દિલ્હીમાં હાલમાં જ એક અકસ્માતમાં યુવતીની લાશને કારથી દૂર સુધી ઢસડીને લઈ જવામાં આવી હતી. આવો જ વધુ એક દર્દનાક અકસ્માતનો કિસ્સો નોઇડામાં પણ સામે આવ્યો છે. 1 જાન્યુઆરીની રાત્રે નોઈડાના સેક્ટર-14એ ફ્લાયઓવર પાસે ઘટના બની છે. આમાં કારે ડિલિવરી બોય કૌશલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર તેને 500 મીટર સુધી ઢસડી ગઈ હતી. ડ્રાઈવરે આગળ જઈને કાર રોકી હતી. બાદમાં તે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કૌશલ ઈટાવાનો રહેવાસી છે. તે નોઈડા અને દિલ્હી વચ્ચે સ્વિગી વતી ફૂડ ડિલિવરી કરવાનું કામ કરતો હતો. તે નોઈડાના સાલારપુરમાં રહેતો હતો.
ઓલા કેબ ડ્રાઈવરે અકસ્માત અંગે માહિતી આપી હતી
કૌશલના ભાઈ અમિત કુમારે પોલીસ સ્ટેશન ફેઝ-1માં અકસ્માત અંગે એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 1લી જાન્યુઆરીના રોજ રાત્રે એક વાગ્યાના સુમારે અમિત કુમાર તેના ભાઈ કૌશલને ફોન કર્યો હતો. કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે હું ઓલા કારનો ડ્રાઈવર બોલું છું. તમારા ભાઈનો અકસ્માત થયો છે. સેક્ટર-14 ફ્લાયઓવર પાસે અજાણ્યા વાહને ટક્કર મારીને તેને શનિ મંદિર રોડ સુધી ઢસડીને લઈ જવાયો હતો. પોલીસ હવે આ ઓલા કેબ ડ્રાઈવરની શોધ કરી રહી છે, જેણે કૌશલના ભાઈ સાથે ફોન પર વાત કરી હતી.
દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા
ભાઈ અમિત કુમારે જણાવ્યું હતું કે આ પછી અમે શનિ મંદિર પહોંચ્યા. અહીં શનિ મંદિર પાસે કૌશલની લાશ પડી હતી. પોલીસ પણ સ્થળ પર હતી. અમિતના જણાવ્યા મુજબ, તેનો ભાઈ છેલ્લા એક મહિનાથી સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. કૌશલના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ લઈને પરિવારના સભ્યો ઇટાવા ગયા છે. ત્યાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
25 CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી
જે જગ્યાએથી મૃતદેહને શનિ મંદિર સુધી ઝસડીને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં નોઇડા ઓથોરિટીની ગૌશાળા અને શનિ મંદિરની બહાર CCTV લગાવવામાં આવ્યા છે. ગૌશાળાના CCTV ફૂટેજ સ્પષ્ટ નથી. શનિ મંદિરના ડિરેક્ટરે જણાવ્યું હતું કે પોલીસ 2 જાન્યુઆરીએ આવી હતી. CCTV ફૂટેજ જોયા, પણ ખૂબ ધુમ્મસ હોવાને કારણે કશું સ્પષ્ટપણે જોવા મળ્યું નથી. પોલીસે CCTV ફૂટેજ લીધા છે. ફૂટેજમાં એક કાર શનિ મંદિર પાસે આવતી દેખાઈ રહી છે અને સ્પીડબ્રેકર પાસે ઝટકા સાથે લાશ ત્યાં જ પડી જાય છે. આ પછી પોલીસની ગાડી ત્યાં આવે છે.
પોલીસે 3 ટીમ બનાવી
ADCP આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે. તે દિલ્હી અને નોઈડા તરફના રસ્તા પર લગાવાયેલા CCTVના ફૂટેજની તપાસ કરી રહી છે. જે ઓલા ડ્રાઈવરે ફોન ઉપાડ્યો હતો તેની પણ શોઘ કરવામાં આવી રહી છે. આ માટે પોલીસની 3 ટીમ બનાવવામાં આવી છે.
યુપીના બાંદામાં દિલ્હીના કંઝાવાલા જેવો જ એક કિસ્સો, ડમ્પર સ્કૂટી પર સવાર એક મહિલાને 3 કિલોમીટર સુધી ઢસડી ગયું
દિલ્હીના કંઝાવાલા જેવી ભયાનક ઘટના યુપીના બાંદાથી પણ સામે આવી છે, જ્યાં સ્કૂટી પર સવાર એક મહિલાને પૂરઝડપે જઈ રહેલા એક ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માતમાં ડમ્પરે મહિલાને કચડી નાખી હતી. ડમ્પરના વ્હીલમાં ફસાયેલી મહિલાને 3 કિલોમીટર સુધી ઢસડી હતી. એમાં મહિલાનું દર્દનાક મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે કેસ પણ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
મહિલા સ્કૂટી સાથે ડમ્પરના વ્હીલમાં ફસાઈ જવાને કારણે ડમ્પરમાં પણ આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં ડમ્પર સળગવા લાગ્યું હતું. આ બાબતની માહિતી મળતાંની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં જ ફાયરબ્રિગેડની મદદથી ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ઘણા કલાકો બાદ ઝડપી લીધો છે. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા લખનઉની રહેવાસી છે અને બાંદા કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે કાર્યરત હતી. પોલીસ આ મોમલે વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.