ભારતમાં બનતી તમામ પ્રકારની બીડી અને સિગારેટ કેટલાં ખતરનાક રસાયણો ધરાવે છે તે કોઈ નથી જાણતું. અહીં તેની તપાસ કરવાની પણ વ્યવસ્થા નથી. દુનિયાના અનેક દેશો સિગારેટમાંથી નિકોટિન ઘટાડીને મોત રોકવાની વ્યૂહનીતિ તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતમાં આ સ્થિતિ છે.
ઉદાહરણ તરીકે, અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ (એફસીટીસી)નું સભ્ય પણ નથી, પરંતુ સિગારેટમાં નિકોટિનનું પ્રમાણ નક્કી કરવાની નીતિ બનાવી રહ્યું છે. બીજી તરફ, ભારત એફટીટીસીનું સભ્ય હોવા છતાં આ દિશામાં આગળ નથી વધતું. આ કારણસર જ સિગારેટ-બીડી બનાવતી કંપનીઓ મનમાની કરી રહી છે. પરંતુ હવે સરકારે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (કોટપા)માં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
આ કાયદા હેઠળ કંપનીઓએ સિગારેટના પેકેટ પર તેમાં મોજુદ ખતરનાક રસાયણોનો ઉલ્લેખ કરવો પડશે અને એ પણ કહેવું પડશે કે, તે રસાયણો કેટલા પ્રમાણમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીના મતે, સિગારેટમાં ખતરનાક રસાયણોની તપાસ માટે ત્રણ વિશ્વ સ્તરીય લેબ તૈયાર કરાઈ છે અને એક સમિતિની પણ રચના કરાશે. તે સમિતિ નક્કી કરશે કે, આ રસાયણોની તપાસ કેવી રીતે કરાય. એવું કહેવાય છે કે, આગામી બે-ત્રણ મહિનામાં તપાસની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર તૈયાર કરી દેવાશે.
સિગારેટમાં જેટલું નિકોટિન ઘટશે, એટલાં મોત પણ ઘટશે
અમેરિકામાં ધુમ્રપાનના કારણે દર વર્ષે 4.8 લાખ લોકોના મોત થાય છે. તેનું મુખ્ય કારણ નિકોટિનનું ઊંચું પ્રમાણ છે. અમેરિકા હવે ઓછું નિકોટિન ધરાવતી સિગારેટ બજારમાં મૂકવાની નીતિ બનાવી રહ્યું છે. મે 2023 સુધી નવી નીતિ પણ લાગુ થઈ જશે. ખાસ વાત એ છે કે, સિગારેટમાં નિકોટિનનું પ્રમાણ 95% સુધી ઘટાડવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. અમેરિકન માને છે કે આ રીતે ધુમ્રપાનથી થતાં મોત પણ 95% સુધી ઘટી શકે છે.
કાયદામાં ફેરફાર પછી જ કંપનીઓ પર દબાણ લાવી શકાશે
તંબાકુ નિષેધ વિષય પર કામ કરતા અને ડબલ્યુએચઓનો પુરસ્કાર મેળવી ચૂકેલા ડૉ. એસ. કે. અરોરાનું કહેવું છે કે, કાયદામાં ફેરફાર જરૂરી છે. ત્યાર પછી જ કંપનીઓ પર દબાણ આવશે અને તેમણે વિવિધ ઉત્પાદનોમાં ખતરનાક રસાયણો જાહેર કરવા પડશે. કંપનીઓ દ્વારા કરાતા દાવાની પણ તપાસ થઈ શકશે. સિગારેટ-બીડીમાં નિકોટિન સહિત આશરે સાત હજાર પ્રકારના રસાયણ હોય છે. તેમાં 200 પ્રકારના ટોક્સિન પણ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.