તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત આંદોલન:કેન્દ્ર સરકારની ખેડૂતોને 3ના બદલે 1 ડિસેમ્બરે વાતચીત કરવાની ઓફર

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી
  • પ્રસ્તાવ પર વિચાર કરવા ખેડૂતોની બેઠક શરૂ

કેન્દ્રીય કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે હવે 3ની જગ્યાએ 1 ડિસેમ્બરે વાતચીતની ઓફર કરી છે. શનિવારે ગૃહમંત્રી અમિત શાહે પંજાબના ખેડૂત નેતાઓ બલબીર સિંહ રાજેવાલ, જોગિન્દર સિંહ ઉગ્રાહાં અને ઝંડા સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ખેડૂત નેતાઓને કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માગ પર ચર્ચા-વિચારણા કરી રહી છે. એટલા માટે હવે ખેડૂત આંદોલનકારી સાથે સરકાર 3ની જગ્યાએ 1 ડિસેમ્બરે વાતચીત કરવા તૈયાર છે.

બેઠક દરમિયાન ખેડૂતોની માગ પર યોગ્ય નિર્ણય લેવાશે. ખેડૂત નેતાઓએ હાલ સંમતિ વ્યક્ત કરી પણ એમ પણ કહ્યું કે ખેડૂત નેતાઓની બેઠક બાદ જો કોઈ ફેરફાર થશે તો કેન્દ્ર સરકારને જાણ કરી દેવાશે. મોડી સાંજ સુધી ખેડૂત આંદોલનકારીઓની બેઠક ચાલતી રહી હતી. તેમાં કેન્દ્ર સરકારના નિમંત્રણ પર વિચારણા થઇ રહી છે. કેન્દ્ર સરકારે થોડા સમય અગાઉ પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા સુરજિતકુમાર જ્યાણીના નેતૃત્વમાં એક સમિતિ રચી હતી જે સમયાંતરે ખેડૂત નેતાઓ સાથે કેન્દ્રના મંત્રીઓની મીટિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. શનિવારે પણ ગૃહમંત્રીની ખેડૂતો સાથેની વાતચીતમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

કેન્દ્રનો આગ્રહ-ખેડૂતો બુરાડી મેદાને પહોંચે, સુવિધાઓ આપીશું
દિલ્હી પહોંચેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે આગ્રહ કર્યો હતો કે તે દિલ્હી સ્થિત નિરંકારી ભવન નજીકના બુરાડી મેદાને પહોંચે અને ત્યાં સભાઓ કરે. ત્યાં કેન્દ્ર દ્વારા તેમને મૂળભૂત સુવિધાઓ સાથે જરૂર પડતાં મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતો આ મામલે વિચારી રહ્યા છે.

ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીનું લંગર ન સ્વીકાર્યુ, જાતે રાંધીને જમશે
દિલ્હી પહોંચેલા ખેડૂતો માટે દિલ્હી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ લંગરની વ્યવસ્થા માટે ખેડૂતોને ઓફર કરી હતી જેને ખેડૂતોએ સ્વીકારી નથી. ખેડૂત નેતાઓએ કહ્યું કે પંજાબના ખેડૂત તૈયારી સાથે આવ્યા છે. 4થી 6 મહિના ચાલે તેટલું રેશન છે, એટલા માટે જાતે રાંધીને લંગર તૈયાર કરીશું.

આંદોલન મુદ્દે ખટ્ટર અને અમરિન્દર વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત્
પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ત્રીજા દિવસે પણ શાબ્દિક યુદ્ધ યથાવત્ રાખ્યું. આંદોલન કોંગ્રેસ પ્રાયોજિત હોવાનો આરોપ મૂકતાં ખટ્ટરે કહ્યું કે તેમને પાક્કા ઈનપુટ મળ્યા છે કે ખેડૂતોના આંદોલનમાં અનેક અસામાજિક તત્વો ઘૂસી ગયાં છે. જવાબમાં પંજાબના સીએમ અમરિન્દર સિંહે હરિયાણાના સીએમ ખટ્ટરને ખેડૂતોની માફી માગવા કહ્યું. તેમણે કહ્યું કે સીએમ ખટ્ટર જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત નહીં કરીએ.

અન્ય સમાચારો પણ છે...