દિલ્હીના કંઝાવાલા કેસમાં હત્યાનો ભોગ બનેલી અંજલિની મિત્ર નિધિને લઈને મોટો ખુલાસો થયો છે. નિધિ બે વર્ષ પહેલા આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પર ડ્રગ્સની તસ્કરી કરતા પકડાઈ હતી. પોલીસે તેની પાસેથી 10 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. GRPએ તેની ધરપકડ કરી જેલ મોકલી હતી. જોકે 18 જાન્યુઆરી, 2021ના રોજ તેને જામીન મળી ગયા હતા.
દિલ્હીમાં 31 ડિસેમ્બરની રાત્રે અંજલિ સિંહ સાથે દુર્ઘટના ઘટી તે સમયે સ્કૂટી પર નિધિ પણ હતી. ઘટના પછી તે ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે નિધિને શુક્રવારે એટલે કે કાલે પૂછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન ડ્રગ્સ કનેક્શનની વાત સામે આવી છે.
સિકંદરાબાદથી ગાંજો લાવીને દિલ્હી સપ્લાય કરતી હતી
આગ્રાના SP GRP મોહમ્મદ મુશ્તાકે કહ્યું કે 6 ડિસેમ્બર 2020ના રોજ આગ્રા કેન્ટ GRPએ ચેકિંગ દરમિયાન તેલંગાણા એક્સપ્રેસથી ત્રણ ગાંજા તસ્કરોને પકડ્યા હતા. આ ત્રણેય સિકંદરાબાદથી ગાંજો લઈને દિલ્હી જઈ રહ્યા હતા. ત્રણેય આગ્રામાં ટ્રેનથી ઉતરીને બસથી દિલ્હી જવાના હતા. પકડાયેલા આરોપીઓમાં નિધિ, દિલ્હી રહેવાસી રવિ અને ભાગ્ય વિહાર રહેવાસી દીપક હતો.
SPએ જણાવ્યું કે, તે સમયે ત્રણેય પાસેથી 10-10 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આગ્રા કેન્ટ પર પકડાયેલ યુવતીનું નામ અને પિતાનું નામ દિલ્હી મૃતક અંજલિની સહેલી નિધિથી મળી રહ્યું છે. જોકે દિલ્હી પોલીસ કન્ફર્મ કરશે કે તે નિધિ છે કે નહીં.
અંજલિ કેસમાં 6 આરોપીઓની ધરપકડ, 7મો ફરાર
પોલીસે આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 1 જાન્યુઆરીએ મનોજ મિત્તલ, અમિત ખન્ના, કૃષ્ણ, મિથુન અને દીપક ખન્નાની ધરપકડ કરી છે. કોર્ટે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે 5 જાન્યુઆરીએ જણાવ્યું કે, આ કેસમાં બે અન્ય લોકો પણ સામેલ છે. તેમનું નામ અંકુશ ખન્ના અને આશુતોષ છે. આશુતોષની ધરપકડ કરવામાં આવી છે. સાતમો આરોપી અંકુશ ખન્ના હજુ પણ ફરાર છે.
GRP બાંયધરી આપનારાઓની ચકાસણી કરી રહી છે
ગાંજાની તસ્કરીના આરોપમાં જેલમાં ગયા બાદ નિધિને 18 જાન્યુઆરી 2021ના રોજ આગ્રાની એડીજે કોર્ટમાંથી જામીન મળ્યા હતા. એસપી GRPએ જણાવ્યું કે બાંયધરી આપનાર લોકોમાં આગ્રાના લોકોનો સમાવેશ થાય છે. જે લોકોએ જામીન આપ્યા હતા તેમની તપાસ કરવામાં આવી રહી છે. તેમના સરનામે એક ટીમ મોકલવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.