ભાસ્કર એક્સક્લુઝિવ:ગુજરાત સહિતનાં સરહદી રાજ્યોમાં કેન્દ્ર સરકાર વસતી ગણતરી કરાવશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની સુરક્ષા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સરહદો નજીકના વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોનો ડેટા ભેગો કરવા સરવે કરાવવા જઇ રહી છે. આ શરૂઆત રાજસ્થાનથી થશે. આ તમામ માહિતી કેન્દ્રીય સ્તરે ભેગી થશે. સરહદી ગામોમાંથી સૈન્ય મૂવેન્ટ અને ગુપ્ત માહિતી લીક થયા પછી આ નિર્ણય લેવાયો છે.

સુરક્ષા એજન્સીઓની માંગ પર કેન્દ્ર સરકારે 2020માં આવો જ એક સરવે પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કરાવ્યો હતો. જોકે, તે નાના સ્તરે હતો. તેમાં અનેક એવાં તથ્યો સામે આવ્યાં હતાં જે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક સાબિત થઇ શકે એમ હતાં. એટલે નિર્ણય લેવાયો છે કે હવે સરહદી વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકની પ્રોફાઇલ તૈયાર કરાશે.

પ. બંગાળમાં કરાયેલા સરવે પછી રાજકીય વિવાદ પણ સર્જાયો હતો. આ અંગે તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરીઓએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. આ નિર્ણયને વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ધ્રુવીકરણ કરવાની ચાલ પણ ગણાવાઈ હતી. આવા આરોપોથી બચવા કેન્દ્રએ તમામ રાજ્યના સરહદી વિસ્તારોનો સરવે કરવાનો નિર્ણય કર્યો છે. આ સરવેમાં સરહદથી 50 કે 100 કિ.મી. વિસ્તારમાં રહેતા તમામ ધર્મના લોકોને સામેલ કરાશે. નેપાળ, બાંગ્લાદેશ સરહદ નજીકનાં ક્ષેત્રોમાં મુસ્લિમ વસતી 32% સુધી વધી

ગુપ્તચર એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં ફક્ત મુસ્લિમોની વસતી વધવાને ખતરનાક ગણાવ્યું છે. તેના આધારે બીએસએફનો દાયરો 100 કિ.મી. કરવાની ભલામણ કરાઇ હતી.

  • ઉત્તરપ્રદેશ અને આસામ આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચતા જિલ્લામાં છેલ્લાં દસ જ વર્ષમાં વસતીના સંતુલનમાં મોટું પરિવર્તન થયું છે. ગ્રામપંચાયતોના રેકોર્ડના આધારે ઉત્તરપ્રદેશ અને આસામ પોલીસે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો હતો.
  • આ બંને રિપોર્ટ પ્રમાણે, સરહદ નજીકના જિલ્લામાં મુસ્લિમ વસતી 2011ની તુલનામાં 32% સુધી વધી ગઇ છે, જ્યારે આખા દેશમાં આ પરિવર્તન 10થી 15% વચ્ચે છે. એટલે કે મુસ્લિમ વસતી સામાન્યથી 20% વધુ વધી છે.
  • ઉત્તરપ્રદેશના પાંચ સરહદી જિલ્લામાં એક હજારથી વધુ ગામ છે. તેમાં 116 ગામમાં મુસ્લિમોની વસતી 50%થી વધુ થઇ ચૂકી છે, જ્યારે 303 ગામમાં મુસ્લિમોની વસતી 30થી 50% વચ્ચે છે.
  • પોલીસ રિપોર્ટમાં એ તરફ પણ ઇશારો કરાયો છે કે સરહદી વિસ્તારોમાં ઘણા સમયથી ઘૂસણખોરી ચાલુ છે. બહારથી આવનારા મોટા ભાગના મુસ્લિમ છે. સમયાંતરે આવા ગુપ્તચર અહેવાલ મળતા રહે છે.
  • ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ સહિતનાં પૂર્વોત્તર રાજ્યોમાં પણ સરવે થશે.

રાજસ્થાનમાં આગામી વર્ષે ચૂંટણી, સાંપ્રદાયિક ઘટનાઓ વધી શકે છે
સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના સરહદી વિસ્તારો હાલ વધુ સંવેદનશીલ બન્યા છે. આગામી વર્ષે અહીં ચૂંટણીઓ યોજાશે. હાલમાં જ થયેલી સાંપ્રદાયિક ઘટનાઓને જોતાં ચૂંટણી વખતે વધુ સાવધ રહેવું જરૂરી છે એટલે સૌથી પહેલા સરવે રાજસ્થાનમાં કરાવાશે.

2018માં વસતીનું અસંતુલન સામે આવ્યું
રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વસતીનું અસંતુલન વધવાની વાત સૌથી પહેલાં 2018માં સામે આવી હતી. તેનું કારણ એ હતું કે, બીએસએફના રિપોર્ટમાં માલુમ પડ્યું હતું કે, જેસલમેરમાં 2011 પછી મુસ્લિમ વસતી 25% વધી છે. આ તથ્યો ચિંતા વધારનારાં હતાં કારણ કે એ વિસ્તારોમાં બિન-મુસ્લિમોની વસતી 10%થી વધુ ન હતી. રિપોર્ટ મુજબ અમુક ગામોમાં લોકો આરબ સંસ્કૃતિ અપનાવી રહ્યા છે.

સરહદી સુરક્ષાને કોમી દૃષ્ટિકોણથી જોવી નહીં
સુરક્ષા એજન્સીઓની જવાબદારી જ સરહદોની સુરક્ષા છે. બીએસએફ દેશના નાગરિકોમાં ભેદભાવ નથી કરતી, પરંતુ જો કોઈ વિસ્તારમાં વસતીનું અસંતુલન બગડતું હોય તો તેને નજરઅંદાજ કરવું રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમી સાબિત થઇ શકે. તેને સાંપ્રદાયિકતાની સંકુચિત નજરે જોવા અયોગ્ય છે.
} યોશવર્ધન આઝાદ, સિનિયર ઓફિસર (નિવૃત્ત), આઇબી

અન્ય સમાચારો પણ છે...