ભોપાલ:ચાવાળાનો દીકરો IITમાં સિલેક્ટ, ગ્રેજ્યુએટ થયા પછી અનમોલનું IAS બનવાનું સપનું

2 વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ નાનકડું ઘર અને આગળના ભાગમાં ચાની કિટલી. ભોપાલના પૉશ વિસ્તારની ઝૂંપડપટ્ટીનું આ ઘર આજકાલ ચર્ચામાં છે. કારણ કે, આ ગરીબ પરિવારમાંથી અનમોલ અહીરવાર IIT માટે સિલેક્ટ થયો છે. માતા પાનની દુકાન ચલાવે છે અને પિતા ચા વેચે છે. મહિને માંડ 7થી 8 હજાર રૂપિયા આવક છતાં પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો. ગરીબ અને અભણ હોવા છતાં માતા-પિતાએ દીકરાને હંમેશા અભ્યાસ માટે પ્રેરિત કર્યો. આખરે માતા-પિતાની આ કઠોર તપશ્ચર્યા અનમોલ માટે પ્રેરણા બની ગઈ, અને દસમા ધોરણ સુધી IIT જેવી સંસ્થા વિશે ખબર પણ ન હતી, એ અનમોલ IIT કાનપુર માટે સિલેક્ટ થઈ ગયો છે. અનમોલ પણ તેની આ સિદ્ધિની પૂરો શ્રેય માતાપિતાને જ આપે છે. તે કહે છે કે, ઘરની આવી સ્થિતિ છતાં મા-બાપે ક્યારેય એવું નથી કહ્યું કે, તે કામમાં મદદ કરે. IITમાંથી ગ્રેજ્યુએટ થયા પછી અનમોલ IAS બનવા માગે છે. તે કહે છે કે, માતા-પિતાને તો આ IIT જેવી સંસ્થાથી સાવ અજાણ છે. તેમને તો બસ એટલી ખબર છે કે, દીકરો હવે મોટો માણસ બની જશે.

અન્ય સમાચારો પણ છે...