• Gujarati News
  • National
  • Capt Amarinder's Visit To Union Ministers Almost Possible, MP's Wife Stays At Parneet's Official Residence

કેપ્ટન અચાનક જ દિલ્હી પહોંચ્યા:કેન્દ્રીય મંત્રીઓ સાથે અમરિંદર સિંહની મુલાકાત લગભગ શક્ય, સાંસદ પત્ની પરનીતના સરકારી નિવાસસ્થાન પર રોકાયા છે કેપ્ટન

જલંધર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેપ્ટન અમરિંદર સિંહ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
કેપ્ટન અમરિંદર સિંહ (ફાઈલ ફોટો)

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ બુધવારે અચાનક જ દિલ્હી પહોંચ્યા છે. તેઓ ચંડીગઢથી સીધા જ સાંસદ પત્ની પરનીત કૌરના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલ અમરિંદર સિંહ ત્યાં જ રોકાયા છે. સૂત્રોની વાત માનવામાં આવે તો અમરિંદર કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી શકે છે. જો કે સત્તાવાર રીતે કેપ્ટન ગ્રુપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ગત વખતે તેઓ PM નરેન્દ્ર મોદીને મળશે તેવી ચર્ચા હતી પરંતુ તેવું ન થયું. અમરિંદર કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે. એવામાં તેમની દિલ્હી મુલાકાતને લઈને ફરી અનેક રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

ગત વખતે શાહ અને ડોભાલને મળ્યા હતા
CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ થોડાં દિવસ પહેલાં જ દિલ્હી ગયા હતા. જ્યાં તેઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. અમરિંદરે કોંગ્રેસ છોડવાની જાહેરાત કર્યા બાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ ભાજપમાં જોડાય શકે છે. તેમને કેન્દ્રીય કૃષિ મંત્રી બનાવીને ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવાની પણ ચર્ચા હતી પરંતુ દિલ્હીથી પરત પર્યા બાદ અમરિંદરે ભાજપમાં સામેલ થવાની વાતને ફગાવી દીધી.

અમરિંદરના આગામી રાજકીય પગલાં પર સૌની નજર
કેપ્ટન 52 વર્ષથી પંજાબના રાજકારણમાં છે. સાડા 9 વર્ષ પંજાબના CM પદે રહી ચુક્યા છે. થોડાં દિવસ પહેલાં અચાનક જ કોંગ્રેસે તેમને CMની ખુરસી પરથી હટાવી દીધા. ત્યારે અમરિંદરે કહ્યું કે તેઓનું અપમાન કરવામાં આવ્યું. તેનાથી ચોંકાવનારી વાત સિદ્ધુને લઈને હતી. અમરિંદરે કહ્યું હતું કે તેઓ સિદ્ધુને કોઈ પણ કિંમતે ચૂંટણી નહીં જીતવા દે. સિદ્ધુ વિરૂદ્ધ મજબૂત કેન્ડિડેટ ઉતારશે.

માનવામાં આવે છે કે અમરિંદર કોઈ નવો પક્ષ બનાવી શકે છે. જેની મદદથી તેઓ કૃષિ કાયદાનો ઉકેલ લાવીને કિસાન આંદોલન ખતમ કરાવી શકે છે. જે બાદ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં મેદાનમાં ઉતરી શકે છે. તેઓ પંજાબ વિકાસ પાર્ટી બનાવશે તેવી વાતોએ પણ જોર પકડ્યું છે. જો કે અમરિંદરે હજુ સુધી આ મુદ્દે કંઈ જ કહ્યું નથી.

કોંગ્રેસના દાવાના ઊંધા આંકડા અમરિંદરના પક્ષમાં
પંજાબના રાજકારણમાં અમરિંદર સિંહ દિગ્ગજ નેતા છે. 2002 અને 2017માં તેમના ચહેરાના જોરે જ કોંગ્રેસ સત્તામાં આવી હતી. કોંગ્રેસીઓની સાથે સાથે વિરોધીઓ પણ આ વાત સારી રીતે જાણે છે. મોદી લહેરમાં દિગ્ગજ ભાજપના નેતા અરુણ જેટલીને અમૃતસરમાંથી લોકસભા ચૂંટણી હરાવીને કેપ્ટને પોતાનો દબદબો દેખાડ્યો હતો. પંજાબ કોંગ્રેસના ઈન્ચાર્જ હરીશ રાવતે કહ્યું કે પંજાબના લોકો અમરિંદરના વિરૂદ્ધમાં છે. જો કે તેમનો ચૂંટણી રેકોર્ડ સારો છે.

2017માં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તેવા વાતાવરણ વચ્ચે અમરિંદર 77 સીટ જીતી ગયા. જે બાદ પેટાચૂંટણીમાં 4માંથી 3 સીટ જીતી. 2019ની લોકસભા ચૂંટણીમાં 13માંથી 8 સીટ જીતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં 7 નગર નિગમની ચૂંટણી થઈ. કોંગ્રેસે 350માંથી 281 એટલે કે 80.28% સીટ જીતી. 109 નગર કાઉન્સિલની ચૂંટણી થઈ તેમાંથી 97 કોંગ્રેસ જીત્યું. 2,165માંથી 1,486 એટલે કે 68% વોર્ડ કોંગ્રેસને ફાળે ગઈ.

અન્ય સમાચારો પણ છે...