ગેરકાયદેસર ખાણકામ મામલે ઈડીએ શુક્રવારે સવારે આશરે 5 વાગે દેશભરમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ઝારખંડના સીનિયર IAS ઓફિસર પૂજા સિંઘલ અને તેમની સાથે જોડાયેલા નજીકના વ્યક્તિઓના 20 ઠેકાણાઓ પર કરવામાં આવી છે. ઓફિસરના નજીકના CAના ઘરથી 25 કરોડ રુપિયા રોકડા મળવાના સમાચાર છે. ઈડી નોટ ગણનારા મશીનથી કેશ ગણી રહી છે. જોકે, ઈડી તરફથી કેશ મળવાની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે એક સાથે ઝારખંડના રાંચી, ધનબાદ, ખૂંટી, રાજસ્થાનના જયપુર, હરિયાણાના ફરીદાબાદ અને ગુરુગ્રામ, પશ્ચિમબંગાળના કોલકાતા, બિહારના મુઝફ્ફરપુર અને દિલ્હી-NCRમાં દરોડા પાડ્યા છે. ભાસ્કરે પૂજા સિંઘલને તેમનું નિવેદન લેવા મોબાઈલ પર સંપર્ક કર્યો પણ તેમણે ઉપાડ્યો નહીં.
રાંચીમાં કાંકે રોડના ચાંદની ચોક સ્થિત પંચવટી રેસિડન્સીના બ્લોક નંબર 9, લાલપુરના હરિઓમ ટાવર સ્થિત નવી બિલ્ડિંગ, બરિયાતૂના પલ્સ હોસ્પિટલમાં દરોડા પાડવાની જાણકારી મળી છે. જણાવી દઈએ કે પલ્સ હોસ્પિટલ પૂજા સિંઘલના પતિ અને બિઝનેસમેન અભિષેક ઝાની છે. IAS ઓફિસર પૂજા સિંઘલના સરકારી આવાસ પર પણ દરોડા પડવાની માહિતી છે. આ સમગ્ર પ્રકરણ પર ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
IAS પૂજા સિંઘલના પતિ અભિષેકના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. IAS ઓફિસર રાહુલ પુરવારથી છૂટાછેડા બાદ પૂજા સિંઘલે અભિષેક સાથે લગ્ન કર્યા. EDના અધિકારીઓ અભિષેકના રતુ રોડના એક છુપાયેલા સ્થળે તપાસ કરી રહ્યા છે. EDએ દરોડામાં કેટલાયને જપ્ત કર્યા છે. મોટી રકમ રોકડ મળી આવી હોવાનું જાણવા મળે છે. ધનબાદમાં પણ ટીમ ઘણી જગ્યાએ સર્ચ કરી રહી છે.
પૂજા સિંઘલના તમામ કેસની તપાસ
EDએ મનરેગા કૌભાંડના એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટના આદેશ પર સમગ્ર કેસની માહિતી સાથે સંબંધિત સોગંદનામું દાખલ કર્યું હતું. ઇડીએ એફિડેવિટ દ્વારા કોર્ટને જણાવ્યું હતું કે ઝારખંડના ખુંટી જિલ્લામાં મનરેગામાં રૂ. 18.06 કરોડના કૌભાંડ સમયે ડેપ્યુટી કમિશનર પૂજા સિંઘલ હતા.
આ કેસમાં, જુનિયર એન્જિનિયર રામ વિનોદ પ્રસાદ સિન્હાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જેમણે ED સમક્ષ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે કમિશનની રકમ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં પહોંચતી હતી. ચતરા અને પલામુ બંને કેસની ચાલી રહેલી તપાસ અંગે EDએ તેના સોગંદનામા દ્વારા હાઈકોર્ટને જાણ કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે પૂજા સિંઘલ ઓગસ્ટ 2007થી જૂન 2008 સુધી ચતરા જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તહેનાત હતી.
આરોપ છે કે તેણે મનરેગા હેઠળ બે એનજીઓને 6 કરોડ રૂપિયાની એડવાન્સ પેમેન્ટ કરી હતી. આ બંને NGOમાં વેલફેર પોઈન્ટ અને પ્રેરણા નિકેતનનો સમાવેશ થાય છે. આ રકમ મુસલીની ખેતી માટે ફાળવવામાં આવી હતી, જ્યારે ત્યાં આવી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી, જેની હજુ તપાસ ચાલી રહી છે.
આ સિવાય પલામુ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર હોવાનો આરોપ છે કે પૂજા સિંઘલે લગભગ 83 એકર જંગલની જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ માટે ટ્રાન્સફર કરી હતી. આ મામલો કથૌટિયા કોલસાની ખાણો સાથે જોડાયેલો છે. EDએ કોર્ટને કહ્યું હતું કે આ કેસમાં પણ તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.