તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી થયેલાં મૃત્યુ મુદ્દે ફરી વિવાદ:7 ગણા મૃત્યુના દાવા કરનારા વિદેશી મીડિયાના રિપોર્ટને કેન્દ્રએ નકાર્યો અને કહ્યું- આંકડા વિશ્વસનીય નથી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • વિદેશી રિપોર્ટમાં કોરોનાથી વાસ્તવિક મૃત્યુ સરકારી આંકડા કરતાં 5થી 7 ગણા વધારે
  • આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર કોરોનાના ડેટા અંગે સંપૂર્ણ પારદર્શિતા અપનાવી રહી છે

કેન્દ્ર સરકારે એ મીડિયા રિપોર્ટને ફગાવી દીધો છે, જેમાં કોરોનાને કારણે થયેલાં વાસ્તવિક મૃત્યુ સરકારના આંકડા કરતાં 5થી 7 ગણા વધારે હોવાનું જણાવાયું છે. સરકાર દ્વારા રિપોર્ટમાં અપાયેલા આંકડાઓને ખોટા ગણાવાયા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષ વર્ધને નામ લીધા વિના એ રિપોર્ટની નિંદા કરી છે.

આરોગ્ય મંત્રાલયે ધ ઈકોનોમિસ્ટમાં પ્રકાશિત લેખને કાલ્પનિક અને ભ્રામક ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે રિપોર્ટમાં જે રીતે મહામારીના આંકડાનું અવલોકન કરવામાં આવ્યું છે એનો કોઈ આધાર નથી. બીજા કોઈ દેશમાં આ રીતે ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો નથી.

4 પોઇન્ટમાં કેન્દ્રની સ્પષ્ટતા

1. રિપોર્ટમાં રિસર્ચ કઈ પદ્ધતિથી કરવામાં આવ્યું છે એનો ઉલ્લેખ કરાયો નથી. જ્યારે આ પ્રકારના ઇન્ટરનેટ રિસર્ચ માટે રિસર્ચ ગેટ અને પબમેડની મદદ લેવામાં આવે છે.

2. રિપોર્ટમાં તેલંગાણાના વીમા ક્લેમને પણ આધાર બનાવવામાં આવ્યા છે. આ પણ દર્શાવે છે કે અભ્યાસનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

3. ચૂંટણીનાં પરિણામો અંગે સર્વે કરનારી સી- વોટર અને પ્રશ્નમ જેવી એજન્સીઓના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આ એજન્સીઓને જાહેર આરોગ્ય સંબંધિત રિસર્ચનો કોઈ અનુભવ નથી. અનેકવાર તેમના દાવાઓ પરિણામથી અલગ પણ રહ્યા છે.

4. રિપોર્ટમાં જણાવાયું છે કે જે અંદાજ લગાવવામાં આવ્યા છે એ સ્થાનિક સરકારી ડેટા, અમુક કંપનીઓના રેકોર્ડ અને મૃત્યુ પામેલા લોકોના રેકોર્ડ પરથી લેવામાં આવ્યા છે, જેને વિશ્વસનીય ગણી શકાય નહીં.

ICMR અને WHOની ગાઈડલાઇન્સનું પાલન કરી રહી સરકાર
આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે સરકાર કોરોનાના ડેટા અંગે સંપૂર્ણ પારદર્શિતા અપનાવી રહી છે. કોરોનાને કારણે થતાં મૃત્યુમાં ગોટાળા ન થાય એ માટે એ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેને મે 2020માં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. મૃત્યુનાં સચોટ રેકોર્ડ રાખવા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા જારી કરાયેલા ICD-10 કોડનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આંકડાઓનો અભ્યાસ કરે છે કેન્દ્ર
કેન્દ્ર સરકારે પહેલેથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાનો સાચો ડેટા જાહેર કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારની ટીમો પણ આ પર કામ કરી રહી છે. રાજ્યોમાંથી આવતા ડેટાનો જિલ્લા મુજબનો અભ્યાસ દરરોજ કરવામાં આવે છે. જે રાજ્યોથી મૃત્યુની સંખ્યા સતત નીચે આવી રહી છે તેમને જિલ્લાવાર એની ફરી તપાસ કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બિહાર સરકારને કોરોનાથી તમામ જિલ્લાઓમાં થયેલાં મોત અંગે રિપોર્ટ આપવા પણ કહેવામાં આવ્યું છે.

કેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે મહામારી દરમિયાન નોંધાયેલાં મૃત્યુમાં હંમેશાં તફાવત રહે છે. એના પર વ્યવસ્થિત રીતે રિસર્ચ સામાન્ય રીતે બાદમાં જ કરી શકાય છે, જ્યારે મહામારી સમાપ્ત થાય છે ત્યારે અમારી પાસે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ હોય છે.

મેગેઝિને 19 સપ્તાહના ડેટાને બનાવ્યો આધાર
બ્રિટનના મેગેઝિન ધ ઇકોનોમિસ્ટે દાવો કર્યો હતો કે સરકારી આંકડામાં બતાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા, વાસ્તવિકતામાં મૃત્યુ કરતાં 5થી 7 ગણા વધારે છે. શનિવારે મેગેઝિને એક લેખ પ્રકાશિત કર્યો હતો. એમાં વર્જિનિયાની કોમનવેલ્થ યુનિવર્સિટીના ક્રિસ્ટોફર લેફલરના રિસર્ચને આધાર બનાવાયું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં વર્ષ 2021માં મહામારીના પ્રથમ 19 સપ્તાહ દરમિયાન દર 1 લાખ લોકોમાં 131થી લઈને 181 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ડેટા 6 રાજ્યમાં કરવામાં આવેલા રિસર્ચ પર આધારિત જારી કરાયા હતા. જો ેને દેશભરમાં લાગુ કરવામાં આવે તો, 2021માં 19 સપ્તાહની અંદર 17 લાખથી 24 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.

MPમાં ગયા મહિને 1.6 લાખ લોકોનાં મોત, ગયા વર્ષ કરતાં 4 ગણા વધારે
આ પહેલાં શનિવારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ)ના આંકડા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે મે મહિનામાં મધ્યપ્રદેશમાં 1.6 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. પ્રથમ વખત સરકારી ડેટામાં નોંધાયેલા આ મોતના આંકનો હિસાબ મળ્યો હતો. સીઆરએસના સરકારી આંકડા મુજબ, આ વર્ષે મે મહિનામાં મૃત્યુઆંક ગત વર્ષ કરતાં 4 ગણો વધારે છે.

આ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન ગયા વર્ષ કરતાં 1.9 લાખ વધુ મોત થયાં છે. રાજ્યમાં મે 2019માં 31 હજાર અને 2020માં 34 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે દેશવ્યાપી લોકડાઉનને કારણે એપ્રિલ 2020માં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો, પરંતુ એ જ વર્ષે મે મહિનામાં આ સંખ્યામાં વધારો થવા લાગ્યો.

આ વર્ષે માર્ચમાં મૃત્યુઆંકમાં તીવ્ર વધારો થયો હતો અને એપ્રિલ સુધીમાં એક મહિનામાં નોંધાયેલાં મોતની સંખ્યા બમણી થઈ ગઈ હતી. મે મહિનામાં છ મહિના જેટલાં મૃત્યુ નોંધાયાં છે. તેમ છતાં એ જરૂરી નથી આ બધાં મૃત્યુ કોવિડથી જ થયાં હશે.