• Gujarati News
  • National
  • Cabinet Extends Poor Welfare Food Scheme To 4 Months, All Three Approve Repeal Of Agriculture Law

ગરીબોને ફ્રીમાં રાશન મળતું રહેશે:કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવી, ત્રણે કૃષિ કાયદાને રદ કરવાની પણ મંજૂરી મળી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત ગરીબોને ફ્રીમાં રાશન વહેંચવામાં આવી રહ્યું છે. કોરોના દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી હતી. આજે કેબિનેટે એને આગળ ચાલુ રાખવાનું એપ્રૂવલ આપ્યું છે.

બીજી તરફ, વધુ એક નિર્ણયમાં કેબિનેટે ત્રણે કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દિવસ પહેલાં 19 નવેમ્બરે ગુરુ પર્વના દિવસે આ ત્રણ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. કેબિનેટની મંજૂરી પછી કાયદો પરત લેવાના પ્રસ્તાવને સંસદના શિયાળુ સત્રમાં બંને સદનોમાં પસાર કરવામાં આવશે. એ પછી ખેડૂત આંદોલનનું કારણ બનેલા ત્રણે કૃષિ કાયદાઓ સમાપ્ત થઈ જશે.

મોદીએ શુક્રવારે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી
વડાપ્રધાન મોદીએ શુક્રવારે રાષ્ટ્રના નામે કરેલા પોતાના સંબોધનમાં ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર આ કાયદા ખેડૂતોના હિતમાં સાફ દાનતથી લાવી હતી. જોકે અમે કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે આગામી સંસદ સત્રમાં કાયદાઓને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, સંસદ સત્ર શરૂ થયા પછી ઓછામાં ઓછા 3 દિવસમાં આ પ્રક્રિયા પૂરી થઈ શકે છે. સંસદ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવાનું છે.

કઈ રીતે પરત લેવાશે કૃષિ કાયદા?
ત્રણે નવા કૃષિ કાયદાને 17 સપ્ટેમ્બર 2020એ લોકસભાએ મંજૂર કર્યા હતા. રાષ્ટ્રપતિએ ત્રણે કૃષિ કાયદાઓના પ્રસ્તાવ પર 27 સપ્ટેમ્બરે હસ્તાક્ષર કર્યા હતા. એ પછી ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. બંધારણના એક્સપર્ટ વિરાગ ગુપ્તાના જણાવ્યા મુજબ, કોઈપણ કાયદાને પરત લેવાની પ્રક્રિયા પણ એ રીતે જ થશે, જે રીતે કોઈ નવા કાયદાને બનાવવામાં આવે છે.

  • સૌથી પહેલા સરકાર સંસદનાં બંને સદનોમાં આ સંબંધમાં બિલ રજૂ કરશે.
  • સંસદનાં બંને સદનોમાં આ બિલ બહુમતીના આધારે પસાર કરવામાં આવશે.
  • બિલ પસાર થયા પછી રાષ્ટ્રપતિની પાસે જશે. રાષ્ટ્રપતિ તેમની પર પોતાની મોહર લગાવશે.
  • રાષ્ટ્રપતિની મોહર પછી સરકાર નોટિફિકેશન બહાર પાડશે.
  • નોટિફિકેશન બહાર પડ્યા પછી કૃષિ કાયદા રદ થઈ જશે.

ક્રિપ્ટોકરન્સી પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા શક્ય
કેન્દ્ર સરકાર તરફથી ક્રિપ્ટોકરન્સી પર લગામ લગાવવાની ચર્ચા છે. આજની કેબિનેટ બેઠકમાં આ ચર્ચા પણ થઈ શકે છે. આ સમાચારો પછી ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યે બિટકોઈનમાં 17 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરનારુ બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં છે. બિલમાં તમામ પ્રકારની પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધો લગાવવાની વાત કહેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...