મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક યુવકે તેની માતાની અનેક વર્ષો જૂની ઈચ્છા પૂરી કરાવતા તેને હેલિકોપ્ટરમાં બેસાડી સમગ્ર શહેરનું ચક્કસ લગાવડાવ્યું. માતાની ઈચ્છા પૂરી કરવા માટે દીકરાના આ પ્રયત્નોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેને કળિયુગના શ્રવણ કુમાર કહેવામાં આવે છે.
મંગળવારે પ્રદીપ ગરડની માતા રેખા દિલીપ ગરડનો 50મો જન્મદિવસ હતો. માતાને ગિફ્ટ આપવા માટે પ્રદીપે હેલિકોપ્ટર રાઈડની સરપ્રાઈઝ વ્યવસ્થા કરી હતી. પ્રદીપે જણાવ્યું હતું કે મંગળવારે તે માતાને સિદ્ધિવિનાયક લઈ જવાના બહાને સીધા જ એરબેઝ પહોંચ્યાં હતાં અને હેલિકોપ્ટર દેખાડીને સરપ્રાઈઝ આપ્યું. દીકરાની આ ખાસ સોગાદ જોઈ માતા તેની આંખમાં આંસુ અટકાવી શકી ન હતી અને રાઈડ સમયે પણ અનેક વખત રડી હતી.
ઘરોમાં કામ કરી 3 બાળકને ભણાવ્યાં
રેખા મૂળ સોલાપુર જિલ્લાના બાર્શીની રહેવાસી છે. લગ્ન બાદ તે પતિ સાથે ઉલ્હાસનગર શિફ્ટ થઈ હતી. રેખાનાં 3 બાળક છે અને તેમાં પ્રદીપ સૌથી મોટો છે. પ્રદીપ જ્યારે ધોરણ-7માં અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ માતાએ ખૂબ જ મુશ્કેલ સમયમાં ત્રણેય બાળકોને ભણાવ્યાં. તે અન્ય લોકોના ઘરના કામ કરતી હતી. રેખાનો મોટો દીકરો પ્રદીપ આજે એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મોટા પદ પર છે.
ઘરની ઉપર હેલિકોપ્ટર ઊડતું જોઈ માતાએ ઈચ્છા વ્યક્ત કરેલી
પ્રદીપે કહ્યું હતું કે તે જ્યારે ધોરણ-12માં અભ્યાસ કરતો હતો તો તેના ઘરની ઉપર એક હેલિકોપ્ટર ઊડી રહ્યું હતું. માતાએ એને જોઈને પૂછ્યું કે શું આપણે પણ ક્યારેક એમાં બેસી શકીશું. એ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે એક દિવસ માતાને હેલિકોપ્ટરની સફર ચોક્કસ કરાવીશ. માતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેના 50મા જન્મદિવસથી વિશેષ કોઈ સારો દિવસ ન હતો. છેવટે દીકરાએ માતાનું આ સપનું પૂરું કર્યું.
માતાએ કહ્યું- ભગવાન આવો દીકરો સૌને આપે
એક દીકરાએ માતાને સોગાદ સ્વરૂપમાં શું આપ્યું એ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય છે. પ્રદીપની નોકરી લાગ્યા બાદ સમગ્ર પરિવાર એક ફ્લેટમાં રહેવા આવેલો છે. દીકરાના આ પ્રયત્ન બાદ રેખા તેની આંખમાં આંસુ રોકી શકતી નથી અને સતત રડતી નજર આવે છે. આ સમયે રેખાએ કહ્યું- ભગવાન આવા દીકરા સૌને આપે. સંપૂર્ણ પરિવારે આશરે અડધા કલાક સુધી હેલિકોપ્ટરની સવારીનો આનંદ માણ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.