહ્યું હતું કે તેમણે તેમના કાર્યકાળની શરૂઆતથી લઈ 8 નવેમ્બર સુધી 10 હજારથી વધુ કેસોનો નિકાલ કર્યો છે. આ સિવાય તેમણે 13 હજારથી વધુ કેસોની સુનાવણી કરી છે, જેમાં લાંબા સમયથી કેટલીક ખામીઓ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.