પ્રતિબંધો હટતાં જ રિવેન્જ ટૂરિઝમ શરૂ:રાજસ્થાન, ગોવા અને કાશ્મીરમાં હોટલોના રૂમનાં ભાડાં 4 ગણા સુધી વધ્યાં છતાં પણ બમ્પર બુકિંગ

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
  • ડેસ્ટિનેશન વેડિંગના કારણે રાજસ્થાનમાં બુકિંગ વધ્યું
  • ગુલમર્ગના ખૈબર હિમાલયન રિસોર્ટમાં 21 હજાર રૂપિયા પ્રતિદિનના ભાડે મળતા રૂમ વર્ષના છેલ્લા સપ્તાહમાં 44થી 84 હજાર રૂપિયાના દરે બુક થયા છે.
  • ગોવાના તાજ એક્ઝોટિકામાં 23 હજાર રૂપિયા પ્રતિદિનના રૂમ નવા વર્ષના દિવસ માટે 79 રૂપિયામાં બુક થયા છે.
  • જેસલમેરના મેરિયટમાં 12 હજાર રૂપિયા પ્રતિદિનના રૂમ 44 હજારમાં બુક થયા છે.

ક્રિસમસથી નવા વર્ષની રજાઓમાં હોટલના રૂમના ભાડાં કઈ હદે વધી ગયાં છે તેના આ કેટલાંક ઉદાહરણ છે. આ સ્થિતિ દેશના લગભગ તમામ ટૂરિસ્ટ સ્પોટની સારી હોટલોની છે. હોટલના રૂમના ભાડાં કોવિડ પહેલાનાં ઇયર એન્ડ કરતાં વધુ છે. આમ છતાં સ્થિતિ એવી છે કે કેટલાક ટુરિસ્ટ સ્પોટ પર પ્રીમિયમ હોટલોમાં ફેબ્રુઆરી સુધી રૂમ ઉપલબ્ધ નથી.

હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે મહામારીના પ્રતિબંધો હટ્યા બાદ લોકો કોઈ પણ ભોગે ઘરમાંથી નીકળવા અને ફરવા માગે છે. રિવેન્જ શોપિંગની જેમ આ રિવેન્જ ટૂરિઝમનો ટ્રેન્ડ છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનાં પ્રમુખ જ્યોતિ માયલે જણાવ્યું કે ઓમિક્રોનના સમાચાર બાદ10-15 ટકા પર્યટકો જેમાં ખાસ કરીને વિદેશી પર્યટકોએ બુકિંગ રદ કરાવ્યાં છે, પણ સ્થિતિ સ્પષ્ટ થતાં સ્થાનિક ટૂરિસ્ટ વધવા લાગ્યા.

અત્યારે કાશ્મીર, ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશમાં ફાઈવ સ્ટારથી લઈને વાજબી ભાડાની હોટલ સુધી તમામ શ્રેણીમાં ભાડાં ઓછામાં ઓછાં 50 ટકા વધુ છે. કાશ્મીર, જયપુર અને રાજસ્થાનના ઘણાં અન્ય ટુરિસ્ટ સ્થળોમાં થ્રી અને ફોર સ્ટાર હોટલોના ભાડાં બેથી ત્રણ ગણાં સુધી વધી ગયાં છે. ડેસ્ટિનેશન વેડિંગના કારણે રાજસ્થાનમાં કેટલાક શહેરોમાં ટુરિસ્ટોનું બુકિંગ વધી ગયું છે. ગોવામાં આ વખતે એક જ રૂમનું ભાડું ક્રિસમસની તુલનામાં નવા વર્ષના દિવસે દોઢ ગણા જેટલું વધુ છે.

કાશ્મીરમાં શ્રીનગરથી લઈને ગુલમર્ગ સુધી પાછલા છ મહિનાથી જ એટલી વધુ સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે જે પાછલા એક દાયકામાં ક્યારેય આવ્યા નથી. પાછલા નવેમ્બર-ડિસેમ્બરમાં સરેરાશ સાડા છ હજાર પર્યટક કાશ્મીર આવ્યા હતા. જ્યારે આ વર્ષે નવેમ્બર મહિમામાં જ લગભગ સવા લાખ પર્યટક આવી ચૂક્યા હતા અને હજુ પર્યટકોના આવવાનો આ ટ્રેન્ડ ચાલુ જ છે.

મહાનગરોમાં કોવિટ પહેલાંની તુલનામાં ટ્રાફિક 70 ટકાથી ઉપર સુધી પહોંચી ગયો છે. હોટલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને રેડિસન હોટલ સમૂહના ચેરમેન કે.બી. કાચરૂએ કહ્યું કે લોકો એવા સ્થાનો પર જવા માટે વધુ સહજ છે જ્યાં ભીડ ઓછી હોય.

આ સમયમાં એક ટ્રેન્ડ એવો પણ છે કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ જેવા મહાનગરોમાં હોટલના રૂમનાં ભાડાં 20 ટકા અને ક્યાંક 30 ટકા સુધી ઓછાં છે, પણ રાજસ્થાન, કાશ્મીર, ગોવા, કેરળ, કચ્છ જેવા વિસ્તારોમાં હોટલના ભાડાં ઓછામાં ઓછા 50 ટકા વધી ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...