રાજકીય દાવપેચ:જાન્યુઆરી 2022માં CAA લાગુ કરવાની કેન્દ્રની તૈયારી

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલાં કવાયત

નવા વર્ષના પહેલા સપ્તાહમાં એ પીડિત શરણાર્થીઓને નાગરિકતા સંશોધન કાયદો લાગુ થવાની ભેટ મળી શકે છે, જે વર્ષોથી ભારતનું નાગરિકત્વ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. નાગરિકતા કાયદો (સીએએ) 2020 સંસદમાંથી પસાર થયા પછી પણ એક વર્ષથી અમલી થઈ શક્યો નથી કારણ કે, તેના નિયમો હજુ સુધી નક્કી નથી.

ભાસ્કરને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આખરે કેન્દ્રએ હવે સીએએનો અમલ કરવાનું નક્કી કરી લીધું છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ સતત એ બાબત પર ભાર મૂકે છે કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુઓ, શીખો, ખ્રિસ્તીઓ સાથે ભારત સરકાર ન્યાય કરે. એવું કહેવાય છે કે, સરકારે સંઘ અગ્રણીઓને સંપૂર્ણ વિશ્વાસ અપાવ્યો છે કે, હવે 10 જાન્યુઆરીની સમયમર્યાદા આગળ વધારવાની અપીલ નહીં કરાય. તે પહેલા જ સીએએ લાગુ કરી દેવાશે.

મોદી સરકાર આ કાયદો લાગુ કરવા જઈ રહી છે, ત્યારે બે મહિના પછી ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. મુસ્લિમ સમાજનો એક વર્ગ પણ આ કાયદાનો વિરોધ કરે છે. દિલ્હીના શાહીન બાગમાં પણ સીએએ વિરુદ્ધ લાંબુ આંદોલન થયું હતું. સીએએ લાગુ થવાની સ્થિતિમાં આ વર્ગની પ્રતિક્રિયા અને તેની રાજકીય અસર પર વિશ્લેષકોની નજર રહેશે.

નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 2-1-ખમાં જોગવાઈ છે કે, પાસપોર્ટ, વિઝા અને અન્ય ટ્રાવેલ દસ્તાવેજો વિના પ્રવાસીઓ ભારત આવે છે અથવા જેમનો પાસપોર્ટ-વિઝા એક્સપાયર થાય છે, તેમને ગેરકાયદે પ્રવાસી મનાય છે. સીએએમાં આ કાયદા બદલવામાં આવશે. બાંગ્લાદેશની રચનાના થોડા સમય પહેલા મોટી સંખ્યામાં હિંદુ શરણાર્થી ભારત આવ્યા હતા. પછી બાંગ્લાદેશ બનતા ત્યાં રહી ગયેલા અનેક હિંદુ પીડિતો ભારત આવતા રહ્યા છે. આવા શરણાર્થીઓની સંખ્યા બેથી ત્રણ કરોડ છે. આમ, બાંગ્લાદેશ બન્યાના 50 વર્ષ પછી તેમને ન્યાય મળશે.

કાયદો બનાવવા સરકાર ત્રણ મુદત લઈ ચૂકી છે
કોઈ કાયદો કે નિયમ છ મહિનાની અંદર પ્રકાશિત થઈ જવો જોઈએ, જેથી એ કાયદાનો અમલ થઈ શકે. સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએ સંસદમાં 11 ડિસેમ્બર 2019માં પસાર થયો હતો, પરંતુ તેના નિયમો હજુ નક્કી નથી. આ નિયમો નક્કી કરવા સરકાર ઓક્ટોબર 2020, ફેબ્રુઆરી 2021 અને મે 2021માં સંસદની સબોર્ડિનેટ લેજિસ્લેશન કમિટી પાસે મુદત માંગી ચૂકી છે. હવે સરકાર સામે 10 જાન્યુઆરી, 2022ની ડેડલાઈન છે.
10 રાજ્ય NRC વિરુદ્ધ, CAA સામે વાંધો નથીઃ દેશના દસ રાજ્ય નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપ (એનઆરસી)ના વિરોધમાં પ્રસ્તાવ પસાર કરી ચૂક્યાં છે. જોકે, તેમને સીએએ સામે સીધો વિરોધ નથી. સરકારને આશા છે કે, હવે સીએએના અમલમાં અડચણ નહીં આવે.

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં અમિત શાહે મતદારોને વચન આપ્યું હતું
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વખતે કહ્યું હતું કે, ‘દેશભરમાં રસીકરણ પૂરું થયા પછી સીએએ લાગુ કરાશે.’ હવે રસીકરણ અંતિમ તબક્કામાં છે તેથી સરકાર વચન નિભાવવા જઈ રહી છે. ભાજપ પશ્ચિમ બંગાળના મતુઆ સમાજના લોકોને નાગરિકત્વ આપવાનું પણ વચન આપી ચૂક્યો છે. મતુઆ સમાજના 30 વિધાનસભા બેઠક પર આશરે 1.5 કરોડ મત છે.

શરણાર્થીઓને પાકિસ્તાની દૂતાવાસના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે
શરણાર્થીઓને નાગરિકત્વ આપવામાં મદદ કરવામાં સક્રિય ભૂમિકા ભજવનારા જય આહુજા કહે છે કે, સીએએ લાગુ થયા પછી એ લોકોને પાકિસ્તાન દૂતાવાસના ચક્કર કાપવા નહીં પડે, જે ભારતીય નાગરિકત્વ માટે ત્યાં પાસપોર્ટ જમા કરાવવા જાય છે. તેની ફી પણ રૂ. 6 હજારથી વધારી રૂ. 7500 કરાઈ છે અને લાંચ પણ વસૂલાય છે.