સુપ્રીમનો અસંતોષ:બ્યુરોક્રસી તદ્દન નિષ્ક્રિય, ફક્ત કોર્ટના આદેશની રાહ જોવે છે: ચીફ જસ્ટિસ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી-NCRમાં શ્વાસ રુંધતા પ્રદૂષણ મુદ્દે સુપ્રીમકોર્ટ ભડકી
  • કહ્યું- વર્ષના બે મહિના દિલ્હી ચોક થઈ જાય છે, કેન્દ્ર-દિલ્હી સરકાર આખું વર્ષ શું કરે છે?
  • દિલ્હી સરકારે પરાળીનો ઉલ્લેખ કર્યો, તો કોર્ટે કહ્યું- તમે મુદ્દો ભટકાવી રહ્યા છો

સુપ્રીમકોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લીધેલાં પગલાં સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ એન.વી. રમના, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે કહ્યું કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં દિલ્હી વાયુ પ્રદૂષણથી ચોક થઈ જાય છે તો આખું વર્ષ કેન્દ્ર અને દિલ્હી સરકાર કરે છે શું? ત્યારે ખબર નથી પડતી કે, શું કરવાનું છે?

આ દરમિયાન ચીફ જસ્ટિસ રમનાએ સરકારી અધિકારીઓને આડે હાથ લેતા કહ્યું કે, બ્યુરોક્રેસી નિષ્ક્રિય થઈ ગઈ છે. તેઓ પોતે તો કશું કરતા નથી, બસ કોર્ટના આદેશની રાહ જોયા કરે છે. અધિકારીઓને ફક્ત એફિડેવિટ પર સહી કરવી છે. બાદમાં કોર્ટે બુધવારે કોઈ આદેશ આપ્યા વિના સુનાવણી એક સપ્તાહ સુધી ટાળી દીધી હતી.

આ દરમિયાન સુનાવણી શરૂ થતાં જ કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે અંગે મીડિયામાં ચર્ચા ચાલે છે. મારા પર એવો આરોપ લગાવાઈ રહ્યો છે કે મેં કોર્ટને ગેરમાર્ગે દોરી છે. મેં તો ફક્ત પરાળીથી થતા પ્રદૂષણના ખોટા આંકડા અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. આ મુદ્દે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, તમે કહ્યું હતું કે, અહીંના કુલ પ્રદૂષણમાં પરાળીના ધુમાડાનો હિસ્સો 10%થી ઓછો છે, પરંતુ એફિડેવિટમાં 4%ની વાત કરાઈ છે.

જોકે, તમે કોર્ટને ગેરમાર્ગે નથી દોરી. બાદમાં ચીફ જસ્ટિસ રમનાએ કહ્યું કે, એ બધું તમે ભૂલી જાઓ. ટીવી પર કોઈ પણ મુદ્દે થતી ચર્ચા, બીજી કોઈ પણ ચીજથી વધુ પ્રદૂષણ ફેલાવે છે ત્યાં બોલનારાને વાત સમજાતી નથી અને કંઈ પણ બોલી નાંખે છે. તેમનો પોતાનો એક એજન્ડા હોય છે. અમે પરાળી માટે ખેડૂતોને હેરાન કરવા કે તેમને દંડિત કરવા નથી માંગતા. આ મામલો ખુદ રાજ્ય સરકારો સંભાળે. તમે અમને કહો કે પ્રદૂષણ મુદ્દે યોજાયેલી ઈમર્જન્સી બેઠકમાં શું નિર્ણય લેવાયો?

આ અંગે સોલિસિટર જનરલે કહ્યું કે, રાજ્યોના મુખ્ય સચિવો અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં નક્કી થયું છે કે દિલ્હી-એનસીઆરના 300 કિ.મી.ના દાયરામાં આવતા દસ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ફક્ત પાંચ 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. 15 વર્ષ જૂનાં પેટ્રોલ અને દસ વર્ષ જૂનાં ડીઝલ વાહનો નહીં ચાલે. વાહનોને પ્રદૂષણને લગતું પ્રમાણપત્ર અપાશે, પછી જ તે ચાલશે.

પેટ્રોલપંપ પર તેના ચેકિંગની વ્યવસ્થા હશે. 30 નવેમ્બર સુધી 50% કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે. દિલ્હી-એનસીઆરમાં ફક્ત ઓનલાઈન ક્લાસ જ ચાલશે. કોરોના લોકડાઉનના કારણે કેન્દ્ર સરકારના કામને પણ અસર થઈ છે એટલે કેન્દ્રીય કર્મચારીઓને કાર પુલિંગના આદેશ અપાયા છે. આ નિર્ણયમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન પણ સામેલ છે.

ઈન્હેલરની મદદથી પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે: અરજદાર
આ કેસના અરજદારના વકીલ વિકાસ સિંહાએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ એટલું ભયાનક વધી ગયું છે કે ઈન્હેલરની મદદથી પણ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે કેટલાંક જરૂરી પગલાં લઈશું. ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અમને લાગે છે કે, કોઈ પણ પોતાની સત્તાનો ઉપયોગ કરવા નથી માંગતુ. અમે 21 નવેમ્બર સુધી મહત્ત્વના નિર્ણય લેવા વિચાર કરી શકીએ છીએ.

કેન્દ્ર વર્ક ફ્રોમ હોમ વિશે પણ વિચારે. ત્યારે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે, તો આખા દેશ પર અસર થશે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, દિલ્હીમાં એવી કઈ જગ્યા છે, જ્યાં સરકારી કર્મચારી રહે છે.

તો તેમના માટે સામૂહિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરો. આ અંગે દિલ્હી સરકારે કહ્યું કે, તમે આદેશ આપો, અમે પાલન કરીશું. ત્યારે ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હા બ્યૂરોક્રેસી નિષ્ક્રિય થઈ ગઈ છે. તેઓ બસ કોર્ટના આદેશની રાહ જુએ છે, અધિકારીઓએ ફક્ત એફિડેવિટ પર સહી કરવી છે.

કોર્ટ રૂમ લાઈવ| સુપ્રીમકોર્ટે દિલ્હી સરકારને રોકડું પરખાવ્યું કે હકીકતમાં તમે નિષ્ફળ સાબિત થયા છો સિંઘવી: દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે ઈમ્પિરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો એક રિપોર્ટ છે. સીજેઆઈ: તમે વારંવાર રિપોર્ટનો હવાલો આપો છો, પરંતુ હકીકતમાં તમે નિષ્ફળ સાબિત થયા છો. જસ્ટિસ ચંદ્રચૂડ: દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા હાલ શું નિર્ણયો લીધા છે? દિલ્હી સરકાર: બાંધકામ સાઈટોની દેખરેખ અને એન્ટિડસ્ટ કેમ્પેન ચાલુ કર્યું છે. સીજેઆઈ: 69 સ્વીપિંગ મશીનો સિવાય બીજા કેટલાં મશીન ખરીદયાં? સિંઘવી: 15 નવા મશીન ઓર્ડર કર્યા છે. જસ્ટિસ ચંદ્રચૂડ: 15 મશીન દિલ્હી માટે પૂરતાં છે? દિલ્હી સરકાર: કોર્પોરેશને 15 મશીન માંગ્યાં હતાં, જે અમે એપ્રૂવ કરી દીધાં. સીજેઆઈ: તમારી પાસે કેટલાં મશીન મંગાયાં તે વાત નથી. તમે તમારા કામમાં ગંભીર ક્યારે થશો? જસ્ટિસ સૂર્યકાંત: 15 અને 10 વર્ષ જૂનાં વાહનો પર પ્રતિબંધનો આદેશ કેટલા સમયમાં લાગુ થશે? દિલ્હી સરકાર: તેની પ્રક્રિયા ચાલી રહી છે. હરિયાણા સરકાર: કેન્દ્રનાં 90% સૂચનો લાગુ છે. ખેડૂતોને પણ પરાળી નહીં બાળવા અપીલ કરીએ છીએ. સીજેઆઈ: પંજાબની એફિડેવિટમાં પરાળીની માહિતી કેમ નથી? પરાળી ડિકમ્પોઝ કરવાના કેટલાં મશીન ખરીદયાં? પંજાબ સરકાર: અમે 76 હજાર મશીન ખરીદયાં છે. સીજેઆઈ: તેનો ખર્ચ કોણ ભોગવે છે? પંજાબ સરકાર: 80% કેન્દ્ર અને 20% ગ્રામ પંચાયત.

ફાઈવ સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર દોષારોપણ સરળ
દિલ્હી તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, બધા જાણે છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં પરાળી બળાય છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, અમારું ફોકસ પ્રદૂષણ ઘટાડવાનું છે. તમે વારંવાર મુદ્દા ભટકાવવાનો પ્રયાસ કેમ કરો છો? આપણે અહીં ઉકેલ કાઢવા માટે છીએ. આ મુદ્દે દિલ્હી સરકારે કહ્યું કે, પરાળીના પ્રદૂષણને પણ નજરઅંદાજ ના કરી શકાય. કાનપુર આઈઆઈટીએ આ મુશ્કેલીનો ઉકેલ આપ્યો છે. બાદમાં જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે ફાઈવ સ્ટાર હોટલોમાં એ.સી.માં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો નાંખવો સરળ છે. શું તમે પરાળી નષ્ટ કરવાનું મશીન મફત આપી શકો? ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે, આઈઆઈટી કાનપુરનો અહેવાલ વિશ્વાસ કરવા જેવો નથી. તેમાં પ્રદૂષણનાં મુખ્ય કારણોમાં ફટાકડાથી થતું પ્રદૂષણ છેક 15મા ક્રમે છે, જ્યારે પ્રદૂષણ તો દિવાળીમાં જ વધુ થાય છે. તમે જોયું નહીં કે, પ્રતિબંધ છતાં કેટલા બધા ફટાકડા ફૂટ્યા

અન્ય સમાચારો પણ છે...