તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Caribbean Politics Heats Up Over Arrest Of Indian Businessman Mehul Choksi, Tensions Between Government And Opposition

PNBના કૌભાંડીને બચાવવા વિદેશીઓ પણ મેદાનમાં:ભારતના ભાગેડુ કારોબારી મેહુલ ચોકસીની ધરપકડ મુદ્દે ગરમાયું કેરેબિયન દેશોનું રાજકારણ, સરકાર-વિપક્ષ વચ્ચે ખેંચતાણ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • ચોકસી જે મહિલાની સાથે ડોમિનિકા પહોંચ્યો હતો તે તેની ગર્લફ્રેન્ડ નહિ, પરંતુ જે ટીમે તેનું અપહરણ કર્યું હતું તેનો હિસ્સો હતી

પંજાબ નેશનલ બેન્ક(PNB) કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને કારણે ભારતનું રાજકારણ ઘણું ગરમાયું હતું. જોકે તાજેતરમાં જ એન્ટીગુઆથી લઈને ડોમિનિકામાં ઘટેલા ઘટનાક્રમે કેરેબિયન દેશનું રાજકરણ ગરમાવ્યું છે. એન્ટીગુઆ અને ડોમિનિકા બંને દેશોના વિપક્ષોએ મેહુલ ચોકસીના મુદ્દે પોતા-પોતાના દેશની સરકાર પર હુમલો કર્યો છે. બીજી તરફ, આજે એક મીડિયા રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે મેહુલ ચોકસી જે મહિલાની સાથે ડોમિનિકા પહોંચ્યો હતો,તે તેની ગર્લફ્રેન્ડ નહિ, પરંતુ જે ટીમે તેનું અપહરણ કર્યું હતું તેનો હિસ્સો હતી.

ડોમિનિકામાં વિપક્ષના નેતાએ સરકાર પર આરોપ લગાવ્યો
ડોમિનિકામાં વિપક્ષના નેતા લિનોક્સ લિંટને પોતાના દેશની સરકાર પર આરોપ લગાવ્યો છે કે મેહુલ ચોક્સી જે રીતે એન્ટીગુઆથી ગાયબ થઈને મળ્યા છે,તેમણે સરકારની મિલીભગત તરફ ઈશારો કર્યો છે. વિપક્ષે માગ કરી છે કે મેહુલ ચોકસી સાથે જોડાયેલી સંપૂર્ણ થિયરી પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે.

વડાપ્રધાને વિપક્ષો પર ફન્ડિંગનો આરોપ લગાવ્યો
ડોમિનિકા પહેલાં એન્ટીગુઆમાં વિપક્ષોએ વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનને ઘેરયા હતા. જોકે એન્ટીગુઆમાં તો વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને આરોપ લગાવ્યો હતો કે મેહુલ ચોકસી તેમના દેશના વિપક્ષોને ફન્ડિંગ કરી રહ્યા છે, જેથી જો તેઓ સત્તામાં આવે તો તે એન્ટીગુઆમાં સરળતાથી રોકાઈ શકે.

ડોમિનિકા અને એન્ટીગુઆ સિવાયના કેટલાક દેશોમાં પણ મેહુલ ચોકસીને લઈને ચર્ચા ચાલુ છે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની કસ્ટડીમાં છે. અહીં વિપક્ષે પોલીસ અને સરકારના રોલની તપાસની વાત કહી છે કે મેહુલ ચોકસી આટલી સરળતાથી કઈ રીતે અહીં આવ્યા.

ચોકસીના વકીલોએ દાવો કર્યો છે કે તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે.
ચોકસીના વકીલોએ દાવો કર્યો છે કે તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે.

હાલ પણ કસ્ટડીમાં છે મેહુલ ચોકસી
ઉલ્લેખનીય છે કે પીએનબી સ્કેમ મામલામાં ભાગેડુ જાહેર કરાયેલા મેહુલ ચોકસી પહેલા એન્ટીગુઆમાં રોકાયા હતા, જોકે તાજેતરમાં જ તે ડોમિનિકામાંથી પકડાયા. મેહુલ ચોકસીના વકીલનો દાવો છે કે તેમને કિડનેપ કરવામાં આવ્યા હતા, જોકે એમ પણ કહેવાઈ રહ્યું છે કે મેહુલ ચોકસી પોતાની ગર્લફ્રેન્ડની સાથે ડોમિનિકામાં આવ્યા હતા. હાલ આ અંગે કોઈ ચોક્કસતા પુરવાર થઈ ન હોવાને કારણે ભારતથી લઈને કેરેબિયન દેશ સુધી ખળભળાટ મચી ગયો છે. મેહુલ ચોકસી પોલીસ કસ્ટડીમાં છે, તાજેતરમાં જ તેમની કેટલીક તસવીરો પ્રકાશમાં આવી, જેમાં તેમને ઈજા થઈ હોવાનું દેખાઈ રહ્યું છે.

મેહુલ ચોકસીની ધરપકડ પછી વિવિધ વાતો બહાર આવી
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને ભાગેડુ કારોબારી મેહુલ ચોકસીની ધરપકડ પછી વિવિધ વાતો બહાર આવી રહી છે. એવા પણ સમાચાર આવ્યા હતા કે તે એક મહિલાની સાથે ડોમિનિકા પહોંચ્યો હતો, જ્યાંથી તે પોલીસની કસ્ટડીમાં આવી ગયો. જોકે આ મહિલા તેની ગર્લફ્રેન્ડ નથી. ઈન્ડિયા ટુડેએ ચોકસી સાથે જોડાયેલાં સૂત્રો સાથે વાતચીત કરી છે. તેમનું કહેવું છે કે આ મહિલા તે ટીમનો હિસ્સો છે, જેણે ચોકસીની ધરપકડ કર્યા પછી તેને હેરાન કર્યો છે. મેહુલ ચોકસી થોડા દિવસો પહેલાં એન્ટીગુઆથી અચાનક ગાયબ થઈ ગયો હતો અને પછીથી તેની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે.

મેહુલ ચોકસીનું તા.23 મેના રોજ અપહરણ કરાયું
મેહુલ ચોકસીના વકીલે દાવો કર્યો છે કે 23 મેના રોજ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ લોકોની ભારત સાથે લિન્ક છે. વકીલોનો આરોપ છે કે એન્ટીગુઆના અધિકારીઓની સાથે મળીને આ અપહરણ કરવામાં આવ્યુ છે. એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે ચોકસીને માર મારવામાં આવ્યો છે, હેરાન કરવામાં આવ્યો છે અને પછી તેને ડોમિનિકા લઈ જવામાં આવ્યો છે. જ્યાં પછીથી તેની ધરપકડ કરવામાં આવી છે. એક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે આ મહિલાએ એન્ટીગુઆમાં થોડો સમય વિતાવ્યો. પછીથી તે સવાર અને સાંજે ચોકસીની સાથે વાતો કરવા લાગી અને તેની સાથે દોસ્તી કરી લીધી. પછીથી આ મહિલાએ 23 મેના રોજ ચોકસીને મળવા માટે એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો.

એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને સંવેદનશીલ દાવો કરતાં કહ્યું હતું કે ચોકસી તેની ગર્લફ્રેન્ડની સાથે ડોમિનિકા ગયો હતો.
એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને સંવેદનશીલ દાવો કરતાં કહ્યું હતું કે ચોકસી તેની ગર્લફ્રેન્ડની સાથે ડોમિનિકા ગયો હતો.

ચોકસીને સીધો જ ભારત ભેગો કરવામાં આવેઃ એન્ટીગુઆના PM
ચોકસી જેવો ત્યાં પહોંચ્યો કેટલાક લોકોએ કથિત રીતે તેનું અપહરણ કરી લીધું અને તેને ડોમિનિકા લઈ આવ્યા, જ્યાંથી તેની ધરપકડ થઈ. રવિવારે એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને સંવેદનશીલ દાવો કરતાં કહ્યું હતું કે ચોકસી તેની ગર્લફ્રેન્ડની સાથે ડોમિનિકા ગયો હતો, જોકે તે પકડાઈ ગયો. બ્રાઉને ડોમિનિકાના પ્રશાસનને અનુરોધ પણ કર્યો કે ચોકસીને સીધો જ ભારત ભેગો કરવામાં આવે. ધરપકડ પછી ભાગેડુ મેહુલ ચોકસીની કેટલીક તસ્વીરો પણ પ્રકાશમાં આવી હતી, જેમાં તેમના હાથ પર ઈજાનાં નિશાન દેખાઈ રહ્યાં હતાં.

વકીલોએ કર્યો છે આ દાવો
ચોકસીના વકીલોએ દાવો કર્યો છે કે તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. સોમવારે ચોકસીને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પીએનબી કૌભાંડની વાત કરવામાં આવે તો ચોકસી પર 13 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેની ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવા બાબતે ડોમિનિકાની પોલીસે ધરપકડ કરી હતી. તે ભારતમાંથી ભાગ્યા પછી એન્ટીગુઆમાં રહ્યો હતો. મેહુલ ચોકસી નીરવ મોદીના મામા છે. નીરવ પણ ભારતમાંથી ભાગીને બ્રિટન ચાલ્યો ગયો હતો, જ્યાં તેના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.