ત્રીજી લહેરના જોખમ વચ્ચે મુંબઈથી એક ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. અહીં લગભગ 50% બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા છે. આ ખુલાસો BMCના ચોથા સીરો સર્વે રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર, જે બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા છે તેમને ક્યારેક ને ક્યારેક તો કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. નિષ્ણાતોના મતે આ પણ એક રાહતની વાત છે. એન્ટિબોડીની રચનાને કારણે ત્રીજી લહેર દરમિયાન આ બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ ઓછું થઈ ગયું છે. સર્વે અનુસાર, 10થી 14 વર્ષની વયનાં 53.43% બાળકોને સંક્રમણ લાગ્યું છે.
24 વોર્ડનાં 2,176 બાળકોનાં લેવામાં આવ્યાં સેમ્પલ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના આદેશો પર મુંબઈમાં 1 એપ્રિલ 2021થી 15 જૂન 2021 વચ્ચે ચોથો સીરો સર્વે BYL નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક તરફથી કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં કુલ 2,176 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મુંબઇના કુલ 24 વોર્ડમાં કરાયેલા આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકોમાં અગાઉની તુલનામાં એન્ટિબોડીમાં વધારો થયો છે. સર્વેક્ષણ માટે નમૂનાઓને 1-4, 5-9, 10-14 અને 15થી 18 વય જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. સર્વેમાં બહાર આવ્યું છે કે 10થી 14 વર્ષની વયનાં 53.43% બાળકોને સૌથી વધુ સંક્રમણ લાગ્યું છે. રિપોર્ટ અનુસાર, સીરો સર્વેમાં કુલ 51.18% પોઝિટિવિટી રેટ મળી આવ્યો છે.
BMCના જણાવ્યા મુજબ, 2,176 સેમ્પલમાંથી 1,283 નાયર હોસ્પિટલના આપલી ચિકિત્સા નેટવર્ક દ્વારા અને 893 કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ દ્વારા એકત્રિત કરવામાં આવ્યાં હતાં.
સર્વેના મુખ્ય મુદ્દાઓ
ત્રીજા સીરો સર્વે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરનાં 39.4% બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા હતા.
સર્વેમાં ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય શિક્ષણ અને કોરોના સંક્રમણથી બચવાના ઉપાય પર ભાર મૂકવાનું કહેવામાં આવ્યું છે. આ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
BMC ટૂંક સમયમાં પાંચમો સીરો સર્વે કરશે
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને BMC હવે મુંબઈમાં પાંચમો સીરો સર્વે કરવા જઈ રહી છે. આ સીરો સર્વે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર કરવામાં આવશે. એના દ્વારા એ જાણી શકાશે કે કેટલા લોકોમાં એન્ટિબોડીઝ બન્યા છે. આ સર્વે તમામ 24 વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. આમાં 4 હજાર લોકોનાં સેમ્પલ લેવામાં આવશે.
BMCએ જુલાઇ 2020 માં પ્રથમ સીરો સર્વે કર્યો હતો અને ઓગસ્ટ 2020માં બીજો સીરો સર્વે કર્યો હતો. આ પછી માર્ચ 2021માં BMCના તમામ 24 વોર્ડમાં ત્રીજો સીરો સર્વે કરાયો હતો. આ પછી ચોથો સીરો સર્વે 18 વર્ષથી ઓછા વયજૂથમાં હાલમાં જ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો.
ઝૂંપડપટ્ટીમાં 41.6% લોકોમાં મળ્યા હતા એન્ટિબોડી
ત્રીજા સીરો સર્વેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 41.6% લોકોમાં એન્ટિબોડી મળ્યા, જ્યારે જુલાઈમાં થયેલા પ્રથમ સર્વેમાં આ વિસ્તારમાં 57% અને ઓગસ્ટમાં બીજા સીરો સર્વેમાં 45% એન્ટિબોડી મળી આવ્યા હતા. જ્યારે ત્રીજા સીરો સર્વેમાં એ વાત સામે આવી કે બિલ્ડિંગોમાં રહેતા લોકોની સરખામણીએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 41% વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ગયું હતું અને તેમણે ખબર પણ પડી ન હતી.
સીરો સર્વે શું હોય છે?
સીરો સર્વે સેરોલોજી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. આમાં લોહીના નમૂના લઇને ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ઇન્ફેકેએસએચએન સામે બનેલા એન્ટિબોડીની તપાસ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો શરીરની રોગપ્રતિકારક શક્તિ એ વાયરસ સામે એન્ટિબોડી બનાવે છે. આ એન્ટિબોડી લગભગ એક મહિના સુધી તમારા લોહીમાં રહે છે.
એનો સરળ અર્થ એ છે કે જો તમારા શરીરમાં એન્ટિબોડી બન્યા છે, તો એનો અર્થ એ છે કે હાલમાં તમારા શરીરમાં વાયરસથી સંક્રમણ લાગ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.