તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE Class 12 Board Exam Result | CBSE Class 12 Board Exam Result 2021, CBSE Class 12 Board Exam Result Date, CBSE Result, ICSE Result, Supreme Court

CBSEએ 12માના રિઝલ્ટની ફોર્મ્યુલા જણાવી:બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું- 31 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરશે; જે વિદ્યાર્થી સંતુષ્ટ નહીં થાય તેમના માટે અલગ એક્ઝામનો ઓપ્શન

3 મહિનો પહેલા

CBSE બોર્ડનું 12મા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. એમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોર્મ્યુલા જણાવી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, 10મા, 11માનાં ફાઈનલ રિઝલ્ટ અને ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.

12માનું રિઝલ્ટ તૈયાર કરવાની ડિટેલ્સ આપતાં CBSEએ કહ્યું હતું કે 10મા ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. એ જ રીતે 11મા ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12મા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10મા અને 11મા ધોરણમાં માર્ક્સ 30 ટકા અને 12મા ધોરણમાં માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે CBSEના રિઝલ્ટની ફોર્મ્યુલા નક્કી કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. ત્યાર પછી બોર્ડે 4 જૂને 13 સભ્યની કમિટી બનાવી હતી. તેણે 14 જૂને 10 દિવસમાં તેનો રિપોર્ટ આપવાનો હતો.

સરકારનો તર્ક- એક્સપર્ટ કમિટી સાથે ડિઝાઈન કરાઈ ફોર્મ્યુલા
અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે, 1929થી CBSE તેમની સેવા આપી રહી છે. ઈતિહાસમાં આવું પહેલાં કદી નથી થયું. આ ફોર્મ્યુલાને અમે એક્સપર્ટ કમિટી સાથે ડિઝાઈન કરી છે. 10માં ધોરણની બોર્ડ એક્ઝામ અને સબ્જેક્ટ 11માં અને 12માં કરતાં અલગ હોય છે. તેથી અમે 3 વર્ષ 10માં, 11માં અને 12માને આધાર બનાવ્યો છે.

સોમવાર સુધી સુનાવણી ટળી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'CBSE અને ICSE બંને બોર્ડે કહ્યું કે, પરિણામ જાહેર કરવાની ફોર્મ્યૂલા સાથે વૈકલ્પિક એક્ઝામનો સમય પણ આપવામાં આવે. જો એડ્વોક્ટ વિકાસ સિંહ કોઈ સૂચન આપશે તો તેના વિશે વિચાર કરવામાં આવશે. બંને બોર્ડ સ્કીમ લાગુ કરવા માટે સ્વતંત્ર છે. સુનાવણીની આગામી તારીખે અમને આ વિશે જણાવજો'. આવું કહીને સુપ્રીમ કોર્ટે સુનાવણી 21 તારીખને સોમવાર સુધી ટાળી દીધી છે.

30ઃ30ઃ40 ફોર્મ્યુલા પર પેનલના 3 તર્ક

1. પેનલના સભ્યોએ કહ્યું હતું કે અમે કેન્દ્ર દ્વારા સંચાલિત નવોદય વિદ્યાલયો, CBSE, એની સાથે સંકળાયેલી સ્કૂલો અને અન્ય સ્કૂલો સાથે ચર્ચા કરી છે. એમાં એ વાત પ્રકાશમાં આવી છે કે આ વખતે જે 12ની બેન્ચ છે એ સંપૂર્ણ રીતે ઓનલાઈન ચાલી છે. આ કારણે ઘણી અનિશ્ચિતતાઓ છે. કલાસીસ પણ જેવા ચાલવા જોઈએ એવા ચાલ્યા નથી અને એસાઈન્મેન્ટ પણ સંપૂર્ણ થઈ શક્યું નથી.

2. એવામાં પેનલ દ્વારા માત્ર 12ના એસાઈન્મેન્ટના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવે એ યોગ્ય નથી. આપણે સામાન્ય સ્થિતિઓમાં વિદ્યાર્થીઓએ કરેલા પર્ફોર્મન્સને પણ તપાસવું પડશે. એવામાં 10માનું પર્ફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ જ ડેટા સૌથી વિશ્વસનીય છે, જે CBSEએ પોતાના એક્ઝામિનેશન સેન્ટર્સ પર લીધા છે અને એનું મૂલ્યાંકન બહાર પાડવામાં આવ્યું છે. આ જ રીતે 11માની એક્ઝામ પણ લોકડાઉન પહેલાં થઈ ગઈ હતી. આ તમામ પરીક્ષાઓ અલગ-અલગ સ્થિતિઓમાં થઈ છે.

3. કમિટી 12માને વધુ મહત્ત્વ આપવા વિશે વિચારી રહી છે, પરંતુ ઓવરઓલ વાત કરવામાં આવે તો, 10-11ના 30-30 ટકા અને 12ને 40 ટકા વેઇટેજ આપવા પર સહમતી બની શકે છે. જોકે કેટલાક સભ્યો 10મા અને 11માને વધુ વેઇટેજ આપવાની વાત કરી રહ્યા છે. કેટલીક સ્કૂલો પણ આ વાત સાથે સહમત છે. હાલ આ અંગે કઈ જ ફાઈનલ થયું નથી.

સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી ફોર્મ્યુલા સમરી

28 જૂન સુધીમાં માર્ક્સ અપલોડ કરવાના છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, CBSE સાથે સંકળાયેલી શાળાઓના આચાર્યોએ કમિટીને માહિતી આપી હતી કે તેઓ ધોરણ 10, 11 અને 12ના 2020-21માં લેવામાં આવેલી પરીક્ષાઓ અને પરીક્ષાના નંબર આપવા માટેની સ્થિતિમાં છે. મુંબઇમાં શાળાઓમાં ગયા વર્ષે કોઈપણ ઓફલાઇન ટેસ્ટ અને પ્રેક્ટિકલ લેવાઈ નથી અને કોઈ ક્લાસ પણ લેવામાં આવ્યા નથી. જે શાળાઓ પ્રેક્ટિકલ લઈ શકી નથી એને ઓનલાઇન પ્રેક્ટિકલ અને મૌખિક પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ધોરણ 12ના ઇન્ટર્નલ માર્ક્સ પણ 28 જૂન સુધીમાં CBSEની સિસ્ટમ પર અપલોડ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

PMએ 1 જૂને પરીક્ષા રદ કરી હતી
આ પહેલાં કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે 1 જૂને દેશભરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ધોરણ 12નું પરિણામ નિર્ધારિત સમયમર્યાદામાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓનું કયા આધારે એસેસમેન્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરી હતી. હવે બોર્ડ તરફથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્કિંગ પોલિસી બનવાની બાકી છે. બોર્ડ અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે CBSE બોર્ડના વિદ્યાર્થીઓને માર્ક્સની જગ્યાએ ગ્રેડ આપવાના સૂચન પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...