રિપોર્ટ:કેન્દ્ર-રાજ્ય સરકારોએ કન્ટેન્ટ હટાવવા 60 હજાર આગ્રહ કર્યા

નવી દિલ્હી / વોશિંગ્ટન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુપ્ત ડેટા માગવામાં અમેરિકા સૌથી આગળ, ભારત બીજા ક્રમે
  • વૈશ્વિક સ્તરે માગેલી માહિતીમાં ભારતનો હિસ્સો 19 ટકા

દુનિયાભરની સરકારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવામાં લાગેલી છે. આ જ કારણ છે કે તે આ પ્લેટફોર્મથી કન્ટેન્ટ હટાવવા, જાસૂસી કરવાથી લઈને યુઝર્સની અંગત માહિતી પણ માગી રહી છે. તેનો ખુલાસો સોશિયલ મીડિયા દિગ્ગજ ટિ્વટરે કર્યો હતો. અહેવાલ મુજબ ડેટા માગવા મામલે અમેરિકા ટોચે છે.

અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે. રિપોર્ટ મુજબ જુલાઈથી ડિસેમ્બર 2021 વચ્ચે વૈશ્વિક સ્તરે ટિ્વટર પર વેરિફાઈડ પત્રકારો અને મીડિયા સંસ્થાનો દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટને હટાવવાની માગ સૌથી વધુ ભારત તરફથી કરાઈ હતી. આ મુદતમાં સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારોની રેકોર્ડ 60,000 કાનૂની માગ પર કાર્યવાહી કરાઈ.

આ સરકારો ઈચ્છતી હતી કે ટિ્વટર એકાઉન્ટથી કાં તો કન્ટેન્ટ હટાવવામાં આવે કાં યુઝરની ગુપ્ત માહિતી જેમ કે લોકેશન, ડાયરેક્ટ મેસેજનો ખુલાસો કરવામાં આવે. વૈશ્વિક સ્તરે માગેલી માહિતીમાં ભારતનો હિસ્સો 19 ટકા છે.

40% માહિતી શૅર કરી, જાપાને 23 હજાર આગ્રહ કર્યા
ટિ્વટરે કહ્યું કે તેણે માગેલી માહિતીના હિસાબે લગભગ 40% યુઝરનાં એકાઉન્ટની વિગતો શેર કરી છે. જાપાન વતી એકાઉન્ટની માહિતી મેળવવા અને કન્ટેન્ટ હટાવવાનો આગ્રહ સતત કરાય છે. જાપાને 23,000થી વધુ આગ્રહ કર્યા. રશિયા પણ તેમાં પાછળ નથી.

દુનિયાભરના 349 પત્રકારોના કન્ટેન્ટ હટાવવાની માગ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પત્રકારો અને મીડિયા સંસ્થાનો સાથે સંકળાયેલાં 349 એકાઉન્ટના કન્ટેન્ટ હટાવવાની કાનૂની માગ કરાઈ. જેમનાં કન્ટેન્ટ પર વાંધો વ્યક્ત કરાયો તેમની સંખ્યા પૂર્વની મુદત(જાન્યુઆરી-જૂન 2021)થી 103% વધુ છે. વધારામાં 114 આગ્રહ સાથે ભારત ઉપર છે.

સગીરની પ્રાઈવસી સંબંધિત મુદ્દા પણ હટાવવાની માગ
ભારતના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગથી એક સગીરના પ્રાઈવસી સંબંધિત મુદ્દાઓથી લઈને તેની સાથે સંકળાયેલાં કન્ટેન્ટને હટાવવાની માગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કરાઈ હતી. જોકે કંપનીએ કોઇનું નામ ન લીધું પણ તેનો સંદર્ભ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને લઈને મનાય છે.

કુલ વૈશ્વિક આગ્રહોમાં 20% એકલા અમેરિકાથી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને યુઝર્સના એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી આપવા દુનિયાના કુલ આગ્રહોમાંથી 20% અમેરિકાથી મળ્યા. સૌથી વધુ સરકારી માહિતી આપવાનો આગ્રહ કરનારા ટોચના 5 દેશોમાં જાપાન, ફ્રાન્સ અને જર્મની સામેલ છે.

ભારતે ફેસબુકને 40 હજાર કન્ટેન્ટ હટાવવા કહ્યું હતું
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની માલિકીવાળી મેટા પાસેથી પણ આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખાનગી યુઝરોના ડેટાની માગ વધી છે. ફેસબુકના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ 2019માં ભારત વતી 39,664 એકાઉન્ટ માટે 26,698 આગ્રહ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...