રાજસ્થાનના ઉદયપુરમાં એક અનોખું ઘર પર્યાવરણના સંરક્ષણ માટે દેશ-દુનિયામાં મહત્ત્વપૂર્ણ દૃષ્ટાંત બની ગયું છે. અમે અહીં પર્યાવરણપ્રેમી એન્જિનિયર કેપી સિંહના ટ્રી હાઉસની વાત કરી રહ્યા છીએ, જે છેલ્લાં 20 વર્ષોથી એક કેરીના ઝાડ પર ટક્યું છે. સિંહનું ઘર 4 માળનું છે, જેના નિર્માણ માટે તેણે વૃક્ષની એકપણ ડાળી કાપી નથી.
વૃક્ષ અને ઘર બંને સુરક્ષિત
એન્જિનિયર કેપી સિંહે પોતાનું આ ટ્રી હાઉસ વર્ષ 2000માં બનાવ્યું હતું. ત્યારથી લઈને અત્યારસુધી આ ઘર સુરક્ષિત છે અને જે વૃક્ષ પર બનાવાયું છે એ પણ સુરક્ષિત છે. એન્જિનિયર કેપી સિંહનું આ ઘર પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. તેણે પોતાના સપનાના ઘરને વૃક્ષની ડાળીઓને કાપ્યા વગર આ ઘરનું નિર્માણ કર્યું છે. એમાં એક ડાળીને સોફાની માફક રૂપ આપવામાં આવ્યું છે તો કોઈ ડાળીને ટીવી સ્ટેન્ડ બનાવાયું છે.
આ વૃક્ષ પર કેરી પણ ઊગે છે
આ ઘરને વૃક્ષની ડાળીઓના હિસાબે ડિઝાઈન કરાયું છે, જેમાં રસોડું, બાથરૂમ, બેડરૂમ, ડાઈનિંગ હોલ સહિત જમીન પર બનાવવામાં આવતાં ઘરની માફક તમામ સુખ સુવિધાઓ હાજર છે. રસોડા અને બેડરૂમમાંથી વૃક્ષની ડાળીઓ નીકળે છે. આને કારણે ફળ પણ ઘરમાં ઊગે છે.
વૃક્ષને બચાવવા માટે એના પર ઘર બનાવ્યું
કેપી સિંહે જણાવ્યું હતું કે 1999માં તેમણે ઉદયપુરમાં ઘર બનાવવા માટે જમીન શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સુખેર વિસ્તારમાં કૉલોનાઈઝરે તેમને હરિયાળીવાળાપ્રદેશમાં જમીન બતાવી. એ સમયે કૉલોનાઈઝરે કહ્યું હતું કે અહીં વૃક્ષ કાપીને ઘર બનાવવું પડશે, ત્યારે એન્જિનિયરે વૃક્ષ પર જ ઘર બનાવવાની વાત વિચારી હતી.
કેટલાંક વર્ષો પહેલાં આ ઘર 2 માળનું હતું, જેને વધારીને ધીમે-ધીમે 4 માળનું કરવામાં આવ્યું હતું. વૃક્ષ પર ઘર હોવાને કારણે પશુ-પક્ષીઓ પણ ઘણી વેળાએ આ ઘરમાં પ્રવેશ કરતાં હોય છે. હવે પક્ષીઓ સાથે વસવાટ કરવાની તેને આદત પડી ગઈ છે, કારણે કે પક્ષીઓ આપણા ઘરમાં નહીં, પરંતુ આપણે પક્ષીઓના ઘરમાં નિવાસ કરી રહ્યા છીએ.
ટ્રી હાઉસની વિશેષતાઓ
આ ઘર જમીનથી 9 ફૂટ ઉપર શરૂ થાય છે, જે આશરે 40 ફૂટ ઊંચાઈ સુધી જાય છે. ટ્રી હાઉસની અંદર જવા માટે જે સીડીનો ઉપયોગ થાય છે એ રિમોટથી ઉપયોગમાં લેવાય છે. આ ઘર બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, આને બનાવવા માટે સ્ટીલ સ્ટ્રક્ચર, સેલ્યુલર અને ફાઈબરનો ઉપયોગ કર્યો છે.
ફાઈબર શીટનો ઉપયોગ કરીને ઘર બનાવ્યું
કેપી સિંહે જણાવ્યું હતું કે આ ટ્રી હાઉસના ડિઝાઈનને પણ વૃક્ષની ડાળીઓ પ્રમાણે ઘડવામાં આવી છે. આ ઘરની ખાસ વાત એ છે કે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે જાણે આ ઘર હવામાં હિંચકા ખાતું હોય તેમ લાગે છે. આ ઘરમાં જગ્યાએ જગ્યાએ વિશાળ છીંડાં રાખવામાં આવ્યા છે, જેથી આ વૃક્ષને સૂર્યપ્રકાશ મળે અને એનો પ્રાકૃતિક વિકાસ થઈ શકે.
ઓક્સિજન વચ્ચે રહીને આરામનો અનુભવ થાય છે
આ ઘરમાં રહેતા કમલે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં અત્યારે ઓક્સિજનની અછત જણાઈ રહી છે, ત્યાં 24 કલાક સુધી નિઃશુલ્ક ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકે છે. આવા સમયમાં આપણે પ્રકૃતિને બચાવીને તથા એની વચ્ચે રહીને આપણે સ્વસ્થ અને સુરક્ષિત રહી શકીએ છીએ. આ તમામ વાતને ધ્યાનમાં રાખીને 20 વર્ષ પહેલાં જ મારા પિતાએ આ ઘરનું નિર્માણ કર્યું હતું. જે મારા ઘરની સાથે પાડોશીઓને પણ ઓક્સિજન પૂરો પાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.