તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'Captain' Opponent Sidhu Was Shy In Childhood, Learned To Speak By Watching Doordarshan News

પીપલ ભાસ્કર:‘કેપ્ટન’ વિરોધી સિદ્ધુ બાળપણમાં શરમાળ હતા, દૂરદર્શન ન્યૂઝ જોઇને બોલતા શીખ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જન્મ- 20 ઓક્ટોબર 1963 (પટિયાલા)
શિક્ષણ- એલએલબી, પંજાબ યુનિ.
પરિવાર- પત્ની નવજોત કૌર, પુત્ર કરણ અને પુત્રી રાબિયા
સંપત્તિ- 45 કરોડ રૂ.

નવજોતસિંહ સિદ્ધુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો પરિચય આપતા લખે છે- ‘માસ્ટર ઑફ ઓલ ટ્રેડ્સ, જેક ઑફ નન.’ એટલે કે દરેક વિદ્યાના મહારથી. ‘ધ કપિલ શર્મા શો’માં કપિલ પણ ઘણીવાર મજાકમાં કહેતો કે સિદ્ધુ જે કોઇ શહેરમાં જાય છે ત્યાં કંઇ ને કંઇ કામ કરીને કે કમાઇને જરૂર આવે છે. ઇંગ્લેન્ડમાં રહ્યા હતા તો કોમેન્ટ્રી કરી લીધી, દિલ્હીમાં રહ્યા તો રાજકારણ, મુંબઇમાં એક્ટિંગ-કોમેડી. આજકાલ સિદ્ધુની દિલ્હીની મુલાકાત ચર્ચામાં છે. તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા.

2017માં કોંગ્રેસમાં જોડાયેલા સિદ્ધુ અમૃતસર પૂર્વના ધારાસભ્ય છે પણ 2019માં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ સાથે ખેંચતાણ બાદ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારથી ગજગ્રાહ યથાવત્ છે. પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સિદ્ધુને પંજાબ કોંગ્રેસમાં કોઇ મોટી જવાબદારી મળે તેવા અણસાર છે. 57 વર્ષના સિદ્ધુની કરિયર સફળતાઓની સાથોસાથ વિવાદોથી પણ ભરેલી રહી. 1996માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથેનો તેમનો વિવાદ પણ ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો.

બાળપણમાં પિતાએ બેટ પકડાવ્યું, વિવેકાનંદને વાંચીને જીવન બદલ્યું
પટિયાલામાં જન્મેલા સિદ્ધુના પિતા ભગવંત સિંહ ઇચ્છતા હતા કે દીકરો ક્રિકેટ રમે. તેમણે સિદ્ધુને 7 વર્ષની ઉંમરે જ બેટ પકડાવી દીધું હતું. યુનિ.માં ગોલ્ડ મેડલિસ્ટ સિદ્ધુ સૈન્યમાં જોડાવા ઇચ્છતા હતા. એનડીએની એક્ઝામ પણ પાસ કરી લીધી હતી. તેમના પિતાએ નિયમ બનાવ્યો હતો કે સ્કૂલે જતા પહેલાં 4 ભાષાનાં અખબાર વાંચવા પડશે. તેઓ હેડલાઇન પૂછતા. સાંજે દૂરદર્શન પર અંગ્રેજી અને હિન્દી સમાચાર સાંભળવા ફરજિયાત હતા. સિદ્ધુનું કહેવું છે કે બોલવાની શૈલી તેઓ સમાચાર સાંભળીને શીખ્યા. કપિલદેવ જણાવે છે કે સિદ્ધુ બહુ ઓછું બોલે છે. સિદ્ધુ કહે છે કે 1999માં સ્વામી વિવેકાનંદને વાંચ્યા બાદ તેમનું જીવન બદલાઇ ગયું.

2004માં ભાજપમાં જોડાયા, 2017માં કોંગ્રેસી થઇ ગયા
​​​​​​​સિદ્ધુ 2004માં ભાજપની ટિકિટ પર અમૃતસરથી લોકસભા ચૂંટણી જીત્યા. પછી 2007માં પેટાચૂંટણી પણ જીત્યા. 2009ની લોકસભા ચૂંટણીમાં અમૃતસરથી ફરી જીત્યા. 2014ની ચૂંટણી પૂર્વે અકાલી દળના નેતાઓ વિરુદ્ધ બોલવું તેમને ભારે પડ્યું અને ભાજપે ટિકિટ ન આપી. કોંગ્રેસના ટીકાકાર રહેલા સિદ્ધુ 2017માં કોંગ્રેસ સાથે જોડાયા ત્યારે તેમણે કહેલું કે તેમના પિતા પણ કોંગ્રેસી હતા, જેથી કોંગ્રેસ તેમના લોહીમાં છે.

16 વર્ષની ક્રિકેટ કરિયર, ‘સિક્સર સિદ્ધુ’ નામ મળ્યું
​​​​​​​સિદ્ધુએ 1981-82માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. 1983માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પણ વન-ડેમાં તક 1987ના વર્લ્ડ કપમાં મળી. તેઓ પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 79 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 73 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા. તે પછી સિદ્ધુનું નામ ‘સિક્સર સિદ્ધુ’ પડી ગયું. તે વર્લ્ડ કપમાં સિદ્ધુએ 5 અર્ધસદી ફટકારી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 28 છગ્ગા ફટકાર્યા. સિદ્ધુ ટેસ્ટ અને વન-ડે મળીને કુલ 187 મેચ રમ્યા અને 7,615 રન કર્યા, જેમાં 15 સદી અને 48 અર્ધસદી સામેલ છે.

રોડ રેજનો આરોપ, ICCએ પણ એકવાર કોમેન્ટ્રી માટે બૅન કર્યા હતા
સિદ્ધુ પર 1988માં પટિયાલામાં રોડ રેજનો આરોપ હતો. હાઇકોર્ટે તેમને 3 વર્ષની સજા સંભળાવી હતી. બાદમાં સુપ્રીમકોર્ટે બિનઇરાદાપૂર્વક હત્યાના આરોપથી મુક્ત કર્યા હતા. 1996માં અઝહર સાથે વિવાદને પગલે સિદ્ધુ ઇંગ્લેન્ડના પ્રવાસેથી અધવચ્ચેથી પાછા આવી ગયા હતા. બાંગ્લાદેશી ક્રિકેટર્સની હદ બહાર ટીકા કરવા બદલ આઇસીસીએ તેમને કોમેન્ટ્રી માટે બૅન કરી દીધા હતા. કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ પ્રસંગે ઇમરાન ખાનને ભેટતા સિદ્ધુની તસવીરો પણ વિવાદોમાં રહી હતી. પુલવામા હુમલા અંગે ટિપ્પણી બદલ સિદ્ધુને કપિલ શર્મા શોમાંથી હટાવી દેવાયા હતા.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...