• Gujarati News
  • National
  • Chance Of Heavy Rains In Delhi Rajasthan, Red Alert In Madhya Pradesh; 3 NDRF Personnel Missing In Bengal Floods

દેશમાં વરસાદનો કહેર:દિલ્હી-રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા, મધ્યપ્રદેશમાં રેડ અલર્ટ; બંગાળમાં પૂરમાં રેસ્ક્યૂ કરી રહેલા NDRFના 3 જવાન ગુમ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળના હુગલીમાં દ્વારકેશ્વર અને રૂપનારાયણ નદીમાં પૂર આવ્યું
  • પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF દ્વારા બચાવકાર્ય ચાલી રહ્યું છે
  • ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા

ભારે વરસાદને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં સતત વરસાદને કારણે યમુના બે કાંઠે વહી રહી છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. બીજી બાજુ, બંગાળના હુગલીમાં પૂર દરમિયાન રેસ્ક્યૂ કરી રહેલા NDRFના ત્રણ જવાન ગુમ થયા છે. જાણો, મુખ્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ ...

દિલ્હી: યમુના ભયજનક નિશાનની નજીક
દિલ્હીમાં યમુના ખાદર ખાતે બોટોને તહેનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા 100થી વધુ પરિવારોને હંગામી રૂપે તંબુઓ અને રેનબસેરામાં સ્થળાંતર કરવાનું કામ શરૂ થયું છે. દિલ્હીમાં અવિરત વરસાદ અને હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં યમુનાનો જળસ્તર ભયજનક નિશાન 205.33 મીટરની આસપાસ નોંધવામાં આવ્યો છે. વહીવટીતંત્રે પૂરની ચેતવણી જારી કરી દીધી છે. સોમવારે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે.

મધ્યપ્રદેશ: 10 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ
હવામાન વિભાગે ગ્વાલિયર, શિવપુરી, ગુના, અશોકનગર, દતિયા, શ્યોપુર, મુરેના, ભીંડ, નીમચ અને મંદસૌર માટે ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું હતું કે આ વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજધાનીમાં સતત વરસાદ ચાલુ છે. મોટા ભાગના જિલ્લાઓમાં નદીઓ બે કાંઠે વહી રહી છે. રીવામાં 300 પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. ભીંડ, શ્યોપુરનાં ઘણાં ગામો પૂરમાં ઘેરાઈ ગયાં છે. જબલપુરના સોહાગી પર્વતમાં ભૂસ્ખલન થયું છે. પર્વતના પથ્થરો નેશનલ હાઇવે 30 પર આવીને પડી ગયા છે.

રાજસ્થાન: ભારે વરસાદનું અલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઝાલાવાડ, બારાં, કોટા અને પ્રતાપગઢમાં મુશળધાર વરસાદનું અલર્ટ છે. આ સિવાય અજમેર, જયપુર, દૌસા અને અલવર સહિત 10 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. બે દિવસ પહેલાં અહીં ઘણા જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જારી કરવામાં આવ્યું હતું. રાજસ્થાનનાં ઘણાં શહેરોમાં પાણી ભરાયાં છે.

ઉત્તરપ્રદેશ: ગંગા-યુમનાના કિનારે રહેતા લોકોમાં ભય
વરસાદને કારણે વારાણસી, પ્રયાગરાજ અને મેરઠ સહિત ઘણા જિલ્લાઓમાં ગંગાના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. એને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય તોળાઈ રહ્યો છે. વારાણસીમાં ગંગાના જળસ્તરમાં વધારો થવાને કારણે ઘણા ઘાટ ડૂબી ગયા છે અને 84 ઘાટનો સંપર્ક એકબીજાથી તૂટી ગયો છે. પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે. જળસ્તરમાં વધારો થવાથી નદીઓના કાંઠે વસાહતોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. પૂરના ખતરાને કારણે લોકો પણ ભયભીત થઈ રહ્યા છે. મેરઠના ખાદરવાળા વિસ્તારોમાં પૂરના ભયને જોતાં એની સામે બચાવ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બંગાળ: હુગલીમાં આવ્યું આફતનું પૂર
બંગાળના હુગલી જિલ્લાના આરામબાગમાં દ્વારકેશ્વર અને રૂપનારાયણ નદીમાં પૂર આવ્યું છે. એનાથી ડેમ તૂટવાનું જોખમ વધી ગયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પણ પાણી ભરાઇ ગયાં છે. બાંદીપુર વિસ્તારમાં બચાવ દરમિયાન NDRF ટીમની બે સ્પીડ બોટ પલટી ગઈ હતી. આ કારણે 3 જવાન અને એક અન્ય વ્યક્તિ ગુમ થયાં હતાં. બાદમાં તેમને બચાવી લેવાયા હતા. હજારોની સંખ્યામાં લોકો ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે. તેમણે રાહત કેમ્પમાં પહોંચાડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં લોકોને હજી સુધી મદદ નથી મળી રહી.

દેશમાં વરસાદની શક્યતાઓ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુરમાં હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય બિહાર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, અંદમાન-નિકોબાર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ -કાશ્મીર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, કેરળ, ગુજરાત, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...